- શી ટીમના મહિલા પોલીસ કર્મચારીઓ દ્વારા પોલીસ હેડક્વાર્ટર ખાતેથી મહિલા સુરક્ષા જાગૃતિ રેલીનું કરાયું આયોજન
શહેર પોલીસની અલગ અલગ ઝોનની ’શી’ ટીમો દ્વારા શહેરમાં સતત મહિલા જાગૃતિની કામગીરી કરવામાં આવે છે. આ ઉપરાંત શાળા કોલેજો અને પછાત વિસ્તારોમાં બાળકો, બાળાઓને ગૂડ ટચ બેડ ટચ, સાયબર ક્રાઇમ, ટ્રાફિક અવેરનેસ સહિતની બાબતોથી સતત જાગૃત કરવામાં આવે છે. સોસાયટીઓ, જાહેર સ્થળોએ પણ મહિલાઓ, યુવતિઓને શી ટીમની કામગીરીથી વાકેફ કરી જરૂર પડયે આ ટીમની મદદ લઇ શકાય છે તેની વિગતો અપાય છે.
શહેર પોલીસની અલગ અલગ ઝોનની શી ટીમોના મહિલા પોલીસ કર્મચારીઓને અલગ ઓળખ આપવામાં આવી છે. તેમને નવો ડ્રેસકોડ અપાયો છે. ગુલાબી ટી-શર્ટ અને કાળા પેન્ટના ડ્રેસકોડ સાથે હવેથી આ મહિલા પોલીસ કર્મચારીઓ ફરજ બજાવશે.
દરમિયાન બુધવારે નવા ડ્રેસ સાથે શી ટીમના મહિલા પોલીસ કર્મચારીઓ દ્વારા પોલીસ હેડક્વાર્ટર ખાતેથી મહિલા સુરક્ષા જાગૃતિ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રેલીને પોલીસ કમિશનર રાજુ ભાર્ગવએ લીલી ઝંડી આપી હતી. આ પ્રસંગે જેસીપી વિધી ચૌધરી, ડીસીપી પૂજા યાદવ, મહિલા પોલીસ સ્ટેશનના પીઆઇ ઇલાબેન એન. સાવલીયા સહિતના ઉપસ્થિત રહ્યા હતાં.
મહિલાઓને લગતા ઘરેલુ હિંસા, બળાત્કાર, પોક્સો હેઠળ દાખલ થતા ગંભીર બનાવો ન બને અને શહેરમાં મહિલાઓની સુરક્ષા જળવાઈ રહે તેમજ કોઈ અનિચ્છિય બનાવ ન બને તેમજ મહિલાઓની સુરક્ષા પ્રત્યે સૌ કોઇ જાગૃત રહે તે માટે આ રેલીનું આયોજન કરાયું હતું.
રાજકોટ શહેરમાં જે શી ટીમો કાર્યરત છે તેમના માટે પોલીસ કમિશનર રાજુ ભાર્ગવ દ્વારા ખાસ અલગ જ યુનિફોર્મ તૈયાર કરાવવામાં આવ્યો છે. શી ટીમની એક અલગ ઓળખ બની રહે તે હેતુથી આ ડ્રેસકોડ તૈયાર કરવામાં આવ્યો છે. હવેથી આ યુનિફોર્મમાં જ સજ્જ થઇ શી ટીમના મહિલા પોલીસ કર્મચારીઓ પોતાની ફરજ બજાવશે.
અત્યાર સુધી શી ટીમના મહિલા કર્મચારીઓ ખાખી વર્દી પહેરીને ફરજ બજાવતાં હતાં. હવે અલગ ડ્રેસ કોર્ડનો રંગ ગુલાબી અને કાળો રખાયો છે. આ ડ્રેસ કોડથી શી ટીમના કર્મચારીઓ તરત ઓળખાઇ જશે અને તેની કામગીરીથી પણ લોકો વાકેફ થઇ શકશે. જે શી ટીમો કાર્યરત છે તેમને વધુ સારી કામગીરી કરવા માટે પ્રોત્સાહન મળી રહે તે હેતુથી મહિલા સુરક્ષા જાગૃતિ રેલીનું આયોજન કરવામાં આવેલ હતું.