તાજેતરમાં નેશનલ મેડીકલ કાઉન્સીલે દેશમાં નવી કોલેજો ખોલવા અંગે સૂચનાઓ બહાર પાડી હતી. નોટીફીકેશન મુજબ હવે ડોક્ટરો માટે 75 ટકા હાજરી ફરજીયાત રહેશે. આ સાથે નવી કોલેજોમાં પ્રવેશ માટેની બેઠકોની સંખ્યામાં ઘટાડો કરવામાં આવ્યો છે. રાજ્યમાં બોટાદ, જામખંભાળીયા અને વેરાવળમાં ત્રણ નવી મેડીકલ કોલેજો ખોલવાની જાહેરાત કરાઇ છે. જો કે, સરકાર દ્વારા આ મેડીકલ કોલેજો માટે અરજી કરવામાં આવે તે પહેલા કેન્દ્ર સરકાર દ્વારા નવી મેડીકલ કોલેજો શરૂ કરવા માટેના નિયમો બદલી નાંખવામાં આવ્યા છે. નવા નિયમો પ્રમાણે હવે 50 બેઠકની મેડીકલ કોલેજ માટે 220, 100 બેઠકો માટે 415 અને 150 બેઠકો માટે 620 બેડ ધરાવતી સિવિલ હોસ્પિટલ ફરજીયાત કરી છે. જો કે, શરૂઆતના પ્રારંભિક તબક્કામાં નિયમોમાં થોડી છુટછાટ મળે અને આગામી નવા સત્ર 2024-25થી ત્રણેય સ્થળોએ પ્રવેશ પ્રક્રિયા શરૂ થાય તેવા એંધાણ છે.

રાજ્યમાં નવી મેડિકલ કોલેજ શરૂ થાય તે પહેલા જ કેન્દ્ર દ્વારા નિયમો બદલાયા: નવી કોલેજોમાં 50 બેઠકોની મંજુરી માટે 220, 100 બેઠકો માટે 415 અને 150 બેઠકો માટે 620 બેડની સિવિલ હોસ્પિટલ જરૂરી

માર્ગદર્શિકામાં જણાવ્યા મુજબ 2023-24 પછી નવી મેડીકલ કોલેજો શરૂ કરવાની પરવાનગી ફક્ત 50-100-150 બેઠકોની વાર્ષિક ઇન્ટેક ક્ષમતા માટે જ આપવામાં આવશે. મેડીકલ કોલેજો, વિદ્યાથીઓ અને તાલીમાર્થીઓ માટે છાત્રાલયો અને શિક્ષણ હોસ્પિટલો અથવા સંસ્થાઓ, કા તો એક કેમ્પસમાં અથવા વધુમાં વધુ બે કેમ્પસમાં ચાલુ રાખી શકાશે. હોસ્પિટલમાં ઓછામાં ઓછા 220 બેડ હશે. કેમ્પસ, લાઇબ્રેરી, જર્નલ્સ, લેક્ચર હોલ, લેબોરેટરી, બાયોમેડીકલ વેસ્ટ મેનેજમેન્ટ, રિસર્ચ ફેકેલ્ટી, કોલેજોની વેબસાઇટ, વિભાગ અને ક્લોઝ સર્કિટ કેમેરાના સંદર્ભમાં માર્ગદર્શિકામાં અન્ય પરિણામોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

સામાન્ય રીતે મેડીકલ કોલેજ શરૂ કરવા માટે નિર્ધારિત 300 બેડની હોસ્પિટલ જરૂર હોય છે. જો કે, આટલી મોટી હોસ્પિટલ છે. તે પ્રકારનું સર્ટિફીકેટ આપી દેવાના મંજૂરી આપી દેવાતી હતી. હવે આગામી દિવસોમાં બોટાદ, જામખંભાળીયા અને વેરાવળ ત્રણેય જગ્યાએ નવી મેડીકલ કોલેજો શરૂ કરવાની જાહેરાત કરાઇ છે. જેથી હવે 50 બેઠકોની નવી મેડીકલ કોલેજો શરૂ કરવી હોય તો 220 બેડ, 100 બેઠકોની મેડિકલ કોલેજ માટે 415 બેડની હોસ્પિટલ અને 150 બેઠક માટે 620 બેડની હોસ્પિટલ જરૂરી છે. આમ, હવે નવા નિયમો પ્રમાણે ત્રણ મેડીકલ કોલેજ શરૂ કરવા માટે તેટલા બેડ ધરાવતી સિવિલ હોસ્પિટલ જરૂરી છે. તો આ ત્રણેય સ્થળોએ નવા સત્ર 2024-25થી મેડીકલ કોલેજ ધમધમતી થશે કે કેમ? તેના પર સૌની મીટ છે.

નવી મેડિકલ કોલેજોને પ્રારંભિક તબક્કે છુટછાટ અપાશે: ડો.સેજુલ અંટાલા

રાજકોટ મેડીકલ કોલેજના આસિસ્ટન્ટ પ્રોફેસર ડો.સેજુલ અંટાલાએ ‘અબતક’ સાથેની વાતચિતમાં જણાવ્યું હતું કે, જે નવા નિયમો નવી મેડીકલ કોલેજો માટે આવ્યા છે. તેમાં પ્રારંભિક તબક્કે થોડી છુટછાટ આપવામાં આવશે. જેમ-જેમ વિદ્યાર્થીઓનો પ્રવેશ થાય ત્યારબાદ ધીમે-ધીમે આ નવી મેડીકલ કોલેજો સુવિધામાં વધારો કરતી જશે. શરૂઆતના પાંચ વર્ષમાં જ તમામ નવી મેડીકલ કોલેજો નવા નિયમોને આધીન ધમધમતી બની જશે અને રાજકોટની મેડીકલ કોલેજમાં હાલ 200 સીટ સામે 800થી વધુ બેડની હોસ્પિટલ છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.