પાયલોટની માંગ મુજબ અવિનાશ પાંડેને હટાવીને અજય માકનને રાજસ્થાન કોંગ્રેસના ઈન્ચાર્જ બનાવાયા: આગામી સમયમાં મુખ્યમંત્રી સહિત મંત્રી મંડળમાં ભારે ફેરફારની સંભાવના
રાજસ્થાનની ગેહલોત સરકાર પર ઉભુ થયેલું જોખમ પાયલોટના સેઈફ લેન્ડીંગ બાદ હાલ પૂરતું ટળી જવા પામ્યું છે. પોતાની અવગણના થતી હોવાના મુદે સચીન પાયલોટે કરેલા બળવાને પ્રિયંકા ગાંધીએ મધ્યસ્થી દ્વારા ઉકેલીને ઠાર્યો છે જે બાદ કોંગ્રેસ હાઈકમાન્ડે પાર્ટીના ત્રણ વરીષ્ટ સભ્યોની એક સમિતિ બનાવીને આ મુદે થયેલી સમજુતી અંગે નિર્ણયો લેવાની શરૂઆત કરી છે. જેના ભાગરૂપે રાજસ્થાનનો હવાલો સંભાળતા કેન્દ્રીય મહામંત્રી અવિનાશ પાંડેને હટાવીને તેના સ્થાને અજય માકનની નિમણુંક કરવામાં આવી છે. પાયલોટ સાથેની થયેલી સમજૂતી મુજબ નિર્ણયો લેવામાં આવશે તો આગામી સમયમાં રાજસ્થાનના મુખ્યમંત્રીને બદલવાથી માંડીને મંત્રીમંડળમાં પણ મોટા ફેરફાર આવવાની સંભાવના છે. અઢી વષૅ બાદ રાજસ્થાનમાં વિધાનસભાની ચૂંટણી આવનારી છે ત્યારે બંને જુથોની તાકાતનો સદપયોગ કરીને હાઈકમાન્ડે પાર્ટીમાં નવા પ્રાણ પૂરવાની તૈયારી શરૂ કરી છે.
સચીન પાયલોટના બળવા બાદ તેમને સમજાવવાના તમામ પ્રયાસો નિષ્ફળ જતા રાજસ્થાનની ગેહલોત સરકાર પર ખતરો ઉભો થવા પામ્યો હતો જેથી આખરેપ્રિયંકા ગાંધીએ મોરચો સંભાળીને પાયલોટને સમજાવ્યા હતા. આ સમજૂતીનાં ભાગરૂપે પાયલોટે પોતાની અવગણનાના જે મુદા રજૂ કર્યા હતા. તેનો ઉકેલ લાવવાની ખાતરી હાઈકમાન્ડ દ્વારા આપવામાં આવી હતી જેની પાયલોટે પોતાના બળવાને વાળી લઈને ફરીથી કોંગ્રેસમાં સેઈફ લેન્ડીંગ કર્યું હતુ. વિધાનસભાના ગૃહ પર ગેહલોત સરકાર વિશ્વાસનો મત જીતી જતા હવે પાર્ટી હાઈકમાન્ડને પાયલોટની માંગ અને તે અંગે થયેલી સમજૂતી મુજબ પગલા લેવાની શરૂઆત કરી છે. જેના ભાગરૂપે પાયલોટને જેની સામે મુખ્ય વિરોધ હતો એવા રાજસ્થાન કોંગ્રેસના ઈન્ચાર્જ અવિનાશ પાંડેને હટાવીને હાઈકમાન્ડે તેના સ્થાને અજય માકનની નિમણુંક કરી છે. પક્ષના કેન્દ્રીય મહામંત્રી અવિનાશ પાંડે મુખ્યમંત્રી અશોક ગેહલોતના નજીકના મનાતા હતા. રાજસ્થાન કોંગ્રેસના ઈન્ચાર્જ તરીકે પાંડે સમક્ષ પાયલોટે ઈન્ચાર્જ તરીકે પાંડે સમક્ષ પાયલોટે અનેકવખત પોતાની નારાજગી વ્યકત કરી હતી. પરંતુ પાંડેએ પાયલોટની નારાજગી પાર્ટી હાઈકમાન્ડ સમક્ષ ન પહોચાડવાના આક્ષેપો થયા હતા. પાયલોટે સમજૂતીના ભાગરૂપે ઈન્ચાર્જ અવિનાશ પાંડેને હટાવવાની એક શરત મૂકી હતી જેને કોંગ્રેસે હાઈકમાન્ડે પૂર્ણ કરી દીધી છે. પક્ષના રાષ્ટ્રીય મહામંત્રી અજય માકનની રાજસ્થાન કોંગ્રેસના ઈન્ચાર્જ તરીકે થયેલી નિમણુંકને પાયલોટે આવકારી છે. મુખ્યમંત્રી ગેહલોતે પણ આ નવી નિમણુંકને આવકાર આપ્યો છે.
પાર્ટી હાઈકમાન્ડે પાયલોટની નારાજગીને સાંભળવા પાર્ટીના ત્રણ વરિષ્ટ સભ્યોની એક સમિતિ બનાવી છે. જેમાં પાર્ટી અધ્યક્ષ સોનિયા ગાંધીના નજદીકી ગણાતા અહેમદ પટેલ, કે.સી. વેણુગોપાલ, ઉપરાંત રાજસ્થાન કોંગ્રેસના નવા ઈન્ચાર્જ અજય માકનનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ ત્રણે વરિષ્ટ સદસ્યો પાયલોટની વિવિધ મુદે નારાજગીના મુદા અંગે ચર્ચા વિચારણા કરીને નિર્ણય કરનારા છે. રાજસ્થાન વિધાનસભાની ચૂંટણી આગામી અઢી વર્ષ બાદ યોજાનારી છે. જયારે આ ત્રણે વરિષ્ટ સદસ્યોની સમિતિ માટે બંને જુથો વચ્ચે સંતુલન જાળવીને કોંગ્રેસની કાયાપલટ કરવાની મહત્વપૂર્ણ કામગીરી કરવાની જવાબદારી છે. જો પાયલોટની તમામ માંગો સ્વીકારવામાં આવે તો આગામી દિવસોમાં રાજસ્થાનમાં નવા મુખ્યમંત્રી ઉપરાંત મંત્રીમંડળમાં પણ ભારે ફેરફાર આવવાની સંભાવના રાજકીય પંડીતો સેવી રહ્યા છે.