17થી 19 માર્ચ દરમિયાન મેળો યોજવાની ડાકોર મંદિર સમિતિની જાહેરાત
અબતક, રાજકોટ
રાજ્યમાં કોરોનાના કેસમાં થઇ રહેલા સતત ઘટાડાના કારણે જ સરકાર દ્વારા મોટાભાગના નિયંત્રણો હટાવી લેવામાં આવ્યા છે. ધાર્મિક કાર્યક્રમોમાં જનમેદની એકત્રિત કરવામાં કોઇ નિયંત્રણ ન હોય બે વર્ષ બાદ ડાકોરમાં ફાગણી પૂનમનો મેળો યોજાશે તેવી જાહેરાત ડાકોર મંદિર સમિતિ દ્વારા લેવામાં આવ્યો છે. દરમિયાન મેળાના આયોજન માટે બેઠકમાં ધમધમાટ પણ શરૂ કરી દેવામાં આવ્યો છે.
આગામી 17 થી 19 માર્ચ દરમિયાન ડાકોરના જગવિખ્યાત રણછોડરાયજી મંદિરના સાંનિધ્યમાં ફાગણી પૂનમનો મેળો ધામધૂમથી ઉજવાશે તેવી જાહેરાત આજે ડાકોર મંદિર સમિતિ દ્વારા કરવામાં આવતા ભાવિકોમાં ખુશીની લાગણી વ્યાપી જવા પામી છે. મેળાના સુચારૂં આયોજન માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા બેઠકનો ધમધમાટ શરૂ કરી દેવામાં આવ્યો છે.
અત્રે ઉલ્લેખનીય છે કે છેલ્લા બે વર્ષથી વૈશ્ર્વિક મહામારી કોરોનાએ હાહાકાર મચાવ્યો હતો. જેના કારણે ડાકોરમાં પૂનમના મેળા સહિતના મોટાભાગના તમામ ધાર્મિક કાર્યક્રમો બંધ રહેતા હતા. હવે જ્યારે કોરોનાના કેસમાં મોટા પ્રમાણમાં ઘટાડો નોંધાયો છે ત્યારે રાજ્ય સરકાર દ્વારા પણ ગુજરાતને નિયંત્રણ મુક્ત કરી દેવામાં આવી છે. ત્યારે હવે અલગ-અલગ મંદિર અને સંસ્થાઓ દ્વારા ધાર્મિક કાર્યક્રમો યોજવાની જાહેરાત કરવામાં આવી રહી છે.