- સુવરડા ગામ પાસે જેગુઆર ફાઈટર પ્લેન ક્રેશમાં મૃત્યુ પામનાર પાયલોટના પાર્થિવ દેહને સન્માન સાથે તેમના વતનમાં લઈ જવાયો
- દુર્ઘટનામાં ફાઇટર પ્લેનના ફ્લાઈટ લેફટનેન્ટ સિધ્ધાર્થ સુશીલકુમાર યાદવ નામના પાયલોટનું મૃત્યુ નિપજ્યું હતું
- પાર્થિવ દેહને તેમના વતન હરિયાણા રાજ્યમાં મોકલવા કાર્યવાહી કરવામાં આવી
જામનગર તાલુકાના સુવરડા ગામની સીમ વિસ્તારમાં ગઈકાલે રાત્રે ઈન્ડિયન એરફોર્સનું જેગુઆર ફાઈટર પ્લેન ટેકનિકલ ક્ષતિના કારણે ક્રેશ થયું હતું. જે પ્લેન ક્રેશની દુર્ઘટનામાં ફાઇટર પ્લેનના ફ્લાઈટ લેફટનેન્ટ સિધ્ધાર્થ સુશીલકુમાર યાદવ (રહે. 2318 હાઉસીંગ બોર્ડ કોલોની, સેકટર-4, રેવાડી, હરિયાણા) નામના પાયલોટનું મો*ત નિપજ્યું હતું.
જે દુર્ઘટનાના હતભાગી શહીદ પાયલોટના પાર્થિવ દેહને આજે ઉચ્ચ અધિકારીઓ અને અન્ય એરફોર્સના કર્મચારીઓ વગેરેની ઉપસ્થિતિમાં રાષ્ટ્રીય સન્માન અપાયું હતું, અને તેમના પાર્થિવ દેહને તેમના વતન હરિયાણા રાજ્યમાં મોકલવા કાર્યવાહી કરવામાં આવી હતી.
શું હતી સમગ્ર ઘટના :
જામનગર તાલુકાના સુવરડા ગામમાં બુધવારે રાત્રિના દસેક વાગ્યાના અરસામાં વાયુસેનાનું ફાઇટર પ્લેન ક્રેશ થયું હતું. જે સળગતું પ્લેન સુવરડા ગામની સીંમ વિસ્તારમાં પડ્યું હતું, જે સળગતા પ્લેનમાંથી બે પાયલોટ કૂદી ગયા હતા. પરંતુ એક પાયલોટનું સ્થળ પર જ મો*ત થયું હતું, જ્યારે બીજા ઇજાગ્રસ્ત પાયાલોટને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. સૂકા ઘાસના જથ્થામાં સળગતા પ્લેન નો કાટમાળ પડવાના કારણે આગ લાગી હતી, જેના કારણે ભારે અફડા તફાડીનો માહોલ સર્જાયો હતો, અને એરફોર્સના અધિકારીઓ તેમજ જામનગર જિલ્લાના ઉચ્ચ અધિકારીઓ વગેરે દોડતા થયા હતા.
પ્લેન ક્રેશ થવાનું ચોક્કસ કારણ જાણી શકાયું નથી, જે મામલે એરફોર્સના ઉચ્ચ અધિકારીઓની ટીમ દ્વારા સ્થળ પર સમગ્ર મામલાની તપાસ ચલાવવામાં આવી રહી છે. જામનગરના જિલ્લા કલેકટર કેતન ઠક્કર SP પ્રેમસુખ ડેલુ સહિતના અધિકારીઓએ પણ સમગ્ર મામલે ચિંતા વ્યક્ત કરી દોડધામ શરૂ કરી દીધી હતી. તેઓ તરતજ બનાવના સ્થળે પહોંચી ગયા હતા, અને સમગ્ર રેસ્ક્યુ કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું.
અહેવાલ : સાગર સંઘાણી