પદાધિકારીઓની ચેમ્બરમાંથી પણ લોકાર્પણ તથા ખાતમુહુર્તના રૂપાળા ફોટા હટાવી દેવાયાં: પદાધિકારીઓની ગાડીઓ પાર્કિંગમાં ‘મ્યાન’
ગુજરાત વિધાનસભાની ચૂંટણીની તારીખોનું એલાન થતાની સાથે જ રાજ્યભરમાં આદર્શ આચાર સંહિતા લાગૂ કરી દેવામાં આવી છે. જે અંતર્ગત કોર્પોરેશનના તમામ પદાધિકારીઓને ફાળવવામાં આવેલી સરકારી ગાડીઓ પાર્કિંગમાં જમા કરાવી દેવામાં આવી છે. આ ઉપરાંત કોર્પોરેશન કચેરીમાં અલગ-અલગ જગ્યાઓએ લગાવવામાં આવેલા વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી અને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલના ફોટાઓ પણ ઢાંકી દેવામાં આવ્યા છે. પદાધિકારીઓની ચેમ્બરમાં લોકાર્પણ અને ખાતમુહુર્તના જે રૂપકડાં ફોટા લગાવવામાં આવ્યા હતા તે પણ આચાર સંહિતાની અમલવારીની ભાગરૂપે હટાવી દેવામાં આવ્યા છે. જો કે, ભાજપ કાર્યાલયમાંથી વડાપ્રધાન-મુખ્યમંત્રીના ફોટા હટાવવામાં આવ્યા નથી.
કોર્પોરેશનમાં મોટાભાગના સ્ટાફને ચૂંટણીની ફરજ સોંપવામાં આવી હોવાના કારણે આજથી કચેરીમાં સન્નાટો જોવા મળી રહ્યો છે. બીજી તરફ અરજદારોની અવર-જવર પણ ઘટી જવા પામી છે. સેન્ટ્રલ ઝોન કચેરીમાં પદાધિકારીઓ જ્યાં બેસે છે તે બિલ્ડીંગમાં પ્રવેશ કરતાની સાથે જ જમણા હાથ તરફ વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી અને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલના વિશાળ ફોટા લગાવવામાં આવ્યા છે. જેના કાગળ લગાવી ઢાંકી દેવામાં આવ્યા છે. જ્યારે સ્ટેન્ડીંગ કમિટીના રૂમમાં પણ પીએમ અને સીએમના ફોટાને ઢાંકી દેવામાં આવ્યા છે. મેયર ડો.પ્રદિપ ડવ, ડે.મેયર ડો.દર્શિતાબેન શાહ અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પુષ્કરભાઇ પટેલની ચેમ્બરમાં કોર્પોરેશનના અલગ-અલગ પ્રોજેક્ટના લોકાર્પણ અને ખાતમુહુર્તના ફોટા લગાવવામાં આવ્યા હતા. જેમાં વડાપ્રધાન ઉપરાંત મુખ્યમંત્રી અને રાજ્ય સરકારના અલગ-અલગ વિભાગના મંત્રીઓના ફોટા હતા.
જે હટાવી દેવામાં આવ્યા છે. હોદ્ાની રૂએ પદાધિકારીઓને ફાળવવામાં આવેલી સરકારી ગાડીઓ પણ ગઇકાલથી જ પાર્કિંગમાં જમા કરાવી દેવામાં આવી છે. બીજી તરફ દબાણ હટાવ શાખા દ્વારા રાજમાર્ગો પરથી અલગ-અલગ રાજકીય પક્ષોની ઝંડીઓ અને બોર્ડ-બેનર હટાવી દેવાની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે. તંત્ર ચૂંટણીલક્ષી કામગીરીમાં જોતરાઇ ગયું છે. બીજી તરફ શાસકો પણ ચૂંટણીની કામગીરીમાં લાગી ગયા હોય તેવું લાગી રહ્યું છે. આજે મેયર, ડે.મેયર અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન કચેરી ખાતે આવ્યા ન હતા. જ્યારે શાસક પક્ષના નેતા થોડીવાર માટે કચેરીએ આવીને નીકળી ગયા હતા. દંડકની પણ મોડી એન્ટ્રી થવા પામી હતી. સામા પક્ષે અરજદારોમાં પણ ચૂંટણીની અસર દેખાવા લાગી હોય તેવું મહેસૂસ થઇ રહ્યું છે. સામાન્ય દિવસોમાં અરજદારોની સંખ્યા જેટલી રહે છે તેના કરતા આજે ઓછી સંખ્યા જોવા મળી હતી.