ભાલ નળ કાંઠા ખાદી ગ્રામોદ્યોગ મંડળની પ્રવૃત્તિઓની કરી પ્રસંંશા
ગુજરાત રાજ્યના પૂર્વ માહિતી કમિશ્ન્રર, પૂર્વ વરિષ્ઠ આઈએએસ અધિકારી અને અદાણી ફાઉન્ડેશનના એક્ઝીક્યુટીવ ડીરેકટર વી. એસ. ગઢવી સાથે રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીના પૌત્ર અને ઝવેરચંદ મેઘાણી સ્મૃતિ સંસ્થાનના સ્થાપક પિનાકી નાનકભાઈ મેઘાણીની લાગણીસભર મુલાકાત થઈ હતી. ભારત સરકારના ખાદી અને ગ્રામોદ્યોગ આયોગ (કેવીઆઈસી)ની સેન્ટ્રલ ખાદી માર્ક કમિટી તથા ભાલ નળ કાંઠા ખાદી ગ્રામોદ્યોગ મંડળના ચેરમેન, લોકસેવક, ખેડૂત આગેવાન, જગતાત ફલજીભાઈ રાહાભાઈ ડાભીના પૌત્ર ગોવિંદસિંહ દાજીભાઈ ડાભીની વિશેષ ઉપસ્થિતિ રહી હતી.
જેમની 125મી જન્મજયંતી વર્ષની ઉજવણી થઈ રહી છે તેવા રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણી, લોકસંત, ક્રાંતિકારી જૈન મુનિશ્રી સંતબાલજી, સ્વાતંત્ર્ય-સેનાની, લોકસેવક, મહાત્મા ગાંધી અને સરદાર વલ્લભભાઈ પટેલના નિકટના સાથી સ્વ. મણિલાલ કોઠારી તથા જેમની જન્મશતાબ્દી આગામી 01 ઑકટોબર 2022ના રોજ છે તેવાં ગાંધી-સર્વોદય મૂલ્યો-વિચારોને વરેલાં પીઢ ગાંધીવાદી, ખાદી-રચનાત્મક ક્ષેત્રનાં આગેવાન, પૂર્વ સાંસદ, આજીવન સમાજ-સેવિકા સ્વ. જયાબેન વજુભાઈ શાહ વિશે સાહિત્ય-લોકસાહિત્યના અભ્યાસુ, સંશોધક, લેખક અને વકતા વી. એસ. ગઢવીએ પ્રેરક અને માહિતીસભર વાતો કહી હતી.
ઝવેરચંદ મેઘાણીની કર્મભૂમિ રાણપુર સ્થિત મુનિશ્રી સંતબાલજીની પ્રેરણાથી 1958માં સ્થાપિત અને આર્થિક-સામાજિક વંચિત સમાજની બહેનોને સ્વરોજગારી પૂરી પાડતી ગુજરાતની એકમાત્ર ઊની ખાદી સંસ્થા ભાલ નળકાંઠા ખાદી ગ્રામોદ્યોગ મંડળની પ્રેરક પ્રવૃત્તિઓની પણ વી. એસ. ગઢવીએ પ્રશંસા કરી હતી. સ્વતાંત્ર્ય-સંગ્રામ નિમિત્તે ઝવેરચંદ મેઘાણીએ રચેલાં દેશક્તિનાં 15 શૌર્યગીતોનો સંગ્રહ સિંધુડોની નવીન સંવર્ધિત આવૃત્તિ પિનાકી મેઘાણીએ અર્પણ કરી હતી તથા વંચિત સમાજની બહેનો દ્વારા ઉત્પાદિત હાથ-વણાટ, હાથ-બનાવટની આકર્ષક શાલથી ગોવિંદસિંહ ડાભીએ અભિવાદન કર્યું હતું.