ગુજરાતમાં છેલ્લા ૩ દિવસથી ઠંડીનો હળવો ચમકારો અનુભવાઈ રહ્યો છે. ત્યારે હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી છે કે આગામી ૨ દિવસમાં ગુજરાતમાં ઠંડીનો પારો ગગડી શકે છે. તેમજ લોકોને ફુલ ગુલાબી ઠંડીનો અનુભવ થશે.
એટલુ જ નહીં હવામાન વિભાગના જણાવ્યા મુજબ આગામી બે દિવસ સુધી રાજ્યમાં છુટાછવાટા કમોસમી વરસાદની પણ શક્યતા રહેલી છે. જોકે, તેનાથી કોઈ વ્યાપક નુકશાન થવાની શક્યતા નથી. દરમિયાન આજે ગુજરાતમાં સરેરાશ ૧૬ ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયુ હતું. જ્યારે મહુવા ૧૨.૯ ડિગ્રી લઘુત્તમ તાપમાન સાથે રાજ્યનુ સૌથી ઠંડુ શહેર રહ્યુ હતું. આ ઉપરાંત વલસાડમાં ૧૩.૧ ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયુ હતું. તો નલિયા અને અમેરલીમાં ૧૩.૮ ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયુ હતું.
દ્વારકા પંથક સહિત રાજ્યના કેટલાક ભાગોમાં કમોસમી વરસાદના છાંટા પણ પડ્યા હોવાનુ સામે આવ્યુ છે. તેમજ અમદાવાદમાં પ્રદૂષણનુ પ્રમાણ ૩.૨૦ પર પહોંચતા એલર્ટ જાહેર કરવામાં આવ્યુ છે. તેમજ અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશન દ્વારા વૃદ્ધો, બાળકો અને દર્દીઓને વાતાવરણમાં ન જવા અપીલ કરવામાં આવી છે.