ગુજરાત સરકારે સ્ટેમ્પ વેચાણનાં નિયમોમાં કરેલા સુધારા મુજબ આગામી તા.૧લી ઓકટોબર ૨૦૧૯થી સમગ્ર ગુજરાતમાં નોન જયુડીશીયલ ફિઝીકલ સ્ટેમ્પ પેપરનો ઉપયોગ અને વેચાણ બંધ કરવાનો નિર્ણય કર્યો છે. આ સંદર્ભે જાહેર જનતાને તેઓનાં અલગ-અલગ પ્રકારનાં લેખો ઉપર વાપરવામાં આવતા જરૂરી સ્ટેમ્પ મેળવવા મુશ્કેલી કે અવગડતા ન પડે તે માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે અને નાના અરજદારોને રોજબરોજનાં કામમાં મુશ્કેલી ન પડે તે માટે ૫૦૦થી ઓછી કિંમતનાં ફિઝીકલ સ્ટેમ્પ પેપર ૩૧મી ડિસેમ્બર ૨૦૧૯ સુધી માન્ય રાખવાનો નિર્ણય કરાયો છે.
મળતી માહિતી મુજબ ફિઝીકલ નોન જયુડીશીયલ સ્ટેમ્પનું ૧લી ઓકટોબરથી વેચાણ બંધ થતા જાહેર જનતાને તેઓનાં અલગ-અલગ પ્રકારનાં લેખો ઉપર વાપરવામાં આવતા જરૂરી સ્ટેમ્પ મેળવવા મુશ્કેલી કે અવગડતા ન પડે તે માટે જુદા-જુદા જિલ્લાઓમાં ઈ-સ્ટેમ્પીંગ કેન્દ્રો તેમજ ઘણી ખરી બેંકોમાં ફ્રેન્કીંગની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે.
સોગંદનામું, કરાર સહિતનાં વ્યવહારો કે જેમાં ૫૦૦ રૂપિયાથી ઓછી રકમની જરૂરીયાત પડે છે તેમાં ડિસેમ્બર સુધી ફિઝીકલ સ્ટેમ્પનો ઉપયોગ કરી શકાશે. જયારે મિલકતનાં દસ્તાવેજ સહિતનાં વ્યવહારો કે જેમાં ૫૦૦ રૂપિયાથી વધુની કિંમતનાં સ્ટેમ્પનો ઉપયોગ થાય છે તેમાં ૧લી ઓકટોબર બાદ ઈ-સ્ટેમ્પીંગ કે ફ્રેન્કીંગનો ઉપયોગ જ કરી શકાશે. આ માટે સરકારે હાલનાં સ્ટેમ્પ વેન્ડરો ઉપરાંત નોટરી, સીએ, કંપની સેક્રેટરી સહિતનાં વ્યવસાયિકોને ઈ-સ્ટેમ્પીંગનાં લાયસન્સ આપવાી પ્રક્રિયા હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે, ૧લી ઓકટોબરથી તમામ ફિઝીકલ સ્ટેમ્પ પેપરનો ઉપયોગ બંધ કરવાની રાજય સરકારની જાહેરાત બાદ સ્ટેમ્પ વેન્ડરોનાં વિરોધ અને વિવિધ કક્ષાએથી થયેલી રજુઆતનાં પગલે નાના અરજદારોને મુશ્કેલી ન પડે તે માટે ૫૦૦થી ઓછી કિંમતનાં ફિઝીકલ સ્ટેમ્પ પેપર ૩૧મી ડિસેમ્બર ૨૦૧૯ માન્ય રાખવાનો સરકારે નિર્ણય કર્યો છે.