અબતક, રાજકોટ : અસંતોષની આગ વચ્ચે પણ ભાજપે મંત્રી મંડળની રચનામાં નો-રિપીટ થિયરી જાળવી રાખી છે. રૂપાણી સરકારના તમામ પ્રધાનોને ઘરભેગા કરી દેવામાં આવ્યા છે. આજે બપોરે 1:30 કલાકે રાજભવન ખાતે યોજાનારી મંત્રી મંડળની શપથવિધિ માટે સવારથી હાઈ કમાન્ડ દ્વારા ધારાસભ્યોને મંત્રી પદે શપથ લેવા માટે ફોન કરવાનું શરૂ કરી દેવામાં આવ્યું છે. ગુજરાત પ્રદેશ ભાજપના પૂર્વ અધ્યક્ષ જીતુભાઈ વાઘાણીની મંત્રી મંડળમાં એન્ટ્રી થઈ છે. આ ઉપરાંત સૌરાષ્ટ્રમાંથી કિરીટસિંહ રાણા, અરવિંદભાઈ રૈયાણી, બ્રિજેશભાઈ મેરજા, રાઘવજીભાઈ પટેલ, દેવાભાઈ માલમ અને જે.વી.કાકડીયા સહિતના ધારાસભ્યોનો મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલની સરકારના મંત્રી મંડળમાં સમાવેશ કરવામાં આવ્યો છે.

ગુજરાતની નવી સરકારમાં ૨૦થી ૨૨ મંત્રી શપથ લેશે.જેમાં મંત્રી તરીકે પસંદ થયેલા ધારાસભ્યોને ફોન કરવાનું શરૂ કરવામાં આવ્યું છે.આજ રોજ આ ધારાસભ્યો શપથ ગ્રહણ કરશે.

  • હર્ષ સંઘવી, MLA, મજૂરા
  • નરેશ પટેલ, MLA, ગણદેવી
  • કિરિટસિંહ રાણાં, MLA, લિંબડી
  • અરવિંદ રૈયાણી, MLA,  રાજકોટ દક્ષિણ
  • કનુ દેસાઇ, MLA, પારડી
  • ઋષિકેશ પટેલ,MLA,  વિસનગર
  • બ્રિજેશ મેરજા, MLA, મોરબી
  • કિર્તી સિંહ વાઘેલા, MLA, કાંકરેજ
  • મુકેશ પટેલ, MLA, ઓલપાડ
  • આર.સી મકવાણાં, MLA, મહુવા
  • જીતુ ચૌધરી, MLA,  કપરાડા
  • રાઘવજી પટેલ,MLA,  જામનગર ગ્રામ્ય
  • જીતુ વાઘાણી, MLA,  ભાવનગર
  • મનીષા વકીલ, MLA,  વડોદરા શહેર
  • દેવાભાઇ માલમ, MLA,  કેશોદ
  • જેવી કાકડીયા, MLA,  ધારી
  • જગદીશ પંચાલ, MLA,  નિકોલ
  • ગજેન્દ્ર સિંહ પરમાર,MLA,  પ્રાંતીજ
  • પ્રદિપ પરમાર, MLA, અસારવા
  • નિમિષા સુથાર, MLA, મોરવાહડફ
  • નિમાબેન આચાર્ય, MLA ભુજ
  • રાજેન્દ્ર ત્રિવેદી, MLA, રાવપુરા
  • કુબેર ડિંડોર, MLA, સંતરામપુર

ગત શનિવારે ભાજપે ગુજરાતમાં નેતૃત્વ પરિવર્તન કરવાનો નિર્ણય લેતા વિજયભાઈ રૂપાણી પાસેથી મુખ્યમંત્રી પદેથી રાજીનામુ લઈ લીધુ હતું અને 24 કલાકથી પણ ઓછા સમયગાળામાં રાજ્યના નવા મુખ્યમંત્રી તરીકે ઘાટલોડીયા વિધાનસભાના બેઠકના ધારાસભ્ય ભુપેન્દ્રભાઈ પટેલની નિમણૂંક કરી હતી. તેઓએ ગત સોમવારે ગુજરાતના 17માં મુખ્યમંત્રી તરીકે શપથગ્રહણ ર્ક્યા હતા. જો કે, ત્યારે મંત્રી મંડળના સભ્યોના નામ નક્કી ન હોવાના કારણે માત્ર મુખ્યમંત્રીએ જ પદ અને ગોપનિયતાના શપથ લીધા હતા.

રૂપાણી સરકારમાં મંત્રી રહેલા તમામ મોટા માથાઓને નવા મંત્રી મંડળમાં રીપીટ ન કરવાનો નિર્ણય લેવામાં આવતા ગઈકાલે છેલ્લી ઘડીએ મંત્રી મંડળની શપથવિધિ કેન્સલ કરવામાં આવી હતી. દરમિયાન આખી રાત મંત્રી મંડળના ગઠન માટે બેઠકોનો ધમધમાટ ચાલ્યો હતો. આજે સવારથી ધારાસભ્યોને તમારે મંત્રી તરીકેના શપથ લેવાના છે તેવા ફોન કરવાનું હાઈ કમાન્ડ દ્વારા શરૂ કરી દેવામાં આવ્યું છે. અસંતોષની આગ વચ્ચે આજે બપોરે 1:30 કલાકે રાજભવન ખાતે યોજાનારી શપથવિધિ સમારોહમાં રાજ્યપાલ દેવવ્રત આચાર્ય 22 થી 25 ધારાસભ્યોને મંત્રી તરીકેના શપથ લેવડાવે તેવી સંભાવના જણાય રહી છે.

ભાવનગરના ધારાસભ્ય અને ગુજરાત પ્રદેશ ભાજપના પૂર્વ અધ્યક્ષ જીતુભાઈ વાઘાણી, લીંબડીના ધારાસભ્ય કિરીટસિંહ રાણા, કેશોદના ધારાસભ્ય દેવાભાઈ માલમ, રાજકોટ પૂર્વ વિધાનસભા બેઠકના ધારાસભ્ય અરવિંદભાઈ રૈયાણી, મહુવાના ધારાસભ્ય રાઘવજીભાઈ મકવાણા, જામનગરના ધારાસભ્ય રાઘવજીભાઈ પટેલ, મોરબીના ધારાસભ્ય બ્રિજેશભાઈ મેરજા અને ધારીના ધારાસભ્ય જે.વી.કાકડીયાને મંત્રી તરીકે શપથ લેવાના છે તેવી હાઈ કમાન્ડ દ્વારા સુચના આપી દેવામાં આવી છે. નવા મંત્રી મંડળમાં પણ સૌરાષ્ટ્રનો દબદબો રહે તેવી સંભાવના જણાય રહી છે.

આ ઉપરાંત પારડીના ધારાસભ્ય કનુભાઈ દેસાઈ, સુરતની મજૂરા બેઠકના ધારાસભ્ય હર્ષ સંઘવી, વડોદરાના ધારાસભ્ય મનિષા વકીલ, પ્રાંતિજના ધારાસભ્ય ગજેન્દ્રસિંહ પરમાર, ઓલપાડના ધારાસભ્ય મુકેશભાઈ પટેલ, કપરાડાના ધારાસભ્ય જીતુભાઈ ચૌધરી, ભરૂચના ધારાસભ્ય દુષ્યંતભાઈ પટેલ, સંતરામપુરના ધારાસભ્ય કુબેર ડિંડોર, નિકોલના ધારાસભ્ય જગદીશ પંચાલ, મોરવાહડફના ધારાસભ્ય નિમીષાબેન સુથાર, કાંકરેજના ધારાસભ્ય કિર્તીસિંહ વાઘેલા, વિસનગરના ધારાસભ્ય ઋષિકેશભાઈ પટેલનો મંત્રી મંડળમાં સમાવેશ કરવામાં આવ્યો છે. જેમ જેમ મંત્રી મંડળના સભ્યોના નામ ફાઈનલ થઈ રહ્યાં છે તેમ તેમ હાઈ કમાન્ડ દ્વારા તેઓને ફોન કરી જાણ કરવામાં આવી રહી છે.

વિધાનસભાના અધ્યક્ષ તરીકે રાજેન્દ્ર ત્રિવેદીએ આજે સવારે ઉપાધ્યક્ષને રાજીનામુ આપી દીધુ છે. તેઓને પણ કેબીનેટ મંત્રી બનાવવામાં આવે તેવી પ્રબળ સંભાવના જણાય રહી છે. ભુજના ધારાસભ્ય ડો.નિમાબેન આચાર્યને કાર્યકારી અધ્યક્ષ બનાવવામાં આવશે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.