આપણા ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ શ્રી અબ્દુલ કલામે પોતાની આત્મકથામાં એક વાત નોંધી છે કે ’હું ભારતના ઘણા યુવાનોને મળ્યો છું. તેઓમાં અસાધારણ શક્તિ છે, છતાં પણ તેઓ તે શક્તિનું યોગ્ય ફળ પ્રાપ્ત નથી કરી શકતા, તેનું એક કારણ એ છે કે તેમની પાસે VISION (દૂરંદેશીપણું) નથી, તેમણે કરેલા સંકલ્પોનું સ્પષ્ટ ચિત્ર નથી. તેથી તેઓ થશે, કરીશું જેવા વિચારોમાં અટવાયા કરે છે અને પોતાની યુવાની વેડફી નાખે છે.’
ખરેખર, પોતાના સંકલ્પનું ચિત્ર જેને જેટલું સ્પષ્ટ તેટલું તેનું કાર્ય સહેલું અને જલ્દી સિદ્ધ થાય. દુનિયામાં જે મહાન પુરુષોએ ઇતિહાસ સર્જ્યો છે, તેનું એક કારણ તેમનું VISION છે.
ચીનના એક નેતાને વર્ષો પહેલાં એક વિચાર આવ્યો કે ચીન ઔદ્યોગિક, આરોગ્ય, ટેક્નોલોજી કે સ્પોર્ટસ આદિ સર્વ ક્ષેત્રોમાં મોખરે હોવું જોઈએ. તેમના આ VISIONને સ્પોર્ટસ કમિશનના ચેરમેન માઓ ઝેડોન્ગે પકડ્યું. તેમણે નક્કી કર્યું કે ઓલિમ્પિકની બધી જ રમતમાં ચીન અગ્ર ક્રમાંકે હોવું જોઈએ. આ VISION સાથે તેમણે બાસ્કેટબોલની રમત પસંદ કરી. આ રમતમાં ખેલાડીઓની ઊંચાઈ 6 ફૂટથી વધુ હોય તો સારો દેખાવ કરી શકે. જ્યારે ચીનના માણસોનાં શરીરનું બંધારણ જ ઠીંગણા કદનું છે. તો શું કરવું? તેના માટે તેમણે સમગ્ર ચીનમાંથી ઊંચામાં ઊંચી એક છોકરી ફેંગ ફેન્ડગીને પસંદ કરી. 15 વર્ષની આ છોકરીને દેશ માટે બાસ્કેટબોલ રમવાનું કહ્યું. પોતાનાં મોજશોખ છોડી આકરી મહેનત કરીને તે રમવા લાગી. તેની ઉંમર 28 વર્ષની થઈ ત્યારે ચીનનો ઊંચામાં ઊંચો એક પુરુષ પણ આ કમિશને જ શોધી આપ્યો અને તેણીને કહ્યું કે, તું આની સાથે લગ્ન કર, આપણા દેશ માટે. તેણે લગ્ન કર્યા અને 12 સપ્ટેમ્બર 1980 નાં દિવસે ચીનમાં એક અસાધારણ બાળકનો જન્મ થયો. જેનું નામ હતું યાઓ મીંગ (Yao ming). જન્મ સમયે તેના શરીરનું બંધારણ અને વજન જોઈ સૌ આશ્ચર્યચક્તિ થઈ ગયા. તે પળે સ્પોર્ટ કમિશનના વડા કહે, આ બાળકની અમે વર્ષોથી રાહ જોતા હતા. તે યાઓ મીંગે ચીનમાં રમાયેલ ઓલિમ્પિકમાં ચીનનું પ્રતિનિધિત્વ કર્યું હતું. ખરેખર, આને કહેવાય VISION નું પરિણામ.
અમેરિકન લેખક અને ઉદ્યોગપતિ જેક વેલ્ચ કહે છે, Good leaders create a VISION, articulate the VISION, passionately own the VISION, and relentlessly drive it to completion.અર્થાત સારા નેતાઓ એક વિઝન બનાવે છે, વિઝનને સ્પષ્ટ કરે છે, ઉત્સાહપૂર્વક વિઝનના માલિક છે, અને તેને સતત પૂર્ણ કરવા પ્રેરે છે. ખરેખર, વ્યક્તિ માત્રએ જોયેલું VISION તેને સફળતા સુધી પહોંચવાનો માર્ગ બતાવે છે.
બી.એ.પી.એસ. સંસ્થાના આધ્યાત્મિક વડા પ.પૂ. પ્રમુખસ્વામી મહારાજના મનમાં પણ ભારતીય સનાતન સંસ્કૃતિની પ્રતિકૃતિ સમાન દિલ્લી અક્ષરધામ માટે VISION દૃઢ હતું. તેના પરિણામે સેવાનો એવો જુવાળ ઉપડ્યો કે મોટા મોટા બાંધકામ ક્ષેત્રના માંધાતાઓ પણ બોલી ઊઠ્યા કે ’જે કામ પૂરું કરતાં પચાસ વર્ષ લાગે તે અશક્ય કાર્ય પ્રમુખસ્વામી મહારાજે પાંચ વર્ષમાં પૂર્ણ કર્યું.’ સાંપ્રત સમયે આ અક્ષરધામ વિશ્વના લોકોને ભારતીય સંસ્કૃતિનો પરિચય તો આપે જ છે પણ સાથે જીવન જીવવાની પ્રેરણા પણ આપે છે.
એટલે, કોઈપણ કાર્ય માટે જ્યારે VISION બાંધવામાં આવે છે, ત્યારે આપણને આપણી સુષુપ્ત શક્તિનો પરિચય થાય છે, જે આપણી સિદ્ધિનું મુખ્ય ચાલકબળ હોય છે. તેથી સંકલ્પને સાકારત્વ સત્વરે પ્રાપ્ત થાય છે.
માટે યુવાને પોતાની યુવાનીના ટૂંકા ગાળામાં જ સંકલ્પસિદ્ધિનું મિશન પાર પાડવાનું છે અને તેના માટે VISION નિશ્ચિત કરવાનું છે. જો એમાં મોડું થશે તો જીવનનું મૂરત ચૂકી જવાશે. ભરતીની તક લઈને ખલાસી પાણીમાં હોડી તરતી મૂકે છે પરંતુ એક ભરતી ચૂક્યો તો પૂરા ચોવીસ કલાકની રાહ જોવી પડે છે. અવકાશ વૈજ્ઞાનિકો નક્ષત્રોનો યોગ જોઈને યાનને અંતરીક્ષમાં વહેતું મૂકે છે. જો તેઓ આ યોગ ચૂકે તો મહિનાઓ ને વર્ષો સુધી આવો બીજો યોગ ન આવે. તેમ યુવાનોએ પણ યુવાન અવસ્થાના આ યોગમાં વિઝન સ્પષ્ટ કરી પાર પાડી દેવું જોઈએ.
જો તેઓ આ યુવાન અવસ્થા ચૂક્યા, તો આખી જિંદગી ફરી ક્યારે આ યોગ નહીં મળે. એટલે જ તો સ્વામી વિવેકાનંદ કહેતાં, ઊભા થાઓ, હિંમત ધરો, મજબૂત બનો. તમારા પર પૂરેપૂરી જવાબદારી લો અને તમારા ભાગ્યના સ્રષ્ટા તમે જ છો એમ જાણો. ઉઠો, જાગો અને ધ્યેય પ્રાપ્તિ સુધી મંડ્યા રહો.”માટે નક્કી આપણે જ કરવું રહ્યું કે મારે મારુ મિશન પાર પાડવું છે કે પછી અન્ય વ્યક્તિઓની જેમ જીવન વેડફી નાખવું છે.