- ગાંધીનગર ખાતે આંતરરાષ્ટ્રીય વન દિવસ સંદર્ભે બેઠક યોજાઈ
વિશ્વમાં વનનું મહત્વ સમજી તેના સંરક્ષણ અને સંવર્ઘન માટે જાગૃતી કેળવાય તેવા હેતુથી દર વર્ષે ૨૧ માર્ચે “આંતરરાષ્ટ્રીય વન દિવસ” તરીકે ઉજવવામાં આવે છે. જેના ભાગરૂપે આંતરરાષ્ટ્રીય વન દિવસ નિમિત્તે અગ્ર મુખ્ય વન સંરક્ષક એ. પી. સિંહની અધ્યક્ષતામાં ગાંધીનગરના અરણ્ય ભવન ખાતે બેઠક યોજાઈ હતી. આ બેઠક વર્ષ ૨૦૨૫ની થીમ “વનો અને ખોરાક” વિષય ઉપર વન વિભાગના કર્મચારીઓ તથા અધિકારીઓ ઊંડાણપૂર્વક ચર્ચા કરીને યોગ્ય આયોજન કરાયું હતું.
ગાંધીનગર ખાતે યોજાયેલ બેઠકમાં ચર્ચા દરમિયાન આગામી વર્ષમાં ગુજરાતના વનોના વિકાસ અંગે કરવાની થતી કામગીરીઓનું વર્ક પ્લાન તૈયાર કરાયો હતો જેના ઉપર આગામી વર્ષમાં કામગીરી કરવામાં આવશે. આ ઉપરાંત વનોના સંરક્ષણ અને સંવર્ધનને સહીયારી જવાબદારી સમજી આગામી સમયમાં તે દિશામાં કામગીરી કરવા જણાવાયું હતું.
અત્રે ઉલ્લેખનીય છે કે, આ વર્ષે વિશ્વ વન દિવસની થીમ “વનો અને ખોરાક” એવિનોની ખોરાક સુરક્ષા, પોષણ અને આજીવિકાની પુરવણી માટેની મહત્વપૂર્ણ ભૂમિકા પર ભાર મૂકે છે. ગુજરાતમાં, કે જ્યાં વૈવિધ્યપૂર્ણ અને સમૃદ્ધ વન પરિપ્રેક્ષ્ય છે, આ વિષય ખાસ મહત્ત્વ ધરાવે છે. કારણ કે, રાજ્યના વનો ગામનાં તથા શહેરનાં લોકો માટે આવશ્યક સાધનો પૂરા પાડે છે. જે ત્યાંની ખોરાક પ્રણાલીઓ, સ્થાનિક અર્થવ્યવસ્થાઓ અને પર્યાવરણીય સ્થિરતામાં મહત્વપૂર્ણ યોગદાન આપે છે.
આ બેઠકમાં અધિક અગ્ર મુખ્ય વન સંરક્ષક, વન વિભાગના ઉચ્ચ અધિકારીઓ તેમજ ગાંધીનગર-અમદાવાદ ખાતે ફરજ બજાવતાં મુખ્ય વન સંરક્ષકઓ, નાયબ વન સંરક્ષકઓ ઉપસ્થિત રહ્યા હતા.