આજી ફિલ્ટર પ્લાન્ટથી દૂધ સાગર પમ્પીંગ સ્ટેશન સુધી જતી ૫૦૦ એમ.એમ.ની પાઈપ લાઈનમાં પ્રેશરના કારણે આઈટીઆઈ પાસે ભંગાણ પડ્યું: અનેક વિસ્તારોમાં સાત કલાક પાણી વિતરણ મોડુ
સામાન્ય રીતે પ્રેશરના કારણે શિયાળાની ઠંડી ઋતુમાં પાણીની પાઈપ લાઈન તૂટી હોય છે પરંતુ આજે સવારે શહેરના સામાકાંઠા વિસ્તારમાં આજી ડેમ ચોકડી નજીક આઈટીઆઈ પોલીટેકનીકલ કોલેજ પાસે પાઈપ લાઈનમાં ભંગાણ સર્જાવાના કારણે ૨ વોર્ડમાં પાણી વિતરણ વ્યવસ્થા ખોરવાઈ જવા પામી હતી. તાત્કાલીક રીપેરીંગના કામગીરી શરૂ કરી દેવામાં આવી છતાં વોર્ડ નં.૬ અને ૧૫માં નિર્ધારીત સમય કરતા ૭ કલાક પાણી વિતરણ મોડુ થયું હતું. આજી ફિલ્ટર પ્લાન્ટથી દૂધ સાગર પમ્પીંગ સ્ટેશન તરફ જતી ૫૦૦ એમ.એમ.ની. એસી પ્રેસર પાઈપ લાઈન આજે સવારે આઈટીઆઈ પોલીટેકનીકલ કોલેજ પાસે ધડાકાભેર તૂટી હતી. જેના કારણે વોર્ડ નં.૬ અને ૧૫ના એવા વિસ્તારો કે જ્યાં પાણી વિતરણ દૂધ સાગર પમ્પીંગ સ્ટેશન ખાતેથી કરવામાં આવે છે ત્યાં સવારે ૭ વાગ્યાથી પાણી વિતરણ અટકાવી દેવામાં આવ્યું હતું. રીપેરીંગ થઈ ગયા બાદ પણ એક વખત જોઈન્ટ તૂટ્યો હતો. બન્ને વોર્ડના કનકનગર પાર્ટ, રાજારામ સોસાયટી, સંજયનગર, મહેશનગર, ન્યુ શક્તિ સોસા., શક્તિ સોસા., ગોકુલનગર, હાઉસીંગ બોર્ડ કવાર્ટર, બાલકૃષ્ટ સોસા., સાગરનગર, થોરાળા, ચુનારાવાડ, કુબલીયાપરા અને રામનગર સહિતના વિસ્તારમાં નિર્ધારીત સમય કરતા પાણી વિતરણ ૫ થી ૭ કલાક મોડુ થયું હતું. જેના કારણે ગૃહિણીઓમાં જબરો દેકારો બોલી ગયો હતો.