- મેયર, ડેપ્યૂટી મેયર અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનની ઓફિસ તથા કોન્ફરન્સ રૂમમાં પીએમ અને સીએમના ફોટા પર કપડા લગાવી દેવાયા: રાજકીય પક્ષોની ઝંડીઓ અને બેનર પણ ઉતારી લેવાયા
કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા ગત શનિવારે બપોરે લોકસભાની ચૂંટણીની તારીખ જાહેર કરાતાની સાથે જ દેશભરમાં આદર્શ આચાર સંહિતા અમલમાં આવી ગઇ છે. જેની અમલવારી માટે કોર્પોરેશન દ્વારા શહેરભરમાં રાજમાર્ગો પર લાગેલી રાજકીય પક્ષોની ઝંડીઓ, બેનરો અને હોર્ડિગ્સ ઉતારી લેવામાં આવ્યા હતા. કોર્પોરેશન કચેરીમાં વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી અને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલના ફોટાને કપડાથી ઢાંકી દેવામાં આવ્યા છે. પદાધિકારીઓની કચેરીઓમાંથી પણ લોકાર્પણ તથા ખાતમુહુર્તના ફોટાઓ હટાવી દેવામાં આવ્યા છે. તમામ પદાધિકારીઓએ સરકારી ગાડીઓ જમા કરાવી દીધી છે.
આચાર સંહિતા અમલમાં આવતાની સાથે જ કોર્પોરેશનની અલગ-અલગ શાખાઓ દ્વારા યુદ્વના ધોરણે કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. ગઇકાલે શહેરના અલગ-અલગ રાજમાર્ગો પરથી 2879 બોર્ડ-બેનરો, પોસ્ટર, ઝંડીઓ અને વોલ રાઇટીંગ હટાવી દેવામાં આવ્યા હતા. કોર્પોરેશન કચેરીમાં અલગ-અલગ સ્થળોએ વડાપ્રધાન અને મુખ્યમંત્રીના વિશાળ ફોટા અને કટઆઉટ મૂકવામાં આવ્યા છે. આચાર સંહિતાની અમલવારીના ભાગરૂપે આ ફોટાઓને કપડાથી ઢાંકી દેવામાં આવ્યા છે.
આજથી પદાધિકારીઓએ કોર્પોરેશન કચેરીએ પણ આવવાનું બંધ કરી દીધું છે. એકલ-દોકલ નગરસેવકોની હાજરી જોવા મળી હતી. પદાધિકારીઓએ શનિવારે બપોરે જ સરકારી ગાડી જમા કરાવી દીધી હતી. જ્યાં સુધી ચૂંટણીનું પરિણામ નહીં આવે ત્યાં સુધી આચાર સંહિતા અમલમાં રહેશે. આવામાં વિકાસ કામો પર બ્રેક લાગી જશે. ઇમરજન્સી હોય તેવા કામો કરી શકાશે. જો કોઇ કામ તાત્કાલીક અસરથી કરવાની ફરજ પડશે તો તેમાં ચૂંટણી પંચનું માર્ગદર્શન લેવામાં આવશે. આજથી જ કોર્પોરેશન કચેરીમાં ચૂંટણીલક્ષી માહોલ જોવા મળી રહ્યો છે.