રેસકોર્સ મેદાનમાં ૨૨ થી ૨૬ ઓગષ્ટ સુધી યોજાનાર પાંચ દિવસીય મેળામાં સૌરાષ્ટ્રભરના લાખો લોકો ઉમટી પડશે: ઉદ્ઘાટન સમારોહમાં સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાશે, જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તૈયારીઓનો ધમધમાટ
રેસકોર્સ મેદાનમાં આગામી તા.૨૨ થી ૨૬મી સુધી જન્માષ્ટમી નિમિત્તે પાંચ દિવસીય લોકમેળો મલ્હાર યોજાનાર છે. જેને લઈને હાલ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તૈયારીઓનો ધમધમાટ ચલાવવામાં આવી રહ્યો છે. મેળાના પ્રારંભે ભવ્ય ઉદ્ઘાટન સમારોહ પણ યોજાનાર છે. જેમાં સાંસ્કૃતિક કાર્યક્રમો પણ યોજવાનું આયોજન કરવામાં આવ્યું છે. લોકમેળા મલ્હારનું ઉદ્ઘાટન મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના હસ્તે થાય તેવું આયોજન હાલ ઘડાઈ રહ્યું હોવાનું જાણવા મળ્યું છે.
રાજકોટના રેસકોર્સ મેદાનમાં છેલ્લા ઘણા વર્ષોથી લોકમેળાનું જાજરમાન આયોજન થાય છે જે અંતર્ગત આ વર્ષે પણ તારીખ ૨૨ થી ૨૬ દરમિયાન પાંચ દિવસ સુધી મેળાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યુંછે. આ મેળાને મલ્હાર નામ આપવામાં આવ્યું છે. આ લોકમેળાનું સંચાલન જિલ્લા વહીવટી તંત્રની લોકમેળા અમલીકરણ સમીતી દ્વારા કરવામાં આવી રહ્યું છે. મેળામાં કુલ ૩૩૮ જેટલા સ્ટોલ અને પ્લોટ રાખવામાં આવ્યા છે. જેમાં યાંત્રીક રાઈડ્સના પ્લોટને બાદ કરતા તમામ સ્ટોલ અને પ્લોટની હરરાજી અને ડ્રોની પ્રક્રિયા પૂર્ણ ઈ ગઈ છે. હાલ રિફંડ અને એલોટમેન્ટ લેટર આપવાની કામગીરી પણ ચાલુ ઈ ગઈ છે. આમ જિલ્લા વહીવટી તંત્રની દેખરેખ હેઠળ લોકમેળા મલ્હારની તૈયારી પુરજોશમાં ચાલી રહી છે. આ લોકમેળો સૌરાષ્ટ્રનો સૌથી મોટો લોકમેળો હોય સૌરાષ્ટ્રભરના લાખો લોકો આ મેળામાં ઉમટી પડીને મજા માણતા હોય છે ત્યારે લોકોની સુરક્ષા માટે પણ વહીવટીતંત્ર પોલીસ તંત્ર સાથે મળીને સુચારૂ આયોજન ગોઠવવાનું છે. વધુમાં આ લોકમેળાના પ્રારંભે તા.૨૨ના રોજ ભવ્ય ઉદ્ઘાટન સમારોહ પણ યોજાવાનો છે. મેળાનું ઉદ્ઘાટન લોકલાડીલા મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના હસ્તે થાય તેવા પ્રયાસો પણ કરવામાં આવી રહ્યાં છે. આગામી બે થી ત્રણ દિવસમાં સીએમઓ કાર્યાલય તરફી જવાબ પણ મળવાનો હોવાનું વહીવટી તંત્રના સુત્રોમાંથી જાણવા મળ્યું છે.