ચોમાસામાં પડેલા ગાબડાઓ પૂર્યા ત્યાં ફરી આખું શહેર ખાડા-ખાડા
સામાન્ય રીતે જ્યારે ચૂંટણી નજીક આવતી હોય ત્યારે બિસ્માર રસ્તાઓ પણ ટનાટન બની જતાં હોય છે. પરંતુ સ્માર્ટ સિટી તરીકે વિકસી રહેલા રાજકોટમાં ઉલ્ટી ગંગા વહી રહી છે. મહાપાલિકાની ચૂંટણીના આડે હવે ગણીને ૧૦ દિવસ બાકી રહ્યાં છે. ત્યારે શાસક પાંખના અભાવે જાણે કોન્ટ્રાકટરોને છુટો દૌર મળી ગયો હોય તેમ શહેરના તમામ વિસ્તારમાં આડેધડ ખોદકામ કરી નાખવામાં આવ્યું છે. આ ખાડાઓ કોઈ એક રાજકીય પાર્ટીના મતમાં ગાબડુ પાડે તેવી શંકા સેવાઈ રહી છે. ચોમાસાની સીઝન બાદ કરોડો રૂપિયાના ખર્ચે બનાવવામાં આવેલા નવા રસ્તાઓ ફરી ખોદી નાખવામાં આવતા શહેરીજનોમાં ભયંકર રોષ ભભૂકી રહ્યો છે. સ્માર્ટ સિટીના રસ્તાની હાલત ગામડાથી પણ બદતર થઈ જવા પામી છે. પાઈપ લાઈન અને વાયર બિછાવવા માટે પેવીંગ બ્લોકનો પણ કચ્ચરઘાટ કાઢી નાખવામાં આવ્યો છે.
વર્ષો બાદ જ્યાં ડામર કામ થયા તે રોડ પર દિવસોમાં ખોદી નખાતા શહેરીજનોમાં ભભૂકતો ભયંકર રોષ: લાઈનો બિછાવવા પેવીંગ બ્લોકનો પણ કચ્ચરઘાણ: સ્માર્ટ સિટીના રસ્તાઓની હાલત ગામડાઓથી પણ બદતર, ચૂંટણી ટાંણે જ મતદારો નારાજ
કોર્પોરેશનની ચૂંટણી સમયે સામાન્ય રીતે ખોદકામ કરવામાં આવતું હોતું નથી અને જ્યાં રસ્તાઓ બિસ્માર હોય તેને પણ રીપેર કરી નાખવામાં આવતા હોય છે. ચોમાસાની સીઝનમાં રાજકોટના રાજમાર્ગોને કરોડો રૂપિયાનું નુકશાન થયું હતું. દિવાળી પહેલા રાજ્ય સરકારે ગ્રાન્ટની ફાળવણી કરતા તમામ રસ્તા ટનાટન કરી દેવામાં આવ્યા હતા. પરંતુ હાલ શહેરનો એકપણ રાજમાર્ગ એવો નથી કે જ્યાં કેબલ બિછાવવા કે પાઈપ લાઈન નાખવા માટે આડેધડ ખોદકામ કરવામાં આવ્યું ન હોય. અમુક રોડ પર ડિવાઈડર પણ તોડી નાખવામાં આવ્યા છે અને મોટાભાગની ફૂટપાથ પર કરોડો રૂપિયાના ખર્ચે અર્થાત ચૂંટણી જાહેર થઈ તે પૂર્વે હોંશે હોંશે બિછાવવામાં આવેલા પેવીંગ બ્લોકનો કચ્ચરઘાણ કાઢી નાખવામાં આવ્યો છે. અનેકવાર રજૂઆત કર્યા પછી જે રસ્તાઓ વર્ષો પછી બન્યા હતા તે રસ્તાઓ પર પણ હાલ ત્રિકમ અને પાવડા લઈ આડેધડ ખોદકામ ચાલી રહ્યું છે.
આડેધડ રોડ ખોદાયા બાદ દિવસો સુધી રીપેર કરાતા નથી, ડોર ટુ ડોર પ્રચાર માટે જતાં ઉમેદવારોએ લોકરોષનો સામનો કરવો પડશે: શાસક પાંખના અભાવે કોન્ટ્રાકટરોને છુટો દૌર: અધિકારીઓ પણ આંખો મીંચી લીધી હોય તેવો સિનારીયો
વોર્ડ નં.૭ અને ૧૪માં ડીઆઈ પાઈપ લાઈન બિછાવવા માટે મોટાભાગના વિસ્તારોમાં બેફામ ખોદકામ કરવામાં આવ્યું હતું. મહિઓ સુધી બિસ્માર રસ્તાઓની તકલીફ વેઠ્યા બાદ જ્યાં પેવર કામ કરવામાં આવ્યું છે ત્યાં પાઈપ લાઈનમાં ભંગાણ સર્જાવાના કારણે રસ્તાઓ ઉખડી જાય છે. સ્માર્ટ સિટીમાં કેબલ બિછાવવા માટે શહેરભરમાં જેટ ગતિએ જાણે ખોદકામ શરૂ કરવામાં આવ્યું હોય તેવું લાગી રહ્યું છે. હજારોની સંખ્યામાં મજૂરો ખોદકામના મહાઅભિયાનમાં લાગી ગયા છે જેના કારણે મુખ્ય માર્ગ તો દૂર રહ્યો નાની ગલી પણ ગામડાના રસ્તા જેવી બની ગઈ છે. સામાન્ય રીતે સ્થાિ નક સ્વરાજ્યની ચૂંટણી જે તે વોર્ડ કે વિસ્તારના લોકલ પ્રશ્ર્નને આધારે લડવામાં આવતી હોય છે અને જીતતા હોય છે. આવામાં જે રીતે રાજકોટના રસ્તા ગામડા કરતા કફોડી હાલતમાં ફેરવાઈ ગયા છે તે જોતા એવું લાગી રહ્યું છે કે અંદર ખાને શહેરીજનોમાં રોષ ભભૂકી રહ્યો છે અને આ રોષ તેઓ મત પેટીમાં ઠાલવે તેવી શકયતા નકારી શકાતી નથી. રાજમાર્ગો પર આડેધડ ખોદકામ કોના મતમાં ઘાડા પાડશે તે કહેવું કે કડવું હાલ મહા મુસીબત બની ગયું છે પરંતુ એકવાત ચોક્કસ છે કે, જે રીતે આડેધડ ખોદકામ ચાલી રહ્યું છે તેનાથી શહેરીજનોમાં નારાજગી જોવા મળી રહી છે.