રાષ્ટ્રીય બાળ સુરક્ષા કાર્યક્રમ હેઠળ વિંછીયાની રેશમાનું રૂ. 7 લાખથી વધુની રકમનું હ્રદયરોદગનું ઓપરેશન નિ:શુલ્ક કરાયુ
રાષ્ટ્રીય બાળ સુરક્ષા કાર્યક્રમ(આર.બી.એસ.કે.)હેઠળ અનેક બાળકોને નિ:શુલ્ક સારવાર થકી નવજીવન મળી રહ્યું છે. રાજકોટ જિલ્લામાં આ કાર્યક્રમ હેઠળ કાર્યરત ટીમો દ્વારા જિલ્લાના બાળકોનું આરોગ્ય પરીક્ષણ કરી તેમને વિનામૂલ્યે સારવારનો સેવાયજ્ઞ આદરવામાં આવ્યો છે.
રાજયના બાળકોને શારીરિક રીતે સક્ષમ બનાવવા માટે રાજ્ય સરકાર દ્વારા વિવિધ યોજનાઓ કાર્યરત છે, જેમાં રાષ્ટ્રીય બાળક સ્વાસ્થ્ય કાર્યક્રમ દ્રારા અનેક બાળકોને નવજીવન આપી વિના મૂલ્યે ખર્ચની કોઇ પણ મર્યાદા વગર આરોગ્યલક્ષી તમામ સુવિધાઓ સરકાર દ્વારા પુરી પાડવામાં આવે છે.આ કાર્યક્રમ અંતર્ગત રાજકોટ જિલ્લાના વિંછીયા તાલુકાના છાસિયા ગામની રેશ્માની હૃદયની ખામી દૂર થતાં મહેશભાઈ ચૌહાણ અને તેના પરિવારને તો જાણે પ્રભુએ સાથ આપ્યો હોય તેવી અનુભૂતિ થઈ છે.
રેશ્માનો જન્મ તા.13.03.2013ના રોજ થયો હતો. રેશ્માને જન્મથી જ હ્રદયરોગની ખામીને લીધે શ્વાસ લેવામાં તકલીફ થતી. “રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ” ટીમે છાસિયા ગામની પ્રાથમિક શાળામાં બાળકોનું તબીબી પરીક્ષણ કર્યું, જેમાં ડો. સાગર સાંબડ અને ડો. રિપલ વીરજાને રેશ્માના હૃદયમાં ખામી જણાતા તેને પી.ડી.યુ.હોસ્પિટલ, રાજકોટ ખાતે રીફર કરી, જયાં તજજ્ઞ ડોક્ટરની ટીમને હૃદય અને ફેફસામાં લોહી પરિભ્રમણની ખામી જણાતાં રેશ્માને વિનામુલ્યે સારવાર માટે રાજકોટ જિલ્લા પંચાયતની આરોગ્ય શાખા ખાતેથી સંદર્ભ કાર્ડ ભરી અમદાવાદની યુ.એન. મહેતા હોસ્પિટલ ખાતે રીફર કરાઇ હતી.
પરંતુ તેમને શાળા આરોગ્ય -આર.બી.એસ.કે. કાર્યક્રમ અંતર્ગત તમામ સારવાર અને સર્જરી સરકાર તરફથી મફત કરવામાં આવશે તેવી જાણકારી મળતાં તેમને હાશકારો થયો હતો. તા.20/03/2023 ના રોજ તજજ્ઞોની ટીમ દ્વારા સફળ સર્જરી કરવામાં આવી, ખાનગી હોસ્પિટલમાં થતુ 7,00,000 ( સાત લાખ) સુધીનું આ ઓપરેશન રાજ્ય સરકારના કાર્યક્રમ અંતર્ગત તદ્દન વિનામૂલ્યે કરવામાં આવ્યું. હાલ રેશ્મા એકદમ તંદુરસ્ત છે અને તેના માતા-પિતા ચિંતામુક્ત છે.
આ કાર્યક્રમ અંતર્ગત રાજકોટ જિલ્લામાં વર્ષે 4 લાખ અને દર માસ અંદાજે 30741 બાળકોનું સ્ક્રિનિંગ કરવામાં આવે છે. તેમાંથી તકલીફ ધરાવતા હોય તેવા બાળકોને સામાન્ય સારવાર જિલ્લા સ્તરે જ કરી આપવામાં આવે છે અને ગંભીર તકલીફો ધરાવતા બાળકોને અમદાવાદ યુ.એન.મહેતા હોસ્પિટલમાં રીફર કરવામાં આવે છે. રાજ્ય સરકાર દ્વારા આ બાળકોને તમામ સારવાર સંપૂર્ણ નિ:શુલ્ક આપવામાં આવે છે.