જિલ્લા અને શહેરમાં વિજચોરીના વધતા બનાવો સામે તંત્રની લાલ આંખ
સુરેન્દ્રનગર શહેર સહિત જિલ્લામાં છેલ્લા કેટલાક સમયથી વીજચોરીનું પ્રમાણ વધતુ જાય છે. વીજપોલ કે વીજલાઈનમાં લંગરીયા નાંખીને, વિજમીટર સાથે ચેડા કરીને વિજચોરી કરવામાં આવતી હોય છે. સુરેન્દ્રનગર જિલ્લામાં છેલ્લા 3 મહિનામાં વીજતંત્રની ટીમો દ્વારા આવી વિજચોરીનાં 543 જેટલા કેસ ઝડપી પાડીને રૂા.238.28 લાખનો દંડ ફટકાર્યો છે.
ઝાલાવાડ પંથકમાં કેટલાક વૈપારીક એકમો, ઔદ્યોગીક એકમો અને ઘરવપરાશનાં વિજકનેક્શનોમાં ચેડા કરીને વિજચોરી કરવાનું દુષણ વધી રહ્યુ છે. તેની સામે પ.ગુ. વિજ કંપની લી.ની વિવિધ ટીમો દ્વારા વીજચોરી અટકાવવા કડક ચેકીંગ અભિયાન હાથ કરવામાં આવે છે. સુરેન્દ્રનગર જિલ્લામાં છેલ્લા ત્રણ મહિનામાં એટલે કે સપ્ટેમ્બરથી નવેમ્બર 2022 દરમ્યાન ચેકિંગ ટુકડીઓએ વિવિધ તાલુકાઓનાં શહેરી અને ગ્રામ્ય વિસ્તારોમાં ચેકીંગ હાથ ધરીને 543 કેસમાં વિજચોરી ઝડપી પાડી હતી.