નરસિંહ મહેતાએ સાચા વૈષ્ણવનું પહેલું લક્ષણ એ બતાવ્યું છે કે “વૈષ્ણવજન તો તેને રે કહીએ જે પીડ પરાઈ જાણે રે”. જીવન દરમિયાન કેવળ પોતાનો જ સ્વાર્થ સાધનાર માણસ વિષે ગોસ્વામીજી શું કહે છે ? જેમ લુહારની ધમણ ચાલતી હોય એમ એ માણસ શ્વાસ લઈ રહ્યો છે. પરહિતકાર્યના કાંટાળા પથ ઉપર હોંશે હોંશે ચાલનાર મહાપુરુષો સમગ્ર દુનિયામાં વંદનીય બન્યા છે.
“બીજાના ભલામાં આપણું ભલું, બીજાના સુખમાં આપણું સુખ” – આવું અદ્ભુત જીવનસૂત્ર આપનાર અને એ સૂત્રને જીવી બતાવનાર મહાપુરુષ હતા પ્રમુખસ્વામી મહારાજ. ગુરુએ સંસ્થાનું પ્રમુખપદ સોંપ્યું ત્યારથી જ જનસેવામાં જીવનને તાર-તાર કરી નાખવાની પ્રતિજ્ઞા સાથે તેઓ નીકળી પડ્યા હતા. આથી જ એમનાં દરેક કાર્યો અને દરેક નિર્ણયો વ્યક્તિલક્ષી કે સંસ્થાલક્ષી ન રહેતાં, સમાજલક્ષી બની જતાં. આ માટે એમને પોતાને વ્યક્તિગત ગમે એટલો ભોગ આપવો પડે કે જતું કરવું પડે, એની એ ક્યારેય પરવા કરતા નહીં.
ઈ.સ.1991માં પ્રમુખસ્વામી કપડવંજ પધારેલા. ત્યાંના મુખ્ય કાર્યકર સાથે સ્વામિનારાયણ મંદિરની આજુબાજુની વધારાની જમીન ખરીદી લેવાની વાત નીકળી, જેની સંસ્થાકીય પ્રવૃત્તિ માટે ખૂબ જ જરૂરિયાત હતી. સ્વામીશ્રીએ પૂછ્યું, “આજુબાજુ શું આવેલું છે?” જવાબ મળ્યો, “આ બાજુ નેરોગેજ રેલવે છે તે બ્રોડગેજ થવાની છે, એટલે તેઓ ઘણી જમીન સંપાદન કરી લેવાના છે. આના લીધે આપણને ભવિષ્યમાં વધારે જમીન નહીં મળે. એટલે આ લોકો નેરોગેજ રેલવેને બ્રોડગેજમાં ન ફેરવે તો સારું.” તરત જ સ્વામીશ્રી કહે,”અલ્યા, આપણું એકલાનું નથી જોવાનું, સમાજનું પણ જોવાનું છે. લોકોને કેટલી તકલીફ પડતી હશે ત્યારે આ નિર્ણય લેવાયો હશે. તે તો ચાલુ કરવી જ પડે. બંધ પડી ગઈ છે તે જલ્દી ચાલુ થઈ જાય તેવી પ્રાર્થના કરવી.”
વ્યક્તિગત જીવનમાં પણ પ્રમુખસ્વામીને હંમેશા પોતાના કરતાં અન્યનો ખ્યાલ વિશેષ રહેતો. વધતી જતી ઉંમરના પ્રભાવે રાતના અમુક વખત તેમની ઊંઘ ઊડી જતી ત્યારે કેટલા વાગ્યા હશે એ જોવા માટે એમણે એક નવી જ પદ્ધતિનો આવિષ્કાર કર્યો. થોડા વર્ષો પહેલાં ડિજિટલ ઘડિયાળનો જમાનો નહોતો, આથી સમય જોવા માટે ઘડિયાળ ઉપર બેટરીનો પ્રકાશ નાંખવાની જરૂર પડતી. આના માટે સ્વામીશ્રીએ એવું શરૂ કર્યું કે પહેલાં તેઓ માથા સુધી રજાઈ સંપૂર્ણ ઓઢી લે. ત્યાર પછી ઘડિયાળને રજાઈની અંદર ખેંચી લે અને રજાઈને માથે ઓઢેલી રાખીને જ બેટરી ચાલુ કરી સમય જોઈ લે. ત્યાર પછી બેટરી બંધ કરી ઘડિયાળને રજાઈની બહાર કાઢે. તેઓ આમ કેમ કરે છે એ જાણવા માટે એમને પૂછ્યું ત્યારે તેઓ કહે,” તમે બધા પણ સૂતા હો અને હું બેટરી ચાલુ કરું તો પ્રકાશ પડે અને તમારી ઉંઘ બગડે. એવું ના થાય એના માટે હું આમ કરું છું.” ઝીણી બાબતમાં પણ અન્યની કેવી કાળજી!
1984માં પ્રમુખસ્વામી વિદેશયાત્રાએ જતાં પહેલાં અમદાવાદ પધારેલા ત્યારે એમની વિદાય સભાનું આયોજન થયું હતું. બરાબર એ જ અરસામાં અનામત આંદોલને ગુજરાતનો ભરડો લીધો હતો. સતત આઠ મહિના ચાલેલા આ આંદોલનથી લોકો ત્રાહિમામ્ પોકારી ગયા હતા. જો કે આંદોલનના બંને પક્ષના નેતાઓને પ્રમુખસ્વામીને વિષે અનન્ય ભાવ હતો અને તેઓની ઈચ્છા હતી કે સ્વામીશ્રીની હાજરીમાં દ્વિપક્ષી મીટીંગ થાય. એ માટે તેઓ આવ્યા ત્યારે તેમણે જોયું કે આ જ સમયે સ્વામીશ્રીને તો વિદાયસભામાં જવાનું હતું, જે જરૂરી હતું, કારણ કે સ્વામીશ્રીના હવે લાંબા સમય સુધી દર્શન થવાના નહોતા, એટલે હજારો હરિભક્તો છેલ્લા દર્શન માટે ઉમટી પડ્યા હતા. પ્રમુખસ્વામી તો પોતાની વિદાયસભા એટલે કે એક પ્રકારના સન્માનને ઠેલી દઈને આંદોલનના સમાધાન માટેની મિટીંગમાં બેસી ગયા. મિટિંગમાં ચર્ચાનો દોર એટલો લંબાયો કે કલાકોની પણ ગણતરી રહી નહિ. સ્વામીશ્રી વિદાયમાનમાં તો ગયા જ નહીં પરંતુ આંદોલન સમેટાઈ જાય એ પાકું કરીને જ જંપ્યા. ત્યારે સ્વામીશ્રીના આશ્રિત નહીં એવા મહાનુભાવોને પણ ખ્યાલ આવ્યો કે સ્વામીશ્રી બીજાનું ભલું થાય એને પોતાના ભલા કરતાં હરહંમેશ વધુ મહત્વ આપતા રહ્યા છે.
તારીખ 13માર્ચ, 2002ના દિવસે વડોદરાના સુરસાગર સરોવરમાં સત્યમ શિવમ સુન્દરમ સમિતિ દ્વારા ભગવાન શિવજીની 111 ફૂટ ઊંચી પ્રતિમાની પ્રતિષ્ઠા કરવાનું આયોજન થયું હતું. પરંતુ સમિતિના સભ્યોને આઠ માસ પહેલાં ખ્યાલ આવી ગયો કે મુખ્ય પ્રતિમાપીઠની નીચે જે બીજા આઠ શિવસ્વરૂપોની મૂર્તિઓ મૂકવાની હતી તેનું શિલ્પકામ આટલા ટૂંક સમયમાં પૂર્ણ કરવું અશક્ય હતું. મૂંઝવણમાંથી માર્ગ કાઢવા તેઓ પ્રમુખસ્વામી પાસે દોડી આવ્યા. પ્રમુખસ્વામીએ એ જ ઘડીએ તેમને પૂર્ણ સહકાર આપવા વચન આપ્યું. આ માટે એમણે પોતાની સંસ્થાના મૂર્તિઓનું કામકાજ જોનાર કાર્યકરોને બોલાવીને આજ્ઞા કરી કે આ શિવમૂર્તિઓનું કાર્ય આપણા કામ કરતાં પણ પહેલું પૂરું કરી આપવાનું છે. આ વસ્તુ સંસ્થા માટે કટોકટીની બાબત હતી કારણ કે દિલ્હી અક્ષરધામનું કાર્ય એ વખતે પૂરજોશમાં ચાલી રહ્યું હતું, કે જે દેશ-વિદેશમાં સંસ્થાની પ્રતિષ્ઠાના નાક સમાન હતું. સમયની અતિશય કટોકટી ત્યાં પણ હતી, એમાં આ નવું કામ અડચણરૂપ બનતું હતું. વળી એ પોતાની સંસ્થાનું તો કામ પણ નહોતું. પરંતુ પ્રમુખસ્વામીએ એ કાર્ય સારી રીતે કરાવ્યું. એટલું જ નહીં, પોતે પ્રતિષ્ઠા ઉત્સવમાં પણ પધાર્યા, પૂર્ણ સહકાર આપ્યો, અને એ શિવજીનું ‘સર્વેશ્વર મહાદેવ’ એવું નામાભિધાન પણ એમણે પોતે જ કર્યું. બીજાનું ભલું કરી છૂટવાની સાથે સાથે એમની સર્વધર્મ સન્માનની ભાવના પણ ઉજાગર થઇ.
આવી ભાવનાઓ જ આવી વ્યક્તિઓને મહાપુરુષનું બિરુદ અપાવે છે.