પ્રજાના લગતા પ્રશ્ન અંગે ચર્ચા કરવા માટે મેયરે સમય ન આપતા શાસક પક્ષના દંડક સુરેન્દ્રસિંહ વાળામાં પણ નારાજગી
ભારે વરસાદના કારણે સ્માર્ટ રાજકોટના રાજમાર્ગો પર મહાકાય ખાડાનું સામ્રાજ્ય છવાઇ ગયું છે. ચોમાસાની સિઝનમાં રોગચાળાએ પણ માથું ઉચક્યું છે. પ્રજાના પ્રશ્ર્નોની ચર્ચા કરવા માટે રાજકોટ મહાનગરપાલિકામાં દર બે મહિને મળતી જનરલ બોર્ડની બેઠક શાસક અને વિપક્ષના ખોટા દેકારા વચ્ચે નીકળી જાય છે. ફરી એક વખત આજે જનરલ બોર્ડમાં શાસકો ખાડાઓ અને રોગચાળાની ચર્ચાથી ફફડ્યા હતા. વણલખી પરંપરા મુજબ બોર્ડનો એક કલાકનો પ્રશ્ર્નોત્તરી કાળ એક જ પ્રશ્ર્નની ચર્ચા કરવામાં પસાર થઇ ગયો હતો. જેના કારણે ખૂદ શાસક પક્ષના દંડક એવા સુરેન્દ્રસિંહ વાળામાં પણ નારાજગી વ્યાપી જવા પામી હતી. એક કલાક અને 10 મિનિટ સુધી ચાલેલા પ્રશ્ર્નોત્તરી કાળ શાસક અને વિપક્ષના નગરસેવકો વચ્ચે અનેકવાર શાબ્દિક ટપાટપી થઇ હતી.
આજે સવારે મહાપાલિકામાં મેયર ડો.પ્રદિપ ડવના અધ્યક્ષસ્થાને જનરલ બોર્ડની બેઠક મળી હતી. બોર્ડમાં 13 કોર્પોરેટરોએ 28 પ્રશ્ર્નો રજૂ કર્યા હતા. વર્ષોથી ચાલતી વણલખી પરંપરા મુજબ બોર્ડનો પ્રશ્ર્નોત્તરી કાળ એક જ નગરસેવકના પ્રશ્ર્નની ચર્ચામાં પસાર થઇ ગયો હતો. વોર્ડ નં.15ના વશરામભાઇ સાગઠીયાએ બોર્ડ સમક્ષ શાળા-કોલેજોની લગતી માહિતી માંગી હતી. જેનો જવાબ આપતા મ્યુનિ.કમિશનર અમિત અરોરાએ જણાવ્યું હતું કે શહેરમાં સુચિત સોસાયટી અને સરકારી ખરાબામાં 77 ખાનગી શાળા અને એક કોલેજ આવેલી છે. જે પૈકી માત્ર 10 શાળા પાસે જ પાર્કિંગની વ્યવસ્થા છે. કોર્પોરેશનની નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની 84 પૈકી 82 શાળાઓ માલિકીના મકાનમાં અને બે શાળાઓ ભાડુતની જગ્યામાં આવેલી હોવાનું એકરાર કરવામાં આવ્યો હતો. આ આંકડા ખોટા હોવાનું કહી વશરામ સાગઠીયાએ બોર્ડમાં હંગામો મચાવ્યો હતો.
આપના વશરામ સાગઠીયા એક કલાકનો પ્રશ્ર્નોત્તરી કાળ ખાય ગયા: અન્ય સભ્યોના પ્રશ્નોની બોર્ડમાં ચર્ચા જ નહિં
સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પુષ્કરભાઇ પટેલે પણ એવી ટકોર કરી હતી કે ગત જનરલ બોર્ડમાં આજ પ્રશ્ર્નની ચર્ચા થઇ હોય તો આ વખતે બીજા પ્રશ્ર્નની ચર્ચા કરવી જોઇએ. વિપક્ષી નેતા ભાનુબેન સોરાણીએ એવી માંગણી કરી હતી કે ભારે વરસાદના કારણે શહેરના તમામ 18 વોર્ડમાં રસ્તાની હાલત ખૂબ જ ખરાબ થઇ ગઇ છે. આટલું જ નહિં ચોમાસાની સિઝનમાં રોગચાળાએ પણ માથુ ઉચક્યું છે ત્યારે પ્રશ્ર્નોત્તરી કાળનો એક કલાકનો સમય પૂરો થયા બાદ 30 મિનિટ રોગચાળા અને ખાડા અંગે ચર્ચા કરવી જોઇએ. જો કે તેઓની આ માંગણીનો સ્વિકાર કરવામાં આવ્યો ન હતો. પોતે પૂછેલા પ્રશ્ર્નના જવાબ દરમિયાન સંતોષકારક માહિતી ન મળતા વશરામ સાગઠીયાએ સૂચિત કે સરકારી ખરાબામાં ધમધમતી કોર્પોરેશનની શાળાઓના પૂરાવા આપવાનો પડકાર આપ્યો હતો. જો પોતે ખોટા સાબિત થશે તો રાજીનામું આપી દેવાની પણ તૈયારી દર્શાવી હતી.
સૂચિત સોસાયટીઓમાં આવેલી 77 શાળા સામે કાયદાકીય કાર્યવાહી ન કરવા પાછળનું કારણ સમજાવતા મેયર ડો.પ્રદિપ ડવ અને મ્યુનિ.કમિશનર અમિત અરોરાએ જણાવ્યું હતું કે જો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તો શાળામાં અભ્યાસ કરતા બાળકોનું ભવિષ્ય બગડે અને અન્ય શાળામાં પ્રવેશ ન મળે તો તેનો અભ્યાસ પણ બગડે જેના કારણે કોઇ આકરી કાર્યવાહી કરવામાં આવતી નથી. સૂચિતમાં ખડકાયેલી શાળાઓ પાસે વેરા પેટે 42.93 લાખ જેવી રકમ બાકી નીકળતી હોવાનું પણ બોર્ડમાં એકરાર કરવામાં આવ્યો હતો. જ્યારે કોર્પોરેશન સંચાલિત નગરપ્રાથમિક શિક્ષણ સમિતિની 84 શાળાઓ માટે 1006નું મહેકમ મંજૂર કરવામાં આવ્યું છે. જે પૈકી 843 જગ્યા ભરેલી છે અને 163 જગ્યાઓ ખાલી છે. શાળા-કોલેજને લગતા સવાલના જવાબ આપવામાં જ પ્રશ્ર્નોત્તરી કાળ ઉપરાંત 10 મિનિટનો વધારાનો સમય નીકળી ગયો હતો.
શહેરમાં 77 શાળા અને એક કોલેજ સૂચિત સોસાયટીમાં ધમધમતી હોવાનો જનરલ બોર્ડમાં મ્યુનિ.કમિશનરનો એકરાર
દરમિયાન શાસક પક્ષના દંડક સુરેન્દ્રસિંહ વાળાએ એવી માંગણી કરી હતી કે જો વશરામ સાગઠીયાના એક પ્રશ્ર્નની ચર્ચા કરવા માટે એક કલાક અને 10 મિનિટનો સમય આપી શકાતો હોય તો પ્રજાને સિધી અસર કરતા મારા પ્રશ્ર્નને સાંભળવા અને તેની ચર્ચા કરવા માટે 15 મિનિટનો સમય ફાળવવામાં આવે, આ માંગણીનો સભા અધ્યક્ષ ડો.પ્રદિપ ડવે ઇન્કાર કર્યો હતો અને એવું કારણ આપ્યું હતું કે હવે એજન્ડાની આઇટમ હાથ લઇ લીધી હોય પ્રશ્ર્નની ચર્ચા કરી શકાય તેમ નથી. જ્યારે સ્ટે.ચેરમેન પુષ્કરભાઇ પટેલે પણ સુરેન્દ્રસિંહને બેસી જવાની ટકોર કરી હતી. જેના કારણે દંડકમાં ભારે નારાજગી વ્યાપી જવા પામી હતી. સવા કલાક સુધી ચાલેલા પ્રશ્ર્નોત્તરી કાળમાં શાસકો અને વિપક્ષો અનેકવાર એકબીજાની સામસામે આવી ગયા હતા.
તમારા પાપે પ્રજા પર પેટાચૂંટણી આવશે જયમીન ઠાકરનો વશરામને તમાચો
જનરલ બોર્ડમાં પ્રશ્ર્નોત્તરી કાળ દરમિયાન શાસક અને વિપક્ષના નગરસેવકો અનેકવાર સામસામે આવી ગયા હતા અને એકાબીજા પર શાબ્દિક ટપાટપી કરી હતી. વશરામ સાગઠીયાએ પોતાના પ્રશ્ર્નની ઊંડાણપૂર્વક ચર્ચા કરતા વોર્ડ નં.2ના કોર્પોરેટર જયમીન ઠાકરે એવું ટોણો માર્યો હતો કે આ તેમનું છેલ્લુ બોર્ડ છે, 5 ઓગસ્ટ પછી તમારે ઘરે જ જવું પડશે. તમારા પાપે પ્રજા પર પેટાચૂંટણીનો બોજ આવશે. તમે રસ્તા બદલી નાખ્યા છે.
પક્ષ અને પ્રજાના રહ્યા નથી. હવે તમને જનતા સારી રીતે ઓળખી ગઇ છે. અંગત સ્વાર્થ માટે તમે પ્રજા સાથે દ્રોહ કર્યો છે. શિક્ષણ સમિતિની શાળામાં 32 હજારથી પણ વધુ બાળકો અભ્યાસ કરી રહ્યા છે. પ્રજાલક્ષી પ્રશ્ર્નો ઉઠાવાને બદલે તમે તમારા સ્વાર્થ માટે પ્રશ્ર્નો ઉભા કરો છો.
જનરલ બોર્ડમાં 8 દરખાસ્તો મંજૂર: એક પેન્ડિંગ
વાવડીમાં કબ્રસ્તાન માટે સરકારી ખરાબાની જમીન આપવાની દરખાસ્ત કોર્ટ કેસના કારણે અનામત રખાઇ
રાજકોટ મહાનગરપાલિકામાં આજે મળેલી જનરલ બોર્ડની બેઠકમાં 9 પૈકી 8 દરખાસ્તોને બહાલી આપવામાં આવી હતી. જ્યારે એક દરખાસ્ત પેન્ડિંગ રાખવામાં આવી છે. વાવડી સિપાહી જમાત વકફ ટ્રસ્ટ વાવડીને કબ્રસ્તાન માટે સરકારી ખરાબા વાવડી રેવન્યૂ સર્વે નં.149 પૈકીની જમીનમાં નીમ કરવા અંગેની દરખાસ્ત પેન્ડિંગ રાખવામાં આવી હતી.
આ ઉપરાંત તમામ આઠ દરખાસ્તોને મંજૂરીની મહોર મારવામાં આવી છે. મવડી વિસ્તારમાં અલગ-અલગ ત્રણ ટીપી સ્કિમ બનાવવા માટે ઇરાદો જાહેર કરવાની દરખાસ્ત બહાલ કરાઇ છે. બોર્ડમાં એકપણ અરર્જન્ટ બિઝનેસ દરખાસ્ત રજૂ કરવામાં આવી ન હતી.