ડીઝલના ભાવ વધતા કિલોમીટર દીઠ ભાડા અને ડ્રાઇવરના પગાર વધારાની માંગ
ટંકારા : ડીઝલના ભાવમાં થયેલા ભાવ વધારાને પગલે મોરબી જિલ્લાના ટંકારા તાલુકાના પીજીવીસીએલ કચેરીના વાહન કોન્ટ્રાક્ટરો દ્વારા ભાવ વધારો અને ડ્રાઇવરના પગાર વધારાની માંગ સાથે અચોક્કસ મુદતની હડતાલ શરૂ કરી છે જેને પગલે ખાસ કરીને નાના – મોટા ફોલ્ટ સર્જાશે તો વિજગ્રાહકોને હાલાકી ભોગવવી પડશે.
ડીઝલના ભાવ વધારાને ધ્યાનમાં રાખીને પીજીવીસીએલમાં કોન્ટ્રાક્ટર તરીકે કામ કરતા લોકોએ આજે સવારથી જ ભાવ વધારો થાય તેવી માંગ ને વળગી હળતાળ પર ઉતરી ગયા છે.
થોડા દિવસ પહેલાં આ અંગે મોરબી કચેરીના મુખ્ય કોન્ટ્રાક્ટરને લેખીત રજુઆત કરી હતી અને માંગ નહીં સંતોષાય તો હળતાળ ની ચિમકી ઉચ્ચારી હતી જેથી આજે તમામ લાઈન કામ, મિટર ફિટીગં, ફોલ્ટ, ડિસકનેકશન સહીત તમામ ગાડીના પૈડાં થંભાવી કોન્ટ્રાક્ટરોએ અચોક્કસ મુદત માટે હળતાળ શરૂ કરી દીધી છે.
આ હડતાળમાં ટંકારા કચેરી ના જગાભાઈ, વી. કે. ઝાલા, ઈશ્વરભાઈ પટેલ સહીત ના તમામ કોન્ટ્રાક્ટરો જોડાયા છે અને ટંકારામાં હડતાળને પગલે જો કોઈ ખરાબી સર્જાઈ તો ગ્રાહકો માટે મુશ્કેલી વધી શકે તેમ હોવાની શક્યતા જોવાઇ રહી છે.