ભારતના ઝંઝાવત સામે બાંગ્લાદેશ ઘૂંટણીયે પડયું: ટીમ ઈન્ડિયા મજબુત સ્થિતિમાં
ઈડન ગાર્ડન ખાતે રમાઈ રહેલા પ્રથમ ડે-નાઈટ ટેસ્ટ મેચમાં સમગ્ર ઈડન ગાર્ડન પીંક રંગથી છવાઈ ગયું હતું ત્યારે ટોસ જીતી પ્રથમ બેટીંગ કરતા બાંગ્લાદેશ તેની પ્રથમ ઈનીંગમાં ૧૦૬ રન નોંધાવી પેવેલિયન ભેગુ થઈ ગયું હતું જયારે હાલની સ્થિતિમાં ભારત ૧૭૪ રન નોંધાવી ૩ વિકેટ પડી હતી જેમાં સુકાની વિરાટ કોહલી ૫૯ અને રહાણે ૨૩ રન પર રમી રહ્યા છે. ટોસ જીતી પ્રથમ બેટીંગ કરતા બાંગ્લાદેશ પીંક બોલની સ્વીંગ અને તેના પેશને સમજવામાં અસફળ રહ્યા હતા જેનાં કારણે તેઓને રમવામાં અત્યંત મુશ્કેલીનો સામનો કરવો પડતો હતો. ઈશાંત શર્મા મોહમદ શમીની ઘાતક અને વૈધક બોલીંગનાં પગલે સમગ્ર બાંગ્લાદેશની ટીમ ભારતનાં ઘુંટણીયે પડી ગઈ હતી ત્યારે ભારતની ઓપનીંગ જોડી પણ કંઈ ખાસ કરી શકી ન હતી જેમાં મયંક અગ્રવાલ ૧૪ રન અને રોહિત શર્મા ૨૧ રન બનાવી પેવેલિયન પરત ફર્યા હતા ત્યારે આજનો દિવસ પણ એટલો જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે.
ભારત અને બાંગ્લાદેશ વચ્ચે શુક્રવારથી કોલકાતાના ઈડન ગાર્ડન્સ મેદાન પર ડે-નાઈટ ટેસ્ટ મેચનો પ્રારંભ થયો. ભારત અને બાંગ્લાદેશ બંને પ્રથમ વખત ડે-નાઈટ ટેસ્ટ ક્રિકેટ મેચ રમી રહ્યા છે. મેચના પ્રથમ દિવસે જ વિરાટ કોહલીની આગેવાનીવાળી ટીમે પોતાનો દબદબો બનાવી લીધો છે. બાંગ્લાદેશે ટોસ જીતીને પ્રથમ બેટિંગનો નિર્ણય લીધો હતો પરંતુ આ નિર્ણય પ્રવાસી ટીમને ઘણો ભારે પડ્યો હતો. ઈશાન્ત શર્માની આગેવાનીવાળા ભારતીય ઝડપી બોલિંગ આક્રમણનો સામનો કરવામાં બાંગ્લાદેશી ટીમ નબળી સાબિત થઈ હતી. બાંગ્લાદેશનો પ્રથમ દાવ ૧૦૬ રનમાં જ સમેટાઈ ગયો હતો. ભારત માટે સુકાની વિરાટ કોહલી અને ચેતેશ્વર પૂજારાની અડધી સદીએ ટીમને મજબૂત સ્થિતિમાં મૂકી દીધી છે. ભારતે શુક્રવારે પ્રથમ દિવસના અંતે ત્રણ વિકેટે ૧૭૪ રન નોંધાવી લીધા છે. વિરાટ કોહલી ૫૯ અને ઉપસુકાની અજિંક્ય રહાણે ૨૩ રને રમતમાં છે. ભારત માટે ઈશાન્ત શર્માએ પાંચ વિકેટ ઝડપી હતી જ્યારે ઉમેશ યાદવને ત્રણ સફળતા મળી હતી. ભારતે ૬૮ રનની સરસાઈ મેળી લીધી છે અને તેની સાત વિકેટ જમા છે. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડના અધ્યક્ષ સૌરવ ગાંગુલીએ ભારતની આ પ્રથમ ડે-નાઈટ ટેસ્ટને યાદગાર બનાવવા માટે કોઈ કચાશ રાખી ન હતી. પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી અને મુખ્ય અતિથિ તરીકે હાજર રહેલા બાંગ્લાદેશી વડાપ્રધાન શેખ હસીનાએ બેલ વગાડીને મેચનો પ્રારંભ કરાવ્યો હતો. ક્રિકેટપ્રેમીઓ પણ મોટી સંખ્યામાં સ્ટેડિયમમાં હાજર રહ્યા હતા. આ ઉપરાંત ઘણા દિગ્ગજ ક્રિકેટર્સ પણ પ્રથમ દિવસે મેદાનમાં હાજર રહ્યા હતા.
જોકે, આ બધામાં ભારતીય ટીમનું પ્રદર્શન મુખ્ય આકર્ષણ રહ્યું હતું. બાંગ્લાદેશને સસ્તામાં આઉટ કરી દીધા બાદ ભારતની શરૂઆત ખરાબ રહી હતી પરંતુ કોહલી અને પૂજારાએ બાજી સંભાળી લીધી હતી. ભારતે ૨૬ રનના સ્કોર પર મયંક અગ્રવાલ અને ૪૩ રનના સ્કોર પર રોહિત શર્માની વિકેટ ગુમાવી દીધી હતી. મયંકે ૧૪ અને રોહિતે ૨૧ રન નોંધાવ્યા હતા. પરંતુ પૂજારાએ વધુ એક વખત દમદાર બેટિંગ કરી હતી. તેણે ૧૦૫ બોલનો સામનો કરતા આઠ ચોગ્ગાની મદદથી ૫૫ રનની ઈનિંગ્સ રમી હતી. જ્યારે કોહલીએ ૯૩ બોલમાં આઠ ચોગ્ગા સાથે ૫૯ રન નોંધાવ્યા છે અને તે હજી રમતમાં છે. બાંગ્લાદેશ માટે અલ-અમીન હુસૈને એક તથા ઈબાદત હુસૈને બે વિકેટ ઝડપી હતી. અગાઉ ટોસ જીતીને પ્રથમ બેટિંગમાં ઉતરેલી બાંગ્લાદેશી ટીમનો નિર્ણય ખોટો સાબિત થયો હતો. ભારતીય ઝંઝાવાતી બોલિંગ સામે તેની બેટિંગ લાઈનઅપ વેરવિખેર થઈ ગઈ હતી. બાંગ્લાદેશે ૩૮ રનમાં તો તેની અડધી ટીમ ગુમાવી દીધી હતી. ઉમેશ યાદવની ઘાતક બોલિંગને ટોપ ઓર્ડરને ધ્વસ્ત કરી દીધો હતો. જ્યારે બાદમાં ઈશાન્ત શર્મા ત્રાટક્યો હતો. બાંગ્લાદેશ માટે ઓપનર શદમાન ઈસ્લામે સૌથી વધુ ૨૯ રન ફટકાર્યા હતા. જ્યારે વિકેટકીપર બેટ્સમેન લિટન દાસે ૨૪ અને નઈમ હસને ૧૯ રનનું યોગદાન આપ્યું હતું. બાંગ્લાદેશના ત્રણ બેટ્સમેન ખાતું પણ ખોલાવી શક્યા ન હતા. ઈશાન્ત શર્માએ ૧૨ ઓવરમાં ૨૨ રન આપીને પાંચ વિકેટ ઝડપી હતી. જ્યારે ઉમેશ યાદવે ૨૯ રન આપીને ત્રણ વિકેટ પોતાના નામે કરી હતી. મોહમ્મદ શમીને બે સફળતા મળી હતી.