માતાજીના દર્શને આવતા યાત્રાળુઓને ગેટ પાસે બળજબરી નારિયળ પ્રસાદી ખરીદવાની ફરજ પડાય છે
સૌરાષ્ટ્રના પ્રવેશ દ્વારા ચોટીલા શહેરમાં ડુંગર પર સુપ્રસિદ્ધ શ્રી ચામુંડા માતાજીનું મંદિર આવેલું છે જ્યાં દરરોજ હજજારો માઈ ભક્તો પોતાની આસ્થા અને વિશ્વાસ સાથે માથું નમાવે છે. ભારત દેશના અલગ અલગ રાજ્યોના લોકો પોતાની ધાર્મિક ભાવનાઓને સાથે ૬૦૦ આસ પાસ પગથિયાં ચડી ને માતાજીને શ્રી ફળ, પ્રસાદી, પેંડા, ચાંદીના છત્તર, ચૂંદડી, અગરબતી જેવી ધાર્મિક વસ્તુઓ માતાજી ના ચરણોમાં ધરે છે.
ગત તારીખ ૮ ઓગસ્ટના રોજ આવી જ શ્રદ્ધા સાથે મૂળ મધ્ય પ્રદેશના આદિવાસી સમાજનો રાહુલ બાંભણિયા નામનો બ્લોગર પોતાના પ્રવાસ દરમિયાન ચોટીલા આવ્યો હતો અને નેશનલ હાઇવેથી મંદિર તરફ ગેટમાં પ્રવેશ કરતી વખતે ત્યાં બાજુમાં આવેલા નારીયળ પ્રસાદીની દુકાન ધરાવતા વેપારીએ તેનો હાથ પકડીને નારિયળ પ્રસાદી લેવા બળજબરી કરતા તેને વિડિયો બનાવવાનો શરૂ કર્યો હતો. જેનાથી નારાજ થઈને વેપારીએ આ વીડિયો ડિલીટ કરવા જણાવ્યું હતું ત્યારે આ યુવાને વિડિયો ડિલીટ કરવાની ના પાડતા યુવાનને ગાળો ભાંડવાનું શરુ કર્યું હતું જે બધું વિડિયોમાં રેકોર્ડ થઈ જતાં આ બ્લોગરે પોતાના પર વીતેલી આ દુઃખ દાયક ઘટનાને સોશિયલ મીડિયાના માધ્યમથી ઈન્સ્ટાગ્રામ માં શેર કરતા હજારો લોકોએ વિડિયો જોયો હતો અને આ વેપારી પર ફિટકાર વરસાવી હતી.
ગુજરાત સરકાર ગુજરાતમાં આવેલા ભીન્ન ભિન્ન યાત્રાધામોને વિકાસ તરફ લઈ જવા પ્રયત્નો કરી રહી છે. દિવસે દિવસે પવિત્ર યાત્રાધામો નો વિકાસ થઈ રહ્યો છે આ માટે એક આખું નિગમ બનાવવામાં આવ્યું છે જે આવા યાત્રાધામો ને વિકાસ તરફ લઈ જઈ શકે ત્યારે આવા વેપારીની કરતૂતો લોકોના માનસ પટ પર ચોટીલા ની તસવીર ખરાબ કરી રહી છે. અને આવી અનેકો ઘટના બને છે જે માઇભકતો મૂંગા મોઢે સહન કરીને જતું કરતા હોઈ છે. અત્રે ખાસ ઉલ્લેખનીય બાબત એ પણ છે કે આ ઘટના જ્યાં બની ત્યાં બાજુમાં જ ચામુંડા રોડ પોલીસ ચોકી આવેલી છે.