બાઇક સાઇડમાં લેવા જેવી સામાન્ય બાબતે ઓડી કારમાં ફરતા મોરબી એલસીબી પીઆઇનો પીતો ગયો: બેરહેમીથી માર મારી જયાં ફરિયાદ કરવી હોય ત્યાં કરવા ધમકી દીધી

શહેરના રૈયા રોડ પર આવેલા હનુમાન મઢી શિવનગરમાં રહેતા માલધારી સમાજના આગેવાનના પુત્રને બાઇક સાઇડમાં લેવા જેવી સામાન્ય બાબત મોરબી એલસીબી પીઆઇ વિશુભા જાડેજાએ લાકડીથી બેરહેમીથી ફટકાર્યા બાદ લાજવાના બદલે ગાજેલા પીઆઇ જાડેજાએ જયાં ફરિયાદ કરવી હોય ત્યાં કરવા અંગે સગીર વિદ્યાર્થીના પિતાને ધમકી દેતા સનસનાટી મચી ગઇ છે. ઘવાયેલા સગીર વિદ્યાર્થીને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરાયા બાદ ફરિયાદ ન થાય તે માટે પોલીસ દ્વારા હવાતિયા મારવામાનું શરૂ કરાયું છે.

આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ હનુમાન મઢી પાસે શિવનગરમાં રહેતા નવઘણ જીતુભાઇ કાટોડીયા નામના ૧૭ વર્ષના ભરવાડ સગીર બાઇક પર મોદી સ્કૂલે ગયો હતો ત્યારે સૌરાષ્ટ્ર કલા કેન્દ્ર પાસે ઉભો હતો ત્યારે ઓડી કારમાં પસાર થઇ રહેલા પીઆઇ વિશુભા જાડેજાએ બાઇક સાઇડમાં લેવાનું કહેતા બંને વચ્ચે બોલાચાલી થતા કારમાંથી લાકડી કાઢી નવઘણ પર તૂટી પડયા હતા.

નવઘણ પર હુમલો થયાની તેના પિતા જીતુભાઇ કાટોડીયાને જાણ થતા તેઓ ગાંધીગ્રામ પોલીસ મથકે ફરિયાદ માટે પોતાના પુત્ર નવઘણ સાથે ગયા ત્યાં વિશુભા જાડેજા ગાંધીગ્રામ પોલીસ મથકના પીઆઇની ચેમ્બરમાં હાજર હોવાથી તેને પોતાના પુત્ર નવઘણને શા માટે લાકડીથી માર માર્યો તેમ કહેતા જીતુભાઇ કાટોડીયા સાથે જેમ ફાવે તેમ બોલી ઉશ્કેરાતા પોતે ભાજપના માલધારી સેલના આગેવાન હોવાનું અને ઉચ્ચ કક્ષાએ ફરિયાદ કરવાનું કહેતા પોલીસ મથકેથી કાઢી મુકવા વિશુભા જાડેજા ત્રાડુકયા હતા અને જયાં ફરિયાદ કરવી હોય ત્યાં ફરિયાદ કરવા ધમકાવ્યા હતા.

જીતુભાઇ કાટોડીયાએ પોતાના પુત્ર નવઘણ પર મોરબી એલસીબી પીઆઇ વિશુભા જાડેજાએ લાકડીથી હુમલો કર્યા અંગેની ભાજપના આગેવાનોને જાણ કર્યા બાદ સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાયો છે. જીતુભાઇ કાટોડીયા પોલીસમાં ફરિયાદ કરી પીઆઇ વિશુભા જાડેજાને કાયદાના પાઠ ભણાવી કાયદાની મર્યાદા સમજાવવા મક્કમ હોવાથી તેઓ સાથે સમાધાન માટે વિશુભા જાડેજા દ્વારા ભરવાડ સમાજના આગેવાનોનો સંપર્ક કરી પ્રયાસ શરૂ કર્યાનું જાણવા મળે છે. જીતુભાઇ કાટોડીયા માલધારી સમાજ સાથે પોલીસ કમિશનર મનોજ અગ્રવાલને રજૂઆત કરવા જવાના હોવાનું નઅબતકથ સાથેની વાતચીતમાં જણાવ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.