ચોટીલામાં રાષ્ટ્રીય પર્વ નિમિત્તે દેશભક્તિનાં ગીતો ગુંજ્યા
ખ્યાતનામ પાર્શ્ર્વ ગાયક તુષાર ત્રિવેદીએ બોલાવી ગીતોની રમઝટ : મોટી સંખ્યામાં લોકોએ કાર્યક્રમને માણ્યો
પ્રજાસત્તાક દિનની પૂર્વસંધ્યાએ રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીની જન્મભૂમિ ચોટીલા સ્થિત આર. ટી. શાહ સ્કૂલ ખાતે ‘સ્વરાંજલિ કાર્યક્ર્મનું આયોજન કરાયું હતું. નવી પેઢી આપણાં ગૌરવવંતા સાહિત્ય-સંગીત-સંસ્કૃતિથી પરિચિત-પ્રેરિત થાય તેમજ દેશપ્રેમની ભાવના જાગૃત થાય તે આશયથી ઝવેરચંદ મેઘાણીના પૌત્ર પિનાકી નાનકભાઈ મેઘાણી સ્થાપિત ઝવેરચંદ મેઘાણી સ્મૃતિ સંસ્થાન તથા ચોટીલા એજ્યુકેશન એન્ડ ચેરીટી ટ્રસ્ટ દ્વારા આ પ્રેરક કાર્યક્ર્મનું આયોજન થયું હતું. વર્લ્ડ રેકોર્ડ હોલ્ડર ખ્યાતનામ પાર્શ્વગાયક તુષાર ત્રિવેદી દેશભક્તિ તેમજ જૂનાં સદાબહાર ગીતોની ઝમકદાર રજૂઆત કરીને સહુને ડોલાવી દીધાં હતાં.
ઝવેરચંદ મેઘાણીના પૌત્ર અને ઝવેરચંદ મેઘાણી સ્મૃતિ સંસ્થાનના સ્થાપક પિનાકી નાનકભાઈ મેઘાણી, ચામુંડા ડુંગર મહંત પરિવારના જગદીશગીરી બાપુ, ચોટીલા એજ્યુકેશન એન્ડ ચેરિટી ટ્રસ્ટના કિરીટસિંહ રહેવર (મામા), મહીપતસિંહ વાઘેલા અને ધર્મેન્દ્રસિંહ વાઘેલા, ઈસરોના જલ્પેનભાઈ ભાવસાર, ધવલભાઈ પટેલ, જયસુખભાઈ વેગડા અને હિતેન્દ્રસિંહ ગોહિલ, શિક્ષણ સાહિત્ય જગતમાંથી જિલ્લા એ.ડી.આઈ. સામતભાઈ ચાવડા, ભરતસિંહ ડાભી અને ઉગ્રસેનસિંહ ગોહિલ, ચોટીલા ચેમ્બર ઓફ કોર્મર્સના પ્રમુખ રણજિતસિંહ ચૌહાણ, ડો. ગોધાણી, સુરેશભાઈ ધરજીયા, વિનુભાઈ સાકરીયા, તાલુકા સરકારી પુસ્તકાલયના અનિશભાઈ લાલાણી, ચિરાગભાઈ કોટક,ત વિપુલભાઈ કોટક, વાઘુભાઈ ખવડની વિશેષ ઉપસ્થિતિ રહી હતી.
ડે. કલેકટર આર. બી. અંગારી, પ્રો. ડે. કલેકટર ટી.ડી.ઓ. ઉમેશભાઈ શાહ અને મામલતદાર પ્રકાશભાઈ ગોઠીએ ઝવેરચંદ મેઘાણીના ઐતિહાસિક જન્મસ્થળની મુલાકાત લઈને પુષ્પાંજલિ અર્પણ કરી હતી. જન્મસ્થળની સામે આવેલ સરકારી તાલુકા પુસ્તકાલયમાં મહાત્મા ગાંધી અને રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીનાં સાહિત્યનું પુસ્તક પ્રદર્શનનું પણ આયોજન કરાયું હતું. મહાત્મા ગાંધીની ૧૫૦મી જન્મજયંતી વર્ષ તથા જૈનાચાર્ય પૂ. રાજયશસૂરીશ્વરજી મહારાજ સાહેબના ૭૫મા જન્મજયંતી વર્ષની ‘અહિંસા અમૃત વર્ષ’ની ઉજવણી અંતર્ગત ‘અહિંસા’ વિષય પર નિબંધ-લેખન કરનાર શાળાનાં ૧૬ તેજસ્વી વિદ્યાર્થીઓનું આભિવાદન કરાયું હતું. સાહિત્ય, સંગીત અને સાયન્સનો જાણે અનોખો સંયોગ થયો હોય એમ વિશ્વવિખ્યાત વૈજ્ઞાનિક ડો. વિક્ર્મ સારાભાઈની જન્મશતાબ્દી નિમિત્તે ઈસરો એક્ઝીબીશનની બસનું ભવ્ય સ્વાગત પણ આ અવસરે કરાયું હતું. સમગ્ર ચોટીલા તાલુકાની શાળાઓનાં વિદ્યાર્થીઓએ આની મુલાકાત લઈને અવકાશી વિજ્ઞાન વિશે જ્ઞાન મેળવ્યું હતું.