- ગિરનાર પર યાત્રાળુઓ અવર-જવર નહીં કરી શકે
- આરોહણ-અવરોહણ સ્પર્ધાના લીધે શનિવારે રાત્રે 12 વાગ્યાથી રવિવારે બપોરે 12 વાગ્યા સુધી ગિરનારનાં પગથિયાં પર યાત્રાળુઓની અવર-જવર પર પ્રતિબંધ
- જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યુ
ગિરનાર પર યાત્રાળુઓ અવર-જવર નહીં કરી શકે. આરોહણ-અવરોહણ સ્પર્ધાના લીધે શનિવારે રાત્રે 12 વાગ્યાથી રવિવારે બપોરે 12 વાગ્યા સુધી ગિરનારનાં પગથિયાં પર યાત્રાળુઓની અવર-જવર પર પ્રતિબંધ મૂકતું જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યુ હતું.
જુનાગઢ આગામી રવિવારે એટલે કે, 5મી જાન્યુઆરીએ 39મી અખિલ ગુજરાત ગિરનાર આરોહણ-અવરોહણ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં રાજ્યભરમાંથી 1207 જેટલા મહિલા અને પુરુષ સ્પર્ધકો ગિરનારને આંબવા માટે સવારે દોટ મુકશે અને રાજ્યકક્ષાની સ્પર્ધા જીતવાનો પ્રયાસ કરશે.
ચાર કેટેગરીમાં વિજેતા 40 સ્પર્ધકોને ઇનામો આપીને પ્રોત્સાહિત પણ કરવામાં આવનાર છે. ત્યારે સમગ્ર સ્પર્ધાનું આયોજન અને તબીબી સવલતોને લઈને રમતગમત વિભાગ દ્વારા વિશેષ આયોજન કરાયું છે.
જિલ્લા વહીવટી તંત્ર દ્વારા અખિલ ગુજરાત ગિરનાર આરોહણ-અવરોહણ સ્પર્ધા તારીખ 5 જાન્યુઆરીના રોજ યોજાનાર છે. ત્યારે આ સ્પર્ધામાં ભાગ લેનાર સ્પર્ધકોને ખલેલ નિવારવા માટે ગિરનાર પગથિયા ઉપર યાત્રાળુઓની અવર-જવર પર પ્રતિબંધ મૂકતુ જાહેરનામુ પ્રસિદ્ધ કરવામાં આવ્યુ છે.
જેમાં જણાવ્યુ કે, ગિરનાર આરોહણ-અવરોહણ સ્પર્ધામાં ભાગ લેનાર યુવક-યુવતીઓની ટુકડીઓને સ્પર્ધામાં અંતરાય કે ખલેલ ઉભી થવાની શક્યતાઓ રહેલી હોય છે, જેને ધ્યાને રાખી ગિરનાર પર્વત ઉપર જતા યાત્રાળુઓના સંભવિત વિક્ષેપને દૂર કરવા તેમજ સ્પર્ધામાં ભાગ લેતા યુવક યુવતીઓની ટુકડીઓને સંભવિત ખલેલ નિવારવા હેતુ માટે આ સ્પર્ધા દરમિયાન ગિરનાર તળેટીથી અંબાજી તરફ જતા ગિરનાર પર્વતની સીડીના પગથિયાં ઉપર અવર- જવર માટે પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે. આ જાહેરનામુ 5 જાન્યુઆરીના દિવસે રાત્રિના 12 કલાકથી બપોરના 12 કલાક સુધી અમલ કરવામાં આવશે.
રાજ્યભરમાંથી 1207 સ્પર્ધકો દોટ મુકશે
39મી અખિલ ગુજરાત ગિરનાર આરોહણ અવરોહણ સ્પર્ધા આગામી તારીખ 5 જાન્યુઆરીના રોજ યોજાનાર છે. જેમાં ગુપ પ્રમાણે સિનિયર ભાઇઓ 558, જુનિયર ભાઇઓ 366, સિનિયર બહેનો 149, જુનિયર બહેનો 134 સહિત કુલ રાજ્યભરમાંથી 1207 સ્પર્ધકો ગરવા ગિરનારને સર કરવા માટે દોટ મૂકશે. આ 4 વિભાગના પ્રથમ 10 વિજેતા સ્પર્ધકોને કુલ રૂપિયા 8,40,000 ઇનામો, ટ્રોફી, પ્રમાણપત્રો આપવામાં આવનાર છે.
સ્પર્ધા તારીખ 5 ને સવારે 7 કલાકે યોજાનાર છે. પસંદગી પામેલ સ્પર્ધકોએ તારીખ 4 ને બપોરે 3 કલાક બાદ સિનિયર ભાઈઓ માટે સનાતન ધર્મશાળા, જુનિયર ભાઈઓ માટે તળપદા કોળી જ્ઞાતિવાડી, સિનિયર- જુનિયર બહેનો માટે ગુર્જર ક્ષત્રિય કડિયા જ્ઞાતિની વાડી, ભવનાથ તળેટી ખાતે રિપોર્ટિંગ કરવાનું રહેશે તેમ જણાવ્યું છે.