પ્રથમ વર્ષના વિદ્યાર્થીઓ માટે ઓરીએનટેશન, યુજી-પીજીના છાત્રો માટે સાયન્સ ક્લબની શરૂઆત અને વિજ્ઞાન આરોહણ સિરીઝની શરૂઆત કરતું ફિઝીક્સ ડીપાર્ટમેન્ટ: ટીમ ફિઝીક્સ મારફત વિદ્યાર્થીલક્ષી પ્રકલ્પો શરૂ કરાયા: 200થી વધુ વિદ્યાર્થીઓ જોડાયા
ભૌતિકશાસ્ત્ર ભવન, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી મારફત એમ.એસ.સી. ફિઝીક્સનાં છાત્રો અને વિજ્ઞાનનાં વિવિધ વિષયોનાં છાત્રો સાથે જ્ઞાનનાં આદાન-પ્રદાન થકી રોજગારી અને સર્વાંગી વિકાસ થાય તે માટે ત્રિવેણી કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ. જેમાં એમ.એસ.સી. ફિઝીક્સ પ્રથમ વર્ષમાં એડમીશન મેળવનાર છાત્રોનું હિન્દુ સંસ્કૃતિ મુજબ ફિઝીક્સનાં સિનીયર છાત્રો મારફત કુમકુમ તિલક અને ફૂલની રંગોળી મારફત સ્વાગત કરાયેલ.
આ ત્રિવેણી કાર્યક્રમમાં ફિઝીક્સ ભવનનાં સંશોધન અને અભ્યાસ તથા સંશોધનીય લેબોરેટરી તથા રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય પ્રકલ્પો અને કોલોબ્રેશન અંગે પ્રથમ વર્ષનાં નવા પ્રવેશ લેનાર છાત્રોને માહિતગાર કરવા “એરોએનટેશન પ્રોગ્રામ” સાયન્સ ક્લબની શરૂઆત, “વિજ્ઞાન આરોહણ સિરીઝ” શરૂઆત વગેરે બે ટેકનીકલ સેશનમાં કાર્યશાળાનું આયોજન કરાયેલ. કાર્યશાળાનાં ઉદ્દઘાટન સત્રમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનાં કુલપતિ પ્રો. ગિરીશભાઈ ભીમાણી, સૌરાષ્ટ્ર પ્રાંત પ્રચાર પ્રમુખ આર.એસ.એસ.નાં પંકજભાઈ રાવલ, ટેકનોલોજીનાં જાણીતાં તજજ્ઞ અને જી.ટી.યુ.ના પૂર્વ એસોસીએટ ડીન ડો.દિલીપભાઈ આહીર, ભવનનાં વડા ડો.નિકેશભાઈ શાહ, ડો. કૃણાલભાઈ મોદી, ફિઝીક્સનાં તમામ પ્રાધ્યાપકો, સંશોધકો અને 200 જેટલાં છાત્રો જોડાયા હતાં.
સ્વાગત પ્રવચન કરતાં ભૌતિકશાસ્ત્ર ભવનનાં અધ્યક્ષ ડો.નિકેશભાઈ શાહે ભવનની 1979નાં સ્થાપનાકાળથી અત્યાર સુધીમાં ભવનનાં પૂર્વ વડાઓ અને અધ્યાપકોની ટીમ મારફત ફિઝીક્સ ભવનને માત્ર દેશમાં નહીં વિશ્ર્વમાં ગૌરવવંતુ સ્થાન અપાવવામાં જે પરિશ્રમ કરેલ છે. તેની માહિતી આપતા જણાવેલ કે ફિઝીક્સ ભવન સ્પેશિયલ આસીસ્ટન્ટ પ્રોગ્રામ (યુ.જી.સી. સેપ ફેઈઝ-3), ભારત સરકારનાં ડી.એસ.ટી. ફિસ્ટ પ્રોગ્રામ લેવલ-1 અને 2 સફળતાપૂર્વક પૂર્ણ કરનાર અને રાષ્ટ્રીય કક્ષાએ 7 કરોડ જેટલી ગ્રાંટ અને પ્રતિષ્ઠા પ્રાપ્ત કરનાર રાજ્યનું એકમાત્ર ભવન છે. તેની સાથે 40 થી વધુ સંશોધન પ્રકલ્પો મારફત 10 કરોડ જેટલું અનુદાન જુદી-જુદી રાષ્ટ્રીય સંશોધન સંસ્થાનો ઈસરો, ડીએસ.ટી., એટોમિક એનર્જી, આઈ.યુ.એસ.સી., ગુજકોસ્ટ, યુ.જી.સી. સી.એસ.આર. વગેરેમાંથી અધ્યાપકો અને છાત્રોનાં અથાગ પરિશ્રમથી મેળવેલ છે.
ભૌતિકશાસ્ત્ર ભવનમાં અભ્યાસ સાથે જોડાયેલા છાત્રોને માત્ર ફિઝીક્સનાં વિષયો જ નહીં પરંતુ વિજ્ઞાનનાં જુદાં-જુદાં વિષયોમાં તજજ્ઞતા મળે અને ભવિષ્યમાં સુવર્ણ કારર્કિદીનું નિર્માણ થાય તેવા શુભ હેતુથી ભવનનાં છાત્રો મારફત જ આયોજિત જ્ઞાનનાં આદાન-પ્રદાનની પાઠશાળા “વિજ્ઞાન આરોહણ સિરીઝ” શરૂઆત કરાયેલ છે. જેમાં પ્રથમ મણકામાં “આઈ એમ ઓલવેઈઝ ઓનલાઈન” સૂત્રથી ટેકનોલોજીનો ઉપયોગ કરતાં યુવાનોને આ ટેકનોલોજી અને સોશ્યલ મિડીયાનો ઉપયોગ અસરકારક રીતે કેવી રીતે કરી શકાય? તે માટે ડો. દિલીપભાઈ આહિરનાં પ્રાયોગિક સભર કાર્યશાળાનું આયોજન કરાયેલ છે. વિજ્ઞાન વિદ્યાશાખાનાં ડીન અને યુનિવર્સિટીનાં કુલપતિ પ્રો. ગીરીશભાઈ ભીમાણીએ જણાવેલ કે ફિઝીક્સ ભવનનાં સ્થાપનાકાળથી પ્રથમ ભવનનાં વડા વૈજ્ઞાનિક પ્રો. આર.જી. કુલકર્ણી સાહેબથી ભવનની વિકાસયાત્રાનો સાક્ષી રહેલ છું.
ફિઝીક્સ ભવન, સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની સંશોધન કાર્ય રાષ્ટ્રીય તેમજ આંતરરાષ્ટ્રીય સ્તરે નોંધપાત્ર રહેલ છે. ભારત દેશની ટોચની સંશોધન સંસ્થાનો ઈસરો, ટી.આઈ.એફ.આર., ભાભા એટોમિક રિસર્ચ સેન્ટર, પી.આર.એલ., આઈ.વી.આર. વગેરે તમામ સંસ્થાઓમાં ફિઝીક્સ ભવન, સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનાં એલ્યુમિની વૈજ્ઞાનિક તરીકે ગોઠવાયેલા છે. જે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનું રાષ્ટ્રને પ્રદાન છે અને પ્રો. ભીમાણી એ જણાવેલ કે, ફિઝીક્સ ભવન સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનું “કોહીનૂર ભવન” છે.
સૌરાષ્ટ્ર પ્રાંત પ્રચાર પ્રમુખ પંકજભાઈ રાવલે જણાવેલ કે રાષ્ટ્રીય શિક્ષા નીતિનાં અમલીકરણનાં સમયમાં ઈન્ટરડીસીપ્લીનરી અને મલ્ટીડીસીપ્લીનરી વિષયોની ખૂબ જ મહત્વની અગત્યતા છે. ત્યારે તેમને ઉદાહરણ સાથે જણાવેલ કે ડિજીટલ યુગમાં ઈન્ફોર્મેશન ટેકનોલોજીનો ઉપયોગ કરી પ્રેઝન્ટેશન મારફત વિનીમય શાખાનું કોમ્યુનિકેશન સરળ બન્યું છે ત્યારે ફિઝીક્સ ભવને “વિજ્ઞાન આરોહણ શ્રેણી” શરૂઆત કરી તે અભિનંદનીય અને ઐતિહાસિક પગલું છે.