જિલ્લામાં મગફળી બાદ સૌથી મહત્તમ વાવેતર ધરાવતા કપાસના ખેડૂતોએ રોગ નિયંત્રણ બાબતે જાણકારી હાંસલ કરી
સમગ્ર દેશમાં ગુજરાત રાજ્ય એક એવુ રાજ્ય છે કે જ્યાં આબોહવાની વૈવિધ્ય અસરોને લઇને ખેતી પાકનાં વાવેતર આબોહવાને અનુરૂપ ખેડુતો કરતા હોય છે. રાજ્યની ચાર કૃષિ યુનિ. દ્વારા ખેતી મોલાતની સારી ઊપજ આવે તે માટે જમીનનાં સોઇલ હેલ્થરકાર્ડથી લઇને ખેડુતોને કેવા પાક કેટલા અંતરે વાવેતર કરવા, જળસંચય અને જળસિંચનથી મહત્તમ સીંચાઇથી વધુ વાવેતરની માર્ગદર્શીકા પણ આપવામાં આવતા આજે ખેડુતો વૈજ્ઞાનીક ઢબે ખેતી કરતા થયા છે. ખાસ સૈારાષ્ટ્રનાં વિસ્તારમાં આ જીવાતનો ઉપદ્રવ દર વર્ષે વધતો જાય છે. આ જીવાતનાં નિયંત્રણ માટે ખેડુતોએ જાગૃત બની સંકલીત જીવાત નિયંત્રણ પદ્ધતિ અપનાવવી જરૂરી છે. આ જીવાતનાં જીવનચક્ર અને તેના નુકશાનના પ્રકાર વિશે જાણકારી હાંસલ કરી શકે તે માટે જૂનાગઢ કૃષિ યુનિ. અને બીયારણ ડીલર્સ તથા જીનર્સ એશોસીયેશન સંકલીત પરિસંવાદનું આયોજન કરવામાં આવ્યુ હતુ.
પરિસંવાદને ખુલ્લો મુકતા કૃષિ. યુનિ. જૂનાગઢનાં કુલપતિ ડો.એ.આર.પાઠકે જણાવ્યુ હતુ કે ગુલાબી ઈયળ એ ચાર અલગ અલગ અવસ્થામાંથી પસાર થતી હોય છે. આથી દરેક તબકકે રાસાયણીક દવાનાં તેના પર પુરતા પ્રભાવ પડતા નથી. જેમાં ઇંડા અવસ્થા, ઈયળ અવસ્થા, કોશેટા અવસ્થાન અને પુખ્ત અવસ્થા આમ ઇંડાથી ફુદા સુધીનાં જીવચક્ર દરમ્યાન આ ઈયળરૂપી કપાસની અવરોધક જીવાતને નિયંત્રીત કરવા સમજણ અને જાગૃતિ જરુરી છે.
સંશોધન નિયામક ડો. વી.પી.ચોવટીયાએ જણાવ્યુ હતુ કે ખેતી પાકમાં જીવાતનાં ઉપદ્રવને અટકાવવા કપાસની કરાંઠી(સાંઠી)ને બાળીને નાશ કરવો, પાક પુરો થયા બાદ રોટોવેટર દ્વારા જમીનમાં ભેળવી દેવી, ખેતરમાં ખરી પડેલા જીંડવા, કળી કે ફુલને ભેગા કરી નાશ કરવો, કપાસની છેલ્લી વીણી બાદ ખેતરમાં ઘેટા બકરાને છુટા ચરવા મુકવા જેથી ખુલ્યા વિનાનાં જીંડવા તેમજ પરીપક્વ ફુલ ચરી જતા હોય છે. ઓક્ટોબર માસથી ખેતરમાં હેક્ટરે ૪૦ પ્રમાણે ગુલાબી ઈયળની ફુદી માટેનાં ફેરોમેન ટ્રેપ ગોઠવવા જો ફેરોમેન ટ્રેપમાં ૮-૯ ફુદા પકડાય તો જંતુનાશક દવાઓ જેવી કે ક્વીનાલફોસ, ફેનવલરેટ, અથવા પોલીટ્રીન અથવા ફ્લુબેન્ડીએમાઇડ અથવા નોવાલ્યુરોજ અથવા ક્લોરાટ્રેનીપ્રોલ વૈજ્ઞાનિકોની સલાહ અને ભલામણ મુજબ નિયત માત્રામાં છંટકાવ કરવો.
કપાસનાં ગુણવત્તાયુકત ઉત્પાદન માટે કૃષિ વૈજ્ઞાનિકોએ વિવિધ પ્રાંતમાંથી પધારેલ ખેડુતોને આધુનિક કપાસ પાકની ખેતી વિષયે જાણકારી આપી હતી.