ફોજદાર જયદેવે તાલુકાનો ખાતાકિય રીતે તો ખરોજ પરંતુ સાથે સાથે સામાજીક, ધાર્મિક, રાજકિય અને ઔદ્યોગિક રીતે પણ અભ્યાસ કર્યો !

ફોજદારજયદેવની નીમણુંક મુળી પોલીસ સ્ટેશનમાં થઈ જયદેવનો એક સ્વભાવ હતો કે જે જગ્યાએ નિમણુંક થાય તે ગામ અને તાલુકાના ગામડાઓનો ઈતિહાસ ભૌગોલીકતા સામાજીક સંસ્કૃતિ અને રીત રીવાજ તથા સામાજીક સંબંધો અને વિસ્તારનાં ધાર્મિક સંપ્રદાયો તેમના તિર્થસ્થાનોનો વિગેરેનો અભ્યાસ કરવો અને જાત નિરીક્ષણ પણ કરવું. પોલીસ અધિકારી તરીકે ગુન્હા અને ગુનેગારો તેમના કાર્યક્ષેત્રો અને રાજકારણ વિગેરેનો અભ્યાસ તો વ્યવસાયીક રીતે કરવો જ પડે તે વાત પણ અલગ છે. અને તે ગુનેગારોનાં જીવન અને તેની રીતો સમાજના સહજ પ્રવાહોથી અલગ જ હોય છે તે તો તમામને ખબર જ હોય.

મૂળી એટલે સુરેન્દ્રનગર જીલ્લાનો એક તાલુકો જે પણ ઐતિહાસીક પંચાલ ભૂમીજ હતી. સુરેન્દ્રનગર જીલ્લો એટલે તે સમયે જૂના ધ્રાંગધ્રા, સાયલા, વઢવાણ, લીંબડી, લખતર, ઝાલા રાજપૂત દરબારોના રજવાડા અને મૂળી પરમાર રાજપૂત દરબાર અને દસાડા જત મુસ્લીમ દરબારના રજવાડાઓનો બનેલો જીલ્લો હતો. જે વિસ્તારને જુના જમાનામાં ઝાલાવાડ પંથક કહેતા આ ઝાલાવાડની ધરતી અંગે કવિ શ્રી પ્રજા રામ રાવળે એક જ કાવ્યમાં સમગ્ર વિસ્તારનો ચીતાર આપી દીધો છે.

આ ઝાલાવાડી ધરતી:

આવળ, બાવળ, કેર, બોરડી, સુષ્કચો ફરતી અહિં ફુલ કેવળ આવળના, અહિં નીર અધિકાં મૃગજળનાં પુષ્પ, પત્ર, પાણી વિણ કાયા, ધોર ઉનાળે બળતી! જોજન ના જોજન લગ દીખો, એક નહિ ડુંગર ને પેખો; વિરાટ જાણે ખૂલ્લી હથેળી સમથળ, ક્ષિતિજે ઢળતી! આ તે કોઈ જન્મ વેરાગણ ! કે કો ઉગ્ર તપંતી જોગણ ! સંન્યાસીની તણાનિર્મળ શુભ વેષે ઉર મુજ ભરતી….

આ ઝાલાવાડી ધરતી….

પરંતુ હવે નર્મદા નદીની કેનાલોમાં પાણી આવી ગયા પછી કેટલાક દ્રશ્યો તો જ‚ર ફરી ગયા હશે.

મૂળી ગામનો ઈતિહાસ બહુજુનો નથી સાડા સાતસોથી આઠસો વર્ષ પહેલા સોઢા પરમાર ક્ષત્રિયો થરપારક (હાલ પાકિસ્તાનમાં)ના રણમાંથી પોતાના પશુઓ ઉટ ઘેટા બકરા ગાયો ભેંસો લઈને ઝાલાવાડના માંડવ વન વિસ્તાર કે જે પડતર હતો તેમાં સૌ પ્રથમ પડાવ નાખેલો.

રાષ્ટ્રીય શાયર સ્વ. ઝવેરચંદ મેઘાણી રચિત ‘સૌરાષ્ટ્રની રસધાર’ પુસ્તકમાં આ પરમારોનાઈતિહાસનું આખુ પ્રકરણ “એક તેતરને કારણેબહુ રસપ્રદ માહિતી સાથે વર્ણવ્યું છે જેનોતમામે એક વખત વાંચીને લહાવો લેવા જેવો છે.

મુળી પહેલા નાનો ટીંબો હતુ જેનું મુળી નામ એક ત્યાં રહેતી રબારી બાઈ મુળીના નામ ઉપરથી પાડવામાં આવેલું પરમાર યુવરાજ તે વખતે નિયમિત રીતે વઢવાણ (ઝાલાવાડ)ના રાજા સાથે ચોપાટની રમત રમવા જતા આથી વઢવાણના રાજાએ આ ઝાલાવાડની પડતર ભુમિ માંડવવન મુળીના પરમાર યુવરાજને બક્ષીસમાં આપેલી.

ત્યારબાદ પરમારોએ ઘણા યુધ્ધો કરેલા પરંતુ ‘આશરાનાધર્મ’ માટે એક તેતરને કારણે જે ધમાસાણ યુધ્ધ કરેલુ અને કેટલાય કામે આવી ગયેલા તે પરમારોની માનસીક ખુમારીનું પરિણામ હતુ વાત એમ બનેલ કે પરમારોની ચોવીસીમાં શીકાર કરતા કરતા સાયલાના ચભાડો આવી ચડેલ અને એક તેતર બચવા માટે ઉડીને પરમારોના તંબુમાં આશ્રય માટે ઘુંસી ગયું. તંબુમાં પરમારના માતા જોમબાઈમાં હાજર હતા તેમને આ શીકારી ચભાડોએ તેતર સોંપી દેવા કહેતા જોમબાઈ મા એ કહેલ કે આ પક્ષી અત્યારે અમારા આશરેઆવેલ છે,તેથી નહિ મળે આથી મુળીના પરમારો અને સાયલાના ચભાડો વચ્ચે ભીષણ યુધ્ધ થયેલું પરંતુ પરમારોએ તેતર પાછુ આપેલ નહિ મુળી વિસ્તારમાં હજુ કોઈ તેતરનો શિકાર કરતુ નથી ઝાલાવાડમાં પરમારોનો આશરા નો ધર્મ બહુ પ્રખ્યાત છે. (એટલે જ ફોજદાર ગોસાઈને લાંબો સમય સુધી સી.આઈ.ડી. ક્રાઈમથી સંતાડી રાખેલ હશે!) આ જોમબાઈમાનું મંદિર હાલમાં પણ મુળી ગામના પાદરમાં આવેલ છે. જો કોઈ માલધારીઇની ગાયોને આંચળમાં ખાપરી નું દર્દ થયું હોય તો આ મંદિરની દુધની બાધા રાખે છે. મહિલાઓ પણ દર્શનની બાધા રાખે છે.

બીજુ પ્રસિધ્ધ ઐતિહાસીક સ્થાન મુળી તાલુકાનુંઆંબરડી (કરશનગઢ) ગામ છે. સ્વ. ઝવેરચંદ મેઘાણીના જ ‘સૌરાષ્ટ્રની રસધાર’ પુસ્તકના પ્રકરણ ‘અણનમ માથા’ તમામે એક વખતતો વાંચવું જ જોઈએ કે તેવા સમયે પણ કેવા શુરવિર નેકટેક અને મહેનતકશ યુવાનો હતા. અને ઈર્ષા તથા કપટ અને ખટપટ પણ કેવી હતી. સામસામે યુધ્ધનું જે તાદ્રશ્ય વર્ણન છે. તે કદાચ આ સૌરાષ્ટ્રની રસધાર સિવાય કોઈ પુસ્તકમાં નહિ હોય. વાત એમ હતી કે આંબરડી ગામમાં સાત ગામનો ધણી શુરવીર ચારણ વિસળ રાબો હતો. આ વિસળ સહિત અગીયાર ચારણ અને ગામનો પુજારી કેશવગર બાવો ગાઢ મીત્રો હતા. આ બારેય મિત્રોએ એક સાથે જ મરવાની પ્રતિજ્ઞા લીધેલી અને પછી સૌ પોત પોતાના ખેતી પશુપાલન અને મંદિરની સેવા પુજાના ધંધેલાગી ગયેલા.વિસળ રાબાની પોતાની પ્રતિજ્ઞા હતી. કે જગજનની આદ્યશકિત માતાજી સિવાય પોતે કોઈ ને માથુ નહિ નમાવે.

વિસળની આ પ્રતિજ્ઞાની તેના વિરોધી ચારણે અમદાવાદના સુલતાનને જાણ કરી કે સમગ્ર સોરઠ તમને નમે અને એક સાતગામનો ધણી ચારણ તમને નમવાની ના પાડે? આથી સુલતાન ખુદ પોતાનીફોજ લઈ ને આંબરડી આવ્યો કેશવગર સહિત અગીયાર મીત્રોએ બાદશાહની ફોજ સામે ભીષણ યુધ્ધ કર્યું સુલતાનના શાહજાદા મહોબતખાન કે જે હાથીની અંબાડી ઉપર સવાર હતા તેને આ વિસળ રાબાએ હાથીના દાંત ઉપર ચડીને વધેરી નાખ્યો પણ દરીયા જેવી સુલતાન ફોજ સામે આખરે અગયારેય મિત્રો શહીદ થઈ ગયેલા જે મીત્ર બહારગામ ગયેલો તે સાંજે પાછો આવતા તે પણ અગીયાર મીત્રોની ચીતા ઉપર ચડી પોતાની પ્રતિજ્ઞા પૂરી કરેલી!

આંબરડી ગામના પાદરમાં આ બાર ‘અણનમ માથા’ની ખાંભી ઓ એક દેશી અતિ જર્જરીત અને દેશી નળીયાના છાપરા વાળા ઓરડામાં આજે પણ છે. પરંતુ આ શૌર્યવંતા અને ગૌરવવંતા ઐતિહાસીક સ્થાનની તે વખતે જર્જરીત હાલ જોઈને જયદેવને ધૂમકેતુની પેલી વાર્તા ‘વિનિપાત’નો કિસ્સો યાદ આવી ગયેલો ડભોઈની ભાગોળે ઉકરડાના છાણમાં રખડતી મૂલ્યવાન પૌરાણીક (એન્ટીક) મૂર્તિ ઉપાડીને અંગ્રેજ ગ્રામ્ય જનને પૂછે છે કે આ લઈ લઉ? અને ધૂમકેતુ એ આ દ્રશ્યને કારણે ચિરસ્મરણીય ઉદગારો લખેલા કે પડે છે. ત્યારે સઘળુ એક સાથે પડે છે તે યાદ આવ્યું પણ તે સમયે તો ગુલામી હતી અને અત્યારે?

મુળી તાલુકાના પ્રસિધ્ધ તીર્થસ્થાનોમાં માંડવરાયજી (સૂર્યદેવ)નું મંદિર છે. જે પરમારોના તો ઈષ્ટદેવ છે. ઉપરાંત જાણીતા અને વિશ્ર્વ પ્રસિધ્ધ દાનવીર દીપચંદભાઈ ગાર્ડીના પણ માંડવરાયજી ભગવાન ઈષ્ટદેવ હોય ગાર્ડી શેઠ વર્ષમાં એક વખત તો મુળી દર્શને આવતા તેથી દીપચંદભાઈ શેઠે મુળી તાલુકામાં પુષ્કળદાન કરી સ્કુલો, પાણી પૂરવઠા યોજનાઓ દવાખાના બંધાવેલા.

બીજુ પ્રસિધ્ધ તીર્થસ્થાન સ્વામીનારાયણ સંપ્રદાયનું બ્રહ્માનંદ સ્વામીએ બંધાવેલ રાધાકૃષ્ણદેવમહારાજનું ભવ્ય મંદિર અને ત્રીજુ પંચાળના રબારીઓનું પ્રસિધ્ધ ઠાકરધામ દુધઈ અને ચોથુ વાણીયાઓનું સરા ગામે આવેલ માં મેલડીનું ધામ તે સમયે ઝાલાવાડના બે પ્રસિધ્ધ અને સિધ્ધ સંતો મુળી તાલુકામાં હયાત હતા એક જીલ્લા આખામાં ફરતારામ ‘બટુક મહારાજ’ અને બીજા ગૌતમગઢના જ્ઞાની અને કર્મયોગી સંત ‘વખતસિહ બાપુ’.

મુળી પોલીસ સ્ટેશન વિસ્તારમાં ૬૯ ઓગણસીતેર ગામ હતા મુળી પો. સ્ટે.ની સરહદ ઉતરે હળવદ પૂર્વે ધ્રાંગધ્રા, દક્ષીણે વઢવાણ અને જોરાવરનગર અને પશ્ર્ચીમે સાયલા અને ચોટીલા પોલીસ સ્ટેશનોની સરહદને મળતી હતી. મુળી સુરેન્દ્રનગર રાજકોટ હાઈવે ઉપર આવેલ હતુ. તો રેલવે લાઈનમાં અમદાવાદ રાજકોટ બ્રોડગેજ લાઈન ઉપર હતુ. પરંતુ મુળી રેલવે સ્ટેશન ગામથી પાંચ કી.મી. દૂર હતુ.

ચોટીલાના ડુંગરોમાંથી નીકળી સુરેન્દ્રનગર વઢવાણ જતો ભોગાવો નદી મુળી ગામના પાદરમાંથી જ પસાર થાય છે. આ ભોગાવો નદી ઉપરનો ગૌતમ ગઢનો નાયકા ડેમ ભરાઈજાય એટલે પાણી મુળી ગામ સુધી ભરેલું હોય. સુરેન્દ્રનગરનો ધોળીધજા ડેમ ભોગાવો ઉપર જ છે. અને તેના પાણીનો સંગ્રહ થાય છે તે વિસ્તારનો સમાવેશ મુળી તાલુકામાં થાય છે.

આમ તો પંચાળ વિસ્તાર એટલે મુળી તાલુકાનો મુખ્ય ઉદ્યોગ ખેતી અને પશુપાલન હતો. પણ તે સમયે ત્રણ અન્ય ઉદ્યોગો પણ હતા. થાનગઢ અને મુળીના ગામડાઓની જમીનના ભૂગર્ભમાં ચાર પાંચ ફૂટની ઉંડાઈએ જ ચાયના કલે (ચીનાઈમાટી)નીકળે છે. જેથી વગડીયા તથા દીગસર ગામે પોટરીના કારખાના હતા. આ ચાઈના કલે નો થર પૂરો થાય એટલે ઉંડેથી કોલસી નીકળવાનું શ‚ થાય બીજો ઉદ્યોગ ટ્રાન્સપોર્ટનો ચાઈના કલે અને રેતી અમદાવાદ તથા અન્ય શહેરોમાં મોકલવાનો ત્રીજો ગૃહ ઉદ્યોગ હતો. સીલ્ક (રેશમ)ની સાડીઓ બનાવવાનો જે સોમાસર અને દીગસર ગામે વણકરો કિમંતી સાડીઓ બનાવતા હતા.

જયદેવ પોતાના થાણાનું તો ધ્યાન રાખતો પરંતુ આજુબાજુના થાણા વિસ્તારમાં પણ શું શું ચાલી રહ્યું છે. અને તેની અસર પોતાના થાણા પર કઈ રીતની પડે તેની પણ નોંધ રાખતો અને આજુબાજુના થાણા વિસ્તારમાં આવેલ અગત્યના ઐતિહાસીક અને ધાર્મિક સ્થળોની પણ મુલાકાતો લેતો.

મુળી તાલુકાને ખાસ અસર કરતો તરણેતરનો મેળો મુળીના ખાખરાથળ ગામની સરહદ ઉપર જ ભરાતો. આ તરણેતરનો મેળો દેશભરમાં પ્રખ્યાત છે અને ગુજરાત સરકાર જ તેનું આયોજન કરે છે. આ મેળામાં સમગ્ર ગુજરતા અને દેશ વિદેશમાંથી લોકો આવે છે. પરંતુ તેમાં મુળી તાલુકાની પ્રજા સાગમટે ભાગ લે છે.

તરણેતર આમ તો થાનગઢ પોલીસ સ્ટેશનની હદનું ગામ છે. પરંતુ તરણેતર મહાદેવ (ખરેખર ત્રિનેત્રેશ્ર્વર મહાદેવ)તો ખાખરાથળ અને તરણેતર ગામની વચ્ચે આવેલી નદીનાં કાંઠે આવેલું છે. આ જગ્યાએ દ્વાપરયુગ (મહાભારતકાળ)માં વિરાટ મહારાજા દ્રુપદે (પાંચાળ નરેશ) પોતાની પુત્રી પાંચાલી (દ્રોપદી)નો સ્વયંવર (વિવાહ) આ સ્થળે કરેલો તે પહેલા પાંડવ કુમાર અર્જુને સ્વયંવર માટે જે ત્રાજવામાં ઉભા રહી પાણીમાં જોઈ ઉપર ફરતી માછલીનો મત્સ્યવેધ કરેલો તે પાણીનો કુંડ અને પૌરાણીક ભવ્ય શિવાલય આ તરણેતરમાં હાલમાં પણ દર્શન લાયક છે. તેથી જ આ વિસ્તાર પંચાળ તરીકે ઓળખાય છે.

અન્ય ધાર્મિક સ્થળોમાં ચોટીલાનું રાજરાજેશ્ર્વરી માં ચામુંડાનું મંદિર, સાયલા લાલજી મહારાજની જગ્યા તથા હળવદ તાલુકામાં સરાની સરહદ ઉપરનું માં સુંદરી ભવાનીનું મંદિર અને ચોટીલાના પૌરાણીક સુરજદેવળો છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.