કલેકટરશ્રી અજયપ્રકાશે લીલીઝંડી આપતા બે ખાનગી બસમાં યાત્રાળુઓ રવાના થયા
કોરોના વાયરસના કારણે લોકડાઉનના અમલ દરમ્યાન ઓરિસ્સાથી સોમનાથ ખાતે આવેલ ૮૫ યાત્રાળુઓને તેમના વતન મોકલવા માટે સોમનાથના કલેકટર અજયપ્રકાશે લીલીઝંડી આપી હતી. સેનેટાઈઝ કરેલ ૨ ખાનગી સ્લિપર બસમાં તમામ યાત્રાળુઓ તેમના મોઢે માસ્ક બાંધી વતન જવા માટે રવાના કરવામાં આવ્યા છે. જેમાં ૪૧ મહિલાઓ અને ૪૪ પુરુષનો સમાવેશ થયો હતો.
દ્રારકાથી સોમનાથ દર્શને આવેલ ઓરિસ્સાના યાત્રાળુઓ તેમના વતન જવા માટે જિલ્લા વહીવટીતંત્ર દ્રારા સતત રાજ્ય સરકારના સંપર્કમાં રહી રાજ્ય સરકાર પાસેથી મંજુરી મેળવી હતી. રાજ્ય સરકાર અને ઓરિસ્સાની સરકારની મંજુરી મળી ગયા બાદ યાત્રાળુઓને તેમના વતન રવાના કરવામાં આવ્યા છે. આ તમામ યાત્રાળુઓ માટે વહીવટી તંત્ર દ્રારા સુકો નાસ્તો, પાણી અને સોમનાથ ટ્રસ્ટ દ્રારા ભોજન આપી પ્રસાદીની ચીક્કી આપવામાં આવી હતી. આ તમામ યાત્રાળુઓ સોમનાથ ખાતે તા.૨૧ માર્ચથી ફસાયા હતા.
લોકડાઉન દરમ્યાન ઓરિસ્સાના ૮૫ જેટલા યાત્રાળુ વેરાવળ ખાનગી ધર્મશાળામાં ઉતર્યા હતા. લોકડાઉનના કારણે ટ્રેનો રદ થતા અને લોકડાઉનનો અમલ થતા તમામ યાત્રિકો ચિંતામાં હતા. જિલ્લા કલેકટર અજયપ્રકાશે તેઓની પરિસ્થિતિ જાણી તાત્કાલીક સોમનાથ ખાતે શેલ્ટર હોલ સાંસ્કૃતિક ભવનમાં યાત્રિકોને જમવા સહિતની સુવિધા સોમનાથ ટ્રસ્ટના સહયોગથી પુરી પાડવામાં આવી હતી.
સોમનાથ ટ્રસ્ટ દ્રારા તેમને જમવાનું આપવામાં આવતુ હતું પરંતુ યાત્રિકોને ગુજરાતી જમવાનું અનુકુળ ન આવતા તેમને રાશન ફાળવી આપવામાં આવ્યું હતું. ઓરિસ્સાના બાલેશ્વર જિલ્લાના શરતદક્ષે જણાવ્યું હતું કે, લોકડાઉનના કારણે અમે સોમનાથમાં ફસાઈ ગયા હતા. વહીવટીતંત્ર ગીર સોમનાથ અને સોમનાથ ટ્રસ્ટના સહયોગથી રહેવા, જમવા અને આરોગ્યની સારવાર આપવામાં આવી હતી. અમને સોમનાથ દાદા ફરી બોલાવશે તો જરૂર દાદના દર્શન કરવા માટે આવીશું.
આ પ્રસંગે પ્રાંત અધિકારી, મામલતદારશ્રી ચાંડેગરા, સોમનાથ ટ્રસ્ટના મનેજરશ્રી વિજયસિંહ ચાવડા સહિતના ઉપસ્થિત રહ્યા હતા.