સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં અધ્યાપકો-કર્મચારીઓને ૩૧ માર્ચ સુધી બાયોમેટ્રિક હાજરીમાંથી મુક્તિ
કાલે શિક્ષણમંત્રીની અધ્યક્ષતામાં રાજ્યની તમામ યુનિવર્સિટીના કુલપતિઓની મિટિંગ મળશે
ભારત સહિત વિશ્વભરમાં કોરોના વાયરસે અનેક લોકોનો ભોગ લીધો છે ત્યારે આ વાઇરસ વધુ ના ફેલાય અને સાવચેતીના ભાગરૂપે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં સોમવારે યોજાનાર ભૌતિક શાસ્ત્ર ભવનનો વર્કશોપ અને ૨૦મીએ યોજાનાર હિન્દી ભવનનો સેમીનાર હાલ પૂરતો મોકૂફ રાખવામાં આવ્યો છે. અને સરકારના પરિપત્ર મુજબ આગામી તા.૩૧ માર્ચ સુધી એકપણ કાર્યક્રમ ન યોજવા આદેશ કરવામાં આવ્યો છે.
ઉલ્લેખનીય છે કે, કોરોના વાયરસે દેશભરમાં ઓહાપો મચાવ્યો છે. દેશના ૧૧ રાજ્યોમાં ૨૧મી માર્ચ સુધી શાળા કોલેજમાં રજા જાહેર કરવામાં આવી છે ત્યારે કોરોના વાયરસને લીધે ગુજરાત રાજ્યમાં સાવચેતીના ભાગરૂપે યુનિવર્સિટી અને કોલેજના કાર્યક્રમો હાલ પૂરતા મોકૂફ રાખવામાં આવ્યા છે. આગામી તા.૧૬ માર્ચના રોજ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ભૌતિકશાસ્ત્ર ભવનમાં ૩ દીવસનો વૈજ્ઞાનીક વર્કશોપ અને હિન્દી ભવનમાં ૨૦મીએ એક સેમીનાર યોજાવાનો હતો જે કોરોના વાયરસને પગલે હાલ પૂરતો રદ કરવામાં આવ્યો છે.
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિ ડો.નીતિન પેથાણીએ અબતક સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, કોરોના વાયરસને પગલે સરકારના પરિપત્ર મુજબ યુનિવર્સિટીમાં અધ્યાપકો-કર્મચારીઓને ૩૧ માર્ચ સુધી બાયોમેટ્રિક હાજરીમાંથી મુક્તિ આપવામાં આવી છે ઉપરાંત ૩૧માર્ચ સુધી સૌરાષ્ટ્ર યુનિવર્સિટી અને સંલગ્ન કોલેજમાં કોઈ જ કાર્યક્રમ યોજવામાં નહીં આવે અને આવતીકાલે કેસીજી ખાતે શિક્ષણમંત્રીના અધ્યક્ષ સ્થાને રાજ્યની તમામ સરકારી યુનિવર્સિટીના કુલપતિઓની બેઠક મળનાર છે અને ત્યારબાદ આગામી કઈ રીતે વ્યવસ્થા કરવી તે નક્કી કરવામાં આવશે.