રાજકોટમાં નિર્માણાધિન જનાના હોસ્પિટલની કાર્યપ્રગતિની સમીક્ષા કરતા મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી
રૂ. ૨૦૦ કરોડના ખર્ચથી બનનારી ચાઇલ્ડ એન્ડ મધરકેર હોસ્પિટલમાં ૨૦૦ પથારી પ્રસુતા માતા અને ૩૦૦ પથારી બાળકો માટે હશે
રાજકોટ શહેરમાં હોસ્પિટલ ચોક ખાતે રૂ.૨૦૦ કરોડના ખર્ચથી નિર્માણાધિન જનાના હોસ્પિટલની મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ રૂબરૂ મુલાકાત લઇ કાર્યપ્રગતિની સમીક્ષા કરી હતી અને નિર્માણકાર્ય નિયત સમયમર્યાદામાં પૂર્ણ થાય એ માટે જરૂરી માર્ગદર્શન આપ્યું હતું. ૧૫૦ વર્ષ જૂની જનાના હોસ્પિટલના પ્રાંગણમાં આવેલા ૧૦૦ કરતા પણ વધુ વર્ષ જૂના ઘેઘુર વડલાને બચાવવા માટે નવા પ્લાનમાં ફેરફાર કરવામાં આવ્યો છે. આ ચાઇલ્ડ એન્ડ મધરકેર હોસ્પિટલના પહેલાના પ્લાન મુજબ વડલાને કાપવો પડતો હતો. પણ, હવે ફેરફાર મુજબના નવા પ્લાનમાં આઠ માળને બદલે ૧૧ માળ કરી વડલાના વૃક્ષને બચાવી લેવામાં આવ્યું છે.
જનાના હોસ્પિટલના સ્થાને બનનારી ચાઇલ્ડ એન્ડ મધરકેર હોસ્પિટલમાં કુલ ૫૦૦ પથારીની સુવિધા હશે. જે પૈકી ૨૦૦ પથારી પ્રસુતા માટે અને ૩૦૦ પથારી બાળકો માટે રાખવાની છે. આરોગ્ય ક્ષેત્રના આ પ્રકલ્પથી ગરીબ અને મધ્યમ વર્ગના લોકોને લાભ મળશે. જેના પ્રથમ તબક્કામાં ૭૦.૭૮ કરોડના ખર્ચથી બાંધકામની કામગીરી કરવામાં આવનાર છે.
મુખ્યમંત્રી પાણી સીધા સ્થળ ઉપર પહોંચ્યા હતા અને જ્યાં તેમણે બાંધકામ વિભાગના અધિકારીઓ પાસેથી કામગીરીની રજે રજની વિગતો મેળવી હતી. ત્યાં તેમણે પ્લાનનું નિરીક્ષણ પણ કર્યું હતું. બાદમાં સાઇટની પણ મુલાકાત લીધી હતી.
રાજકોટની જનાના હોસ્પિટલનો ઇતિહાસ ૧૫૦ વર્ષ જૂનો છે. જેનું નિર્માણ જૂનાગઢના બાબી શાસકો દ્વારા કરવામાં આવ્યું હતું. બાળવિવાહ જેવી કુપ્રથા સામે જન જાગૃતિના મશાલચી અને અંગ્રેજો કાળમાં ભારતના પ્રથમ પ્રેક્ટિસિંગ લેડી ફિઝીશ્યન રૂખમાબાઇ પણ અહીં ફરજ બજાવી ચૂક્યા છે.