રેસકોર્સમાં જગ્યા ટૂંકી પડતી હોવાથી ગીચતા વધી જાય છે, સલામતીના ભાગરૂપે વિશાળ જગ્યા શોધવા દક્ષિણ, પશ્ચિમ અને પૂર્વ મામલતદારની ટીમો કસરત શરૂ
રાજકોટમાં સાતમ આઠમે યોજાતો લોકમેળો આ વખતે નવા સ્થળે યોજાઈ તેવી પ્રબળ શક્યતાઓ સેવાઈ રહી છે. કારણકે તંત્ર દ્વારા નવી જગ્યા શોધવા કવાયત હાથ ધરવામાં આવી છે. જૂની જગ્યા ટૂંકી પડી રહી હોય, ગીચતા વધી જાય છે, સલામતીના ભાગરૂપે વિશાળ જગ્યા શોધવામાં આવનાર છે.
રાજકોટની આગવી ઓળખ એટલે પ્રતિવર્ષ રેસકોર્ષ મેદાનમાં યોજાતો લોકમેળો. હૈયુ દળાય તેટલો માનવ મહેરામણ આ મેળામાં ઉમટી પડે છે. આખુ વર્ષ જન્માષ્ટમીએ સૌરાષ્ટ્રભરના લાખો લોકો લોકમેળાની રાહ જોતા હોય છે. ઉંચા ઉંચા ફજર, ફાળકા સહિતની રંગબેરંગી રાઇડસમાં બેસવાની મોજ. એક અંદાજ મુજબ દર વર્ષે દસેક લાખ લોકો આ મેળામાં મહાલે છે. નાના બાળકોથી માંડીને શતાયુ નાગરિકો સુધીના દરેક રાજકોટવાસીઓ માટે મેળો એ આખું વર્ષ રાહ જોવાનો પ્રસંગ છે. જેમ શિયાળોએ આખા વર્ષની તાજગી ભરી લેવાની મોસમ છે. એમ પ્રત્યેક રાજકોટવાસીઓ માટે મેળો એ આખા વર્ષની મસ્તી માણી લેવાનો અવસર છે.
જિલ્લા વહીવટી તંત્ર સંચાલિત લોકમેળા અમલીકરણ સમિતિ દ્વારા આ લોકમેળાનું આયોજન કરવામાં આવે છે. આ મેળો વર્ષોથી રેસકોર્સમાં યોજવામાં આવે છે. પણ રેસકોર્સમાં ખૂબ ટ્રાફિકના કારણે ગીચતા વધી રહી છે. તેવામાં કોઈ નાની દુર્ઘટનાના કારણે અફરાતફરી મચવાની સંભાવના વધી જતી હોય, જેને પગલે નવુ સ્થળ શોધવામાં આવી રહ્યું છે. સિટી-1 પ્રાંત ડો.ચાંદની પરમાર દ્વારા દક્ષિણ, પશ્ચિમ અને પૂર્વ મામલતદારને નવું સ્થળ શોધવા માટે કહેવામાં આવ્યું છે. એટલે હવે જ્યાં વિશાળ જગ્યા હશે ત્યાં મેળો યોજવામાં આવશે. સૂત્રોના જણાવ્યા અનુસાર નવા રેસકોર્સ ખાતે મેળો યોજાઈ તેવી પણ પ્રબળ સંભાવના છે.
આ વર્ષે તા.24થી 28 ઓગસ્ટ દરમિયાન યોજાશે મેળો
રાજકોટના રેસકોર્ષ ગ્રાઉન્ડમાં દર વર્ષે જન્માષ્ટમીએ લોકમેળો યોજાય છે. જે દર વર્ષે શ્રાવણ માસની છઠથી શરૂ થાય છે. તે દિવસે સાંજના સમયે મેળાનું ઉદઘાટન થાય છે. વધુમાં આ મેળો પાંચ દિવસ ચાલે છે. જો જરૂર પડે તો મેળાને એક કે બે દિવસ લંબાવવામાં આવે છે. આ વર્ષે લોકમેળો તા.24, 25, 26, 27 અને 28 ઓગસ્ટના રોજ લોકમેળો યોજાનાર છે.
એકાદ પખવાડિયામાં લોકમેળા સમિતિની બેઠક મળશે
સૂત્રોના જણાવ્યા અનુસાર એકાદ પખવાડિયામાં લોકમેળા અમલીકરણ સમિતિની બેઠક યોજવામાં આવનાર છે. આ બેઠકમાં મેળાના પ્રાથમિક નિયમો ઉપરાંત તારીખથી લઈ અન્ય આયોજનો સહિતની ચર્ચાઓ થશે. આ મેળાના આયોજન માટેની પ્રથમ બેઠક હશે. ઉલ્લેખનીય છે કે મેળાના આયોજનની કામગીરી જટિલ હોય ત્રણેક મહિના પૂર્વે જ તેની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવતી હોય છે.
રાઈડ્સને લઈને કડક નિયમો આવવાના એંધાણ: સરકારની એસઓપી મુજબ અપાશે મંજૂરી
રાજકોટના ગેમઝોનમાં લાગેલી આગની દુર્ઘટનાને પગલે રાજ્ય સરકારે તમામ મેળાઓ બેમૂદતી બંધ કરવાનો આદેશ આપ્યો છે. વધુમાં સૂત્રોના જણાવ્યા અનુસાર રાઈડ્સને લઈને સરકાર કડક એસઓપી લાવે તેવી શકયતા છે. તે એસઓપી મુજબ લોકમેળામાં પણ કડક નિયમો લાગુ પડવાના છે. પ્રાઇવેટ મેળામાં પણ અનેક નિયંત્રણો મુકવામાં આવશે. વધુમાં લોકમેળામાં ખાસ બેરીકેડ બનાવે છે, તે હટાવવામાં, રાઈડ્સની સલામતી, એન્ટ્રી ગેઇટ વધારવા, યાંત્રિકની જ નહિ ઇલેક્ટ્રિક વિભાગની પણ ખાસ મંજૂરી લેવા સહિતના સુધારાઓ આવે તેવી શક્યતાઓ સેવાઈ રહી છે.
1983થી મેળો શાસ્ત્રી મેદાનમાં યોજાતો, ત્યારબાદ 2003થી રેસકોર્સમાં શરૂ થયો
રાજકોટમાં જન્માષ્ટમીના પાવન પર્વે નિમિત્તે વર્ષ 1983થી લોકમેળો યોજવામાં આવે છે. શરૂઆતમાં શાસ્ત્રીમેદાન ખાતે યોજાતા મેળામાં વધતા જતાં માનવ મહેરામણના લીધે વર્ષ 2003થી રેસકોર્સ ગ્રાઉન્ડમાં મેળાનું આયોજન થવા લાગ્યું. આ લોકમેળામાં લાખોની સંખ્યામાં 10 લાખ જેટલા લોકો મેળાની રંગબેરંગી ફઝર ફાળકા(રાઇડસ)નો આનંદ લેતા હોય છે. અગાઉ શાસ્ત્રી મેદાનમાં યોજાતા મેળામાં ટ્રાફિક વધી જતું હોય આ મેળાને રેસકોર્સમાં શિફ્ટ કરવામાં આવ્યો હતો. જો કે ત્યારબાદ રેસકોર્સમાં પણ ટ્રાફિક વધી જતું હોય હવે મેળો નવી જગ્યાએ યોજવા કવાયત ચાલી રહી છે.
મેળાની આવકમાંથી સેવાકાર્યો હાથ ધરાઈ છે
રાજકોટમાં દર વર્ષે યોજવામાં આવતા સાંસ્કૃતિક લોકમેળામાં પ્લોટ તથા સ્ટોલની ફાળવણી ડ્રો અને હરરાજી જેવી સિસ્ટમથી પારદર્શક રીતે થાય છે. આ લોકમેળામાંથી લોકમેળા અમલીકરણ સમિતિને આવક પણ થાય છે. સમિતિ દ્વારા આ આવકમાંથી સેવાકાર્યો હાથ ધરવામાં આવે છે. તાજેતરમાં જ જિલ્લા કલેકટર દ્વારા મેળાની આવકના ફંડમાંથી ગ્રામ્ય વિસ્તારોમાં આરોગ્ય સેવાના કામો હાથ ધરવામાં આવ્યા હતા.