કોરોનાની બીજી લહેરએ પહેલી લહેર કરતા વધુ નુકશાન કર્યું છે. આર્થિક નુકશાની તો ભરપાઈ થઈ શકે પણ જે સબંધો આપણે ખોઈ બેઠા છીએ તેની ભરપાઈ કરવી મુશ્કેલ છે. કોરોનાના કારણે ઘણા લોકોએ પોતાના સગા-વ્હાલા, સબંધી, અંગત મિત્રોને ખોયા છે. હાલમાં આવેલા સમાચાર મુજબ ભારતીય ક્રિકેટ ટીમના બોલરે તેમના પિતાને ગુમાવ્યા છે.
ભારતીય ક્રિકેટ ટીમના બોલર પિયુષ ચાવલાના પિતા પ્રમોદકુમાર ચાવલાનું કોરોનાથી અવસાન થયું. સોમવારે પિયુષ ચાવલાએ તેના ઓફિશિયલ ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર તેની માહિતી આપી. તેણે ઈંસ્ટાગ્રામ પર તેની એક તસવીર પોસ્ટ કરી લખ્યું કે, ‘આજે તમારા જવાથી જીવન હવે પહેલા જેવું નથી રહ્યું. આજે મારો શક્તિનો આધારસ્તંભ ખોવાઈ ગયો છે.’
પ્રમોદકુમાર ચાવલાએ નોઈડાની એક ખાનગી હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા હતા. તે 12 દિવસથી કોરોના સામે લડતા હતા. રવિવારે તબિયત લથડતાં તેને મુરાદાબાદની ખાનગી કોવિડ હોસ્પિટલમાંથી નોઈડા શિફ્ટ કરાયા હતા. જ્યાં સોમવારે સવારે તેમનું મોત થયું હતું. પ્રમોદકુમાર ચાવલા મુરાદાબાદમાં વીજ વિભાગમાંથી નિવૃત્ત થયા હતા.