પાડાના વાંકે હવે પખાલીને ડામ નહીં મળે…

કન્ટેઇનમેન્ટ ઝોનને શક્ય તેટલા નાના બનાવીને બાકીના લોકોને છૂટછાટ આપવા તંત્રની કવાયત  માઈક્રો કન્ટેઇનમેન્ટ ઝોન માટે વિસ્તારની ગીચતા, લોકેશન વગેરે પાસાઓ ધ્યાને લેવાશે

ગ્રામ્ય વિસ્તારમાં પણ ૨૦ પૈકી ૧૭ કન્ટેઇનમેન્ટ ઝોનને માઈક્રો કન્ટેઇનમેન્ટ ઝોનમાં તબદીલ કરવાની તજવીજ

જંગલેશવરને નોન કન્ટેઇનમેન્ટ ઝોનમાં મૂકીને અંકુર સોસાયટીને જ માત્ર માઈક્રો કન્ટેઇનમેન્ટ ઝોન જાહેર કરવાનો ઘડાતો તખ્તો, કેવલમ રેસીડેન્સી અને રાજીવ આવાસ યોજનામાં માઈક્રો કન્ટેઇનમેન્ટ ઝોન નક્કી કરવા પડકાર રૂપ 

જે તે વિસ્તારમાં કોઈ એક કોરોના પોઝિટિવ દર્દીના કારણે સમગ્ર વિસ્તારના લોકોને કેદ થવાનો વારો આવતો હતો. આમ પાડાના વાંકે પખાલીને ડામ જેવી સ્થિતિ નિર્માણ પામતી હતી. પરંતુ હવે આ સમસ્યા નિવારવા માટે તંત્ર દ્વારા માઈક્રો કન્ટેઇનમેન્ટ ઝોનનું પ્લાનિંગ હાથ ધર્યું છે. જેમાં પોઝિટિવ કેસ આવ્યો હોય તેવા વિસ્તારનો શક્ય તેટલો નાનો ભાગ પસંદ કરીને તેને માઈક્રો કન્ટેઇનમેન્ટ ઝોન જાહેર કરવામાં આવશે.

જિલ્લા કલેકટર રેમ્યા મોહન, મ્યુ. કમિશનર ઉદિત અગ્રવાલ, પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ, જિલ્લા પોલીસ વડા બલરામ મિણા, ડીડીઓ અનિલ રાણાવસિયા અને એડિશનલ કલેકટર પરીમલ પંડ્યા સહિતના અધિકારીઓએ આજે અનલોક-૧ અંગે પત્રકાર પરિષદ બોલાવી હતી. જેમાં જિલ્લા કલેકટર રેમ્યા મોહને કહ્યું હતું કે જિલ્લામાં કન્ટેઇનમેન્ટ ઝોનને શક્ય તેટલા નાના કરીને માઈક્રો કન્ટેઇનમેન્ટ ઝોન જાહેર કરવામાં આવશે. આ માટે રાજ્ય સરકારને દરખાસ્ત પણ કરી દેવામાં આવી છે. જ્યાંથી મંજૂરી મળ્યા બાદ જે તે માઈક્રો કન્ટેઇનમેન્ટ ઝોન જાહેર કરવામાં આવશે.

આ અંગે વધુ વિગતો આપતા મ્યુ. કમિશનર ઉદિત અગ્રવાલે જણાવ્યું હતું કે હાલ શહેરમાં જંગલેશ્વર,  કેવલમ રેસીડેન્સી અને રાજીવ આવાસ યોજના કન્ટેઇનમેન્ટ ઝોન છે. જેમાંથી જંગલેશ્વરને નોન કન્ટેઇનમેન્ટ ઝોન બનાવીને તેમાં આવેલ અંકુર સોસાયટીને જ માત્ર માઈક્રો કન્ટેઇનમેન્ટ ઝોન જાહેર કરવા રાજ્ય સરકારને દરખાસ્ત કરવામાં આવી છે. આવી જ રીતે કેવલમ રેસીડેન્સીનો કન્ટેઇનમેન્ટ વિસ્તાર ઘટાડવા મહાપાલિકાએ પ્રયાસ કર્યો છે. પરંતુ આ વિસ્તારમાં એક જ એન્ટરન્સ હોય અને પોઝિટિવ દર્દીનું ઘર તેમાં બીજા નંબરે જ આવે છે.

માટે અન્ય ઘરોમાં રહેતા લોકોને પોઝિટિવ દર્દીના ઘરની પાસેથી જ નીકળવું પડતું હોય છે. જ્યારે રાજીવ આવાસ યોજના પણ ગીચ વિસ્તાર છે આમ આ બન્ને કન્ટેઇનમેન્ટ ઝોનનો વિસ્તાર ઘટી શકે તેમ નથી. માઈક્રો કન્ટેઇનમેન્ટ ઝોનમાં કોઈ એક ઘર પણ હોય શકે છે.

કોઈ એક શેરી કે સોસાયટી પણ હોય શકે છે. માઈક્રો કન્ટેઇનમેન્ટ ઝોન વિસ્તારના લોકેશન અને ગીચતા સહિતના પાસાઓને ધ્યાને રાખીને નક્કી કરવામાં આવશે.

કોરોના સામેની લડાઈ હજુ ચાલુ જ છે, લોકોએ વધુ સાવચેત રહેવું પડશે : કલેકટર

Untitled 1c

જિલ્લા કલેકટર રેમ્યા મોહને જણાવ્યું કે કોરોના સામેની લડાઈ હજુ ચાલુ જ છે. લોકોએ ભૂલથી પણ એવું ન સમજવું જોઈએ કે સરકારે ઘણી છૂટછાટ આપી દીધી છે એટલે બધું સરખું થઈ ગયું છે. ઉલટાનું છૂટછાટ મળી છે એટલે લોકોએ વધુ તકેદારી રાખવી પડશે.

ઉપરાંત તેઓએ જિલ્લાવાસીઓને સંદેશ આપ્યો કે કોઈ પણ વ્યક્તિએ એવો ભ્રમ ન રાખવો જોઈએ કે હું સંપૂર્ણ સ્વસ્થ છું. મને ક્યારેય કઇ ન થઈ શકે. તેવા લોકોએ એ ખાસ ધ્યાન રાખવું જોઈએ કે કદાચ તેને પોતાને કઈ ન થઈ શકે પણ તેના લીધે તેના પરિવારજનોનું આરોગ્ય જોખમાઇ શકે છે. માટે લોકોએ સાવચેત રહેવું અને કામ વગર બહાર નીકળવાનું ટાળવું જોઈએ.

દુકાનો, ઉદ્યોગો કે અન્ય કોઈ સ્થળે સોશિયલ ડિસ્ટન્સનું કડક પાલન કરવું. લોકોએ હેન્ડ સેનીટાઇઝર અને માસ્કનો હમેશા ઉપયોગ કરવો.

ફેરિયાઓને છૂટ આપવા અંગે ૮ જૂન પછી નિર્ણય લેવાશે : મ્યુ.કમિશનર

IMG 3672c

મ્યુ.કમિશનર ઉદિત અગ્રવાલે વધુમાં અનલોક-૧ની છૂટછાટ અંગે જણાવ્યું કે શહેરમાં દુકાનોને સવારે ૮થી સાંજે ૭ વાગ્યા સુધીની છૂટ આપવામાં આવી છે. કન્ટેઇનમેન્ટ ઝોનમાં હજુ આવશ્યક સેવાઓ સિવાયની પ્રવૃતિઓ પણ પ્રતિબંધ યથાવત છે. દુકાનોમાં ઓડ ઇવનની પદ્ધતિ હટાવી લેવામાં આવી છે.

હજુ એજ્યુકેશનને લગતી પ્રવૃતિઓ અને કોચિંગ કલાસ બંધ રહેશે. જિમ પણ બંધ રહેશે. હોટેલ, કલબ, મોલ અને રેસ્ટોરન્ટ તા.૮થી કેન્દ્રની ગાઈડલાઈન મુજબ ચાલુ થઈ શકશે.

સિનેમા ગૃહો હાલ ચાલુ થઈ શકશે નહીં. સ્ટ્રીટ વેન્ડરોને છૂટ આપવી કે નહીં તે મહાપાલિકા તા.૮ પછી નક્કી કરશે.

હાલ કન્ટેઇનમેન્ટ ઝોનમાં બેંક સંપૂર્ણ રીતે ચાલુ કરી દેવામાં આવી છે. સ્વિમિંગ પુલ, પ્રાણી સંગ્રહાલય, બગીચા બંધ રહેશે. ટુરિસ્ટ પેલેસ બંધ રહેશે.

લેન ડ્રાઇવિંગ પ્રક્રિયા અમલી બનાવાશે, ડિટેઇન થયેલા વાહનો પાસેથી જૂનો દંડ નહિ વસુલાય : પોલીસ કમિશનર

IMG 3666

શહેર પોલીસ કમિશનર મનોજ અગ્રવાલે જણાવ્યું કે આજથી ટ્રાફિક નિયમોની ચુસ્ત અમલવારી માટે દંડનીય કાર્યવાહી રાબેતા મુજબ ચાલુ કરવામાં આવશે. હાલ જે લોકો કરફ્યુ સમયે કામ વગર બહાર નીકળશે તેઓના તેમજ જાહેરનામામાં દર્શાવેલી કેપેસિટીથી વધુ લોકો વાહનમાં સવાર થઈને નીકળશે તેઓના વાહન ડિટેઇન કરવામાં આવશે. હાલ લોકોની આર્થીક સ્થિતિને ધ્યાને રાખીને વાહન ડિટેઇન થયા બાદ તેઓ પાસેથી જૂનો દંડ વસુલવામાં આવશે નહિ. તેઓ પાસે માત્ર એવું બાહેંધરી ફોર્મ ભરાવવામાં આવશે કે તેઓ આગામી ૩ કે ૬ મહિનામાં જુના દંડની રકમ ભરપાઈ કરી દેશે. વધુમાં ટ્રાફિક સિગ્નલો ઉપર સોશિયલ ડિસ્ટન્સ જળવાઈ તે માટે લેન ડ્રાઇવિંગ પ્રક્રિયા અમલી બનાવવામાં આવશે. જેમાં વાહનચાલકોએ વાહનો વચ્ચે પણ અંતર જાળવવાનું રહેશે. આ માટે વધારાનો મેન પાવર ઉપયોગમાં લેવામાં આવશે. હાલ લેન ડ્રાઇવિંગ કાલાવડ રોડ, ૧૫૦ ફૂટ રિંગ રોડ, હોસ્પિટલ ચોકથી ગ્રીનલેન્ડ ચોકડી સુધીનો રોડ અને જામનગર રોડ ઉપર અમલમાં મુકાશે.

ગ્રામ્ય વિસ્તારમાં કરાયેલા સર્વે મુજબ કોરોનાના ૬૨.૬ ટકા કેસો પુરૂષના : ડીડીઓ

IMG 3669c

જિલ્લા વિકાસ અધિકારી અનિલ રાણાવસિયાએ જણાવ્યું કે રાજકોટ ગ્રામ્ય વિસ્તારમાં કુલ ૩૨ કેસો નોંધાયા છે. હાલ જસદણ અને ધોરાજી બન્નેમાં છ-છ મળીને કુલ ૧૨ કેસ છે. વીંછીયા, લોધિકા અને પડધરી આ ત્રણ તાલુકા એવા છે કે જયાં હજુ સુધી કોરોનાનો એક પણ પોઝિટિવ કેસ નોંધાયો નથી. વધુમાં તેઓએ કહ્યું કે એક સર્વે મુજબ ગ્રામ્યમાં કોરોનાના કેસો ૬૨.૬ ટકા પુરુષના છે. અંતમાં તેઓએ કહ્યું કે જિલ્લામાં અત્યાર સુધીમાં ૨૬ કન્ટેઇનમેન્ટ ઝોન નક્કી થયા હતા. જેમાં ૬ને હટાવી દેવામાં આવ્યા છે. જ્યારે ૨૦ ઝોન હજુ એક્ટિવ છે. જેમાં ૭૦૦ લોકોનો સમાવેશ થાય છે. ૧૭ કન્ટેઇનમેન્ટ ઝોન એવા છે જેના માઈક્રો કન્ટેઇનમેન્ટ ઝોન થઈ શકે તેમ છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.