મોટાભાગની કોલેજોમાં પૂરતા ફિઝીયોથેરાપિસ્ટ પણ નથી છતાં ૧૫મી જુલાઈ સુધીમાં તપાસ પૂર્ણ કરવા આદેશ…

ત્રણ-ચાર વર્ષ પહેલા રાજ્યમાં ફિઝિયોથેરાપી કોલેજોની સંખ્યા આશરે ૧૫થી ૨૦ હતી જ્યારે હવે તે વધીને લગભગ ૬૦ જેટલી થઈ છે. બિલાડીના ટોપની જેમ ખૂલેલી આ કોલેજોના કારણે ફિઝિયોથેરાપિસ્ટનું સ્તર કથળતું ગયું છે. ફિઝિયોથેરાપી કોલેજોને મંજૂરી આપ્યા બાદ રાજ્ય સરકાર તેની તરફ ધ્યાન આપતી નથી તે વાસ્તવિક સ્થિતિ છે. રાજ્યની ૨૦ જેટલી ફિઝિયોથેરાપી કોલેજોના ઈન્સ્પેક્શન માટે પહેલી જુલાઈના દિવસે મેડિકલ એજ્યુકેશન દ્વારા ઓર્ડર કરવામાં આવ્યો છે. કોલેજોમાં ડેફિશિયન્સિ જણાય તો રિ-ઈન્સ્પેક્શન કરવાના પણ આદેશ કરવામાં આવ્યો છે. ફિઝિયોથેરાપી કોલેજોના ઈન્સ્પેક્શનની જવાબદારી બી.જે.મેડિકલ કોલેજ પાસે છે ત્યારે બી.જે.મેડિકલ કોલેજના ઈન્સ્પેક્ટર જે તે ફિઝિયોથેરાપી કોલેજમાં ઈન્સ્પેકશન કરવાનું છે તેમાં ફોન કરી પહેલેથી જાણ કરી રહ્યા હોવાનું ધ્યાને આવ્યું છે.

ઓર્ડરમાં કેટલીક ફિઝિયોથેરાપી કોલેજના ઈન્સ્પેક્શન અને કેટલીકમાં રિ-ઈન્સ્પેક્શન કરવાનું જણાવાયું છે. આ તમામ કોલેજના ઈન્સ્પેક્શનના રિપોર્ટ એક અઠવાડિયાની અંદર સરકારમાં જમા કરવા આદેશ કરાયો છે. મોટા ભાગની કોલેજમાં ઈન્ફ્રાસ્ટ્રક્ચરલ અથવા ફેકલ્ટિ ડેફિશિયન્સી જોવા મળતી હોય છે તેની આપુર્તિ કરવા જે તે કોલેજને સમય આપવો પડતો હોય છે ત્યારે સરકારે જ આ ઈન્સ્પેક્શનની પ્રક્રિયા એક અઠવાડિયામાં પુરી કરવા કેમ આદેશ કર્યો હશે તે સમજાતું નથી. ૧૫ જુલાઈ સુધીમાં ફિઝિયોથેરાપી કોલેજોમાં પ્રવેશ પ્રક્રિયા શરૂ થવાની છે ત્યારે સરકાર દ્વારા છેલ્લી ઘડીને કોલેજોના ઈન્સ્પેકશન માટેનો નિર્ણય કર્યો હોવાની ચર્ચા છે.

આ ઈન્સ્પેક્શન ચાર મહિના પહેલા થવું જોઈતું હતું તેના બદલે હવે પ્રવેશ પ્રક્રિયાના ૧૫ દિવસ પહેલા કરવામાં આવી રહ્યુ છે. આવી પરિસ્થિતિમાં કોલેજોને ડેફિશિયન્સિ દૂર કરવા સમય નહીં મળે અને રિન્યુઅલ મળી જશે.મેડિકલ કાઉન્સિલ ઓફ ઈન્ડિયાની ગાઈડલાઈન મુજબ કોલેજના ઈન્સ્પેક્શન હાઈલી કોન્ફિડેન્શિયલ હોય છે, પરંતુ ફિઝિયોથેરાપી કોલેજોને એમસીઆઈ સાથે કોઈ ખાસ લેવા-દેવા નહીં હોવાને કારણે મેડિકલ એજ્યુકેશન ડિપાર્ટમેન્ટ પોતાની મન મરજી પ્રમાણે નિયમો ઘડી કાઢતા હોવાનું સામે આવે છે. ઈન્સ્પેક્શન દરમિયાન કોલેજોમાં ભુતિયા ફિઝિયોથેરાપિસ્ટને એક-બે દિવસ માટે નિમણૂંક આપી દેવામાં આવે છે. નિયમ મુજબ ઈન્સ્પેક્ટર ફિઝિયોથેરાપિસ્ટની પગાર સ્લિપ અથવા બેંક ખાતાની વિગતો માંગી શકે છે, પરંતુ ઈન્સપેક્શનના અધિકારીઓ આવી કોઈ વિગતો પુછતા નથી અને આંખ આડા કાન કરી કોલેજોને રિન્યુઅલ સર્ટિફિકેટ આપી દેતા હોય છે. કોલેજોમાં ફિઝિયોથેરાપિસ્ટ નહીં હોવાને કારણે વિદ્યાર્થીઓ શરીર વિજ્ઞાનના પાયાના એનોટોમી અને ફિઝિયોલોજી જેવા વિષયો ભણી શકતા નથી. આમ વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે ચેડા થઈ રહ્યા છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.