ટેકનોલોજીનો ઉપયોગ વધારવા તેમજ સ્ટોરેજ ક્ષમતા અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર સુધારવા સૂચના
એફસીઆઈ દ્વારા 1965માં 13 લાખ મેટ્રિક ટન ઘઉં અને ડાંગરની ખરીદી આજના સમયે 1300 લાખ મેટ્રિક ટને પહોંચી
અબતક, નવી દિલ્હી : ખાદ્ય મંત્રી પિયુષ ગોયલે શુક્રવારે ફૂડ કોર્પોરેશન ઓફ ઈન્ડિયાને ટેક્નોલોજીના ઉપયોગ દ્વારા તેની કામગીરીમાં સુધારો કરવા અને લોકોમાં અસમર્થ અને ભ્રષ્ટ હોવાની ધારણાને બદલવા જણાવ્યું હતું. તેમણે લોકોના આહારમાં પોષક મૂલ્ય ઉમેરીને ગ્લોબલ હંગર ઈન્ડેક્સમાં ભારતનું રેન્કિંગ સુધારવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો.
ગોયલ એફસીઆઈના 58માં સ્થાપના દિવસ પર વીડિયો કોન્ફરન્સ દ્વારા આયોજિત એક કાર્યક્રમને સંબોધિત કરી રહ્યા હતા. એક સત્તાવાર નિવેદન અનુસાર, ગ્રાહક બાબતો, ખાદ્ય અને જાહેર વિતરણ મંત્રી ગોયલે કહ્યું કે એફસીઆઈની સ્થાપના 1965 માં તમિલનાડુના તંજાવુર શહેરમાં કરવામાં આવી હતી અને આત્મનિર્ભર ભારતના સ્વપ્નને સાકાર કરવા માટે તેણે લાંબી મજલ કાપી છે.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે તેની પારદર્શિતામાં સુધારો કરવાનો અવકાશ છે અને એફસીઆઈ લોકોને વધુ સારી સપ્લાય માટે એક્શન પ્લાન તૈયાર કરવાનો નિર્દેશ આપ્યો છે. તેમણે કહ્યું કે લોકોમાં એફસીઆઈની ધારણા અસમર્થ અને ભ્રષ્ટાચારી છે, જેને ગતિશીલ, સર્વસમાવેશક અને પ્રમાણિકમાં બદલવી પડશે.
તેમણે એફસીઆઈને વધતી જતી જરૂરિયાતો માટે સ્ટોરેજ ક્ષમતા અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર સુધારવા અને પાવર બેકઅપ, સીસીટીવી, મજબૂત નેટવર્ક સુવિધાઓ અને ઓપરેશનલ કાર્યક્ષમતા અને લીકેજ મુક્ત વિતરણ પ્રાપ્ત કરવા માટે પ્રાપ્તિથી લઈને ડિલિવરી સુધીના એન્ડ-ટુ-એન્ડ ટેક સોલ્યુશન્સને એકીકૃત કરવા પર ધ્યાન કેન્દ્રિત કરવા પણ કહ્યું હતું.
તેમણે કહ્યું હતું કે એફસીઆઈએ પીડિત ખેડૂતો/ખેડૂત ઉત્પાદક સંગઠનોને ઝડપથી જવાબ આપવા માટે ફરિયાદ નિવારણ પદ્ધતિ સ્થાપિત કરવી જોઈએ અને હાલના ગોડાઉનોને આંતરરાષ્ટ્રીય ધોરણોમાં અપગ્રેડ કરવા ઉપરાંત આધુનિક ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને લોજિસ્ટિક્સની યોજના બનાવવી જોઈએ. એફસીઆઈએ ભારતને ‘ફૂડ હબ’ બનાવવા માટે વૈશ્વિક શ્રેષ્ઠ પ્રથાઓ અપનાવવી જોઈએ તેવું અવલોકન કરતાં મંત્રીએ કહ્યું કે વૈશ્વિક ભૂખ સૂચકાંકમાં દેશનું રેટિંગ સુધારવા પર ભાર મૂકવામાં આવે તે મહત્વનું છે. તેમણે કહ્યું કે લોકોના આહારમાં વધુ પોષક મૂલ્ય ઉમેરીને આ પ્રાપ્ત કરી શકાય છે.
ગોયલે એફસીઆઈને પ્રક્રિયાઓને સરળ બનાવવા, સંસ્થાને વિવેકાધીન સત્તાથી મુક્ત કરવા, ખાદ્ય અનાજ માટે એક મજબૂત પરીક્ષણ પદ્ધતિ સ્થાપિત કરવા અને નમૂના લેવાની તકનીકોની સમીક્ષા કરવા વિનંતી કરી. તેમણે કહ્યું કે આપણે હરિત ક્રાંતિ – 1 અને 2 વિશે વાત કરીએ છીએ. પરંતુ વડા પ્રધાને કહ્યું તેમ ધ્યેય ‘સદાબહાર ક્રાંતિ’ હોવું જોઈએ. ખાદ્ય સુરક્ષા પૂરતી નથી, ‘પોષણ સુરક્ષા’ પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ.
મંત્રીએ ખાસ કરીને કોરોના વાઈરસ રોગચાળા દરમિયાન પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ય યોજના હેઠળ અનાજનો અવિરત પુરવઠો સુનિશ્ચિત કરવા માટે વિશ્વની સૌથી મોટી ખાદ્ય પુરવઠા શૃંખલા પ્રણાલી ચલાવવા માટે એફસીઆઈની પ્રશંસા કરી. તેમણે કહ્યું કે આજે એફસીઆઈ વાર્ષિક આશરે 1,300 લાખ મેટ્રિક ટન ઘઉં અને ડાંગરની ખરીદી કરે છે જ્યારે 1965 દરમિયાન લગભગ 13 લાખ મેટ્રિક ટનની ખરીદી કરવામાં આવી હતી. એ જ રીતે, સમગ્ર દેશમાં વિતરણ 1965માં આશરે 18 લાખ મેટ્રિક ટનથી વધીને 600 લાખ મેટ્રિક ટન જેટલું થયું છે.