સ્માર્ટ મીટર લાગ્યા બાદ ગ્રાહકો ઈન્ટરનેટની જેમ રિચાર્જ કરી વીજળી મેળવી શકશે!
સૌરાષ્ટ્રના અંદાજિત 50 લાખથી વધુ કનેક્શનમાં સ્માર્ટ મીટર લગાવવામાં આવશે વીજ કંપનીમાં સ્ટાફનું ભારણ મોટા પ્રમાણમાં ઘટશે, મીટર રીડિંગ માટે નહીં જવું પડે, ચેકિંગ માટે નહીં જવું પડે અને બાકી લેણું ઉઘરાવવા પણ નહીં જવું પડે
મેનેજીંગ ડિરેક્ટર વરૂણકુમાર બરનવાલના આગવા વિઝન સાથે પીજીવીસીએલ હાઈટેક બનવાના પંથે, વધુમાં વધુ ટેક્નોલોજીનો વપરાશ કરી ગ્રાહકો અને કંપનીનું કામ સરળ બનાવવાના પ્રયાસ
પીજીવીસીએલ સ્માર્ટ મીટરથી ક્રાંતિ લાવવા સજ્જ થયું છે. મેનેજીંગ ડિરેક્ટર વરૂણકુમાર બરનવાલના આગવા વિઝન સાથે પીજીવીસીએલે હાઈટેક બનવાના પંથે પ્રયાણ શરૂ કરી દીધું છે. વધુમાં વધુ ટેક્નોલોજીનો વપરાશ કરી ગ્રાહકો અને કંપનીનું કામ સરળ બનાવવાના પ્રયાસ હાલ સફળતાની દિશામાં જઈ રહ્યા છે.
સૌરાષ્ટ્રના અંદાજિત 50 લાખથી વધુ કનેક્શનમાં સ્માર્ટ મીટર લગાવવામાં આવશે. આ સ્માર્ટ મીટરની કિંમત 8થી 10 હજાર રૂપિયા સુધીની છે, પરંતુ વીજ ગ્રાહકો પાસેથી આ ખર્ચ વસૂલવામાં નહીં આવે.
ગ્રાહક રોજિંદા વીજ વપરાશની વિગત મોબાઈલ એપ્લીકેશન અથવા વેબ પોર્ટલ ઉપરથી પ્રાપ્ત કરી શકશે. આથી, બિનજરૂરી વીજ વપરાશને નિયંત્રિત કરી ઊર્જા બચાવી શકાશે અને વીજ બીલ આપતી વેળાએ ગ્રાહકે ઘરે ઉપસ્થિત રહેવું પડતું નથી. ગ્રાહકને વીજ વિક્ષેપની જાણકારી અગાઉથી જ પ્રાપ્ત થઈ જશે. ગ્રાહક પોતાની જરૂરિયાત મુજબ વીજ જોડાણ હંગામી ધોરણે રદ કરાવી શકશે અને પુન:સ્થાપિત કરાવી શકશે. વીજ વિતરણ કંપની સ્માર્ટ મીટરથી ઓફીસમાં જ હાય અને લો વોલ્ટેજની માહિતી મેળવી શકશે. આથી, ગ્રાહકોને આવી ફરિયાદો કરવામાંથી મુક્તિ મળશે.
કેન્દ્ર સરકાર દ્વારા દરેક રાજ્યોમાં સ્માર્ટ મીટર લગાવવાની પહેલ કરવામાં આવી છે. જેમાં ગુજરાતમાં પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિમિટેડ અતંર્ગત આવતા સૌરાષ્ટ્ર અને કચ્છની પસંદગી કરવામાં આવી છે.
પ્રિપેડ મીટર આવ્યા બાદ ગ્રાહક 10 રૂપિયાનું રિચાર્જ કરાવી બે દિવસની વીજળી ચલાવાનો નીર્ણય કરી શકશે.સાથોસાથ મોબાઈલ મારફતે ગત 24 કલાકમાં કેટલી વીજળીનો ઉપયોગ કરવામાં આવ્યો છે. તેનું એપના માધ્યમ થકી અલગ અલગ ઉપકરણો કેટલી વીજળીનો વપરાશ લઈ રહ્યા છે તેની માહિતી મેળવી શકશે. સ્માર્ટ મીટરનું અમલીકરણ થતાં 2 રીતે વીજળીના રેટ આપવામાં આવશે જેમાં દિવસ અને રાત્રિના વીજળીના રેટ અલગ રહેશે. આગળ જતા ટેકનોલોજીનો મોટો લાભ તમામ ક્ધઝ્યુમરને મળી શકશે કંપનીને પણ ઘણા લાભો થશે જેમકે મીટર રીડિંગ બંધ થઈ જશે. પેમેન્ટ એડવાન્સમાં આવશે. કલેક્શન કરવા માટે માણસોને મોકલવાના બંધ કરવામાં આવશે જેથી ગ્રાહકોને કંપની બંનેને ફાયદો થશે.
સોલારમાં ઉત્પન્ન થયેલી વીજળી બાજુ વાળાને વેચી પણ શકાશે
સ્માર્ટ મીટર લાગ્યા બાદ ગ્રાહકોને અનેક સુવિધાઓ મળશે. લેટેસ્ટ સુવિધાઓમાં એક સોલાર લગાવેલા ગ્રાહકને બાજુવાળાને વીજળી વહેંચવી છે તો એ વ્યવસ્થા પણ આ સ્માર્ટ મીટર આવ્યા પછી થઈ શકે છે. જેનાથી ગ્રાહકોને ખૂબ ફાયદો થવાનો છે.
ગ્રાહકો એપમાંથી વીજ વપરાશનું સંપૂર્ણ એનાલિસિસ કરી શકશે
સ્માર્ટ મીટર લાગી ગયા બાદ ગ્રાહકને એક મોબાઈલ એપ્લિકેશનના માધ્યમથી વીજ વપરાશ અંગે જાણકારી મળતી રહેશે. ગ્રાહકો દર કલાકે, 6 કલાકે કે દરરોજ કેટલા યુનિટ વીજળી વપરાશ થયો તે મોબાઈલમાં જોઈ શકશે. આ ડેટા એનાલિસીસ કરીને કેટલો વપરાશ થયો છે તેની માહિતી જોઇ શકશે. જેથી આગામી દિવસોમાં જ્યારે ઓછો વપરાશ હોય અને વધારે વપરાશ હોય તે પ્રમાણે યુનિટના ભાવમાં ફેરફાર કરી શકાય છે.
વીજચોરીનો કોઈ અવકાશ જ નહીં રહે
ગ્રાહક વીજ મીટર સાથે ચેડા કરે તો તેની વીજ વિતરણ કંપનીને સીધી જાણ થઈ જાય છે. ગ્રાહક વીજ બીલ મળ્યા પહેલા જ વીજ બીલની ચુકવણી કરી શકે છે. ગ્રાહકના વીજ મીટરની સ્થિતિ જાણીને વીજ ફોલ્ટ શોધીને વધુ ઝડપી વિજ પ્રવાહ ચાલુ કરી શકશે. ગ્રાહકના દિવસ દરમિયાનના વીજભારની માહિતીના આધારે વીજ વિતરણ કંપની પોતાની વીજ વિતરણ ક્ષમતાને વધુ ઝડપી અને સારી રીતે સુધારી શકશે.
રાજકોટ જિલ્લાને રૂ.1009.42 કરોડની ફાળવણી
ભારત સરકારના વિદ્યુત મંત્રાલય દ્વારા શહેરી અને ગ્રામ્ય વિસ્તારોમાં વીજળી વિતરણ માળખાને સુદ્રઢ બનાવવા રિવેમ્પડ ડિસ્ટ્રિબ્યુશન સેક્ટર સ્કીમ મંજૂર કરવામાં આવી છે. જેનો હેતુ ગ્રાહકોને વિક્ષેપરહિત વીજ પુરવઠો પૂરો પાડવાનો તેમજ સ્માર્ટ મીટર દ્વારા ગ્રાહકોને ઉત્તમ સેવા પૂરી પાડવાનો છે. આ યોજના અંતર્ગત કેન્દ્ર સરકાર દ્વારા રાજકોટ જિલ્લામાં વિવિધ કામગીરી માટે કુલ રૂ.1009.42 કરોડ ફાળવવામાં આવ્યા છે.
પ્રથમ તબક્કામાં ગોંડલ-જસદણમાં લાગશે સ્માર્ટ મીટર
સ્માર્ટ મીટરથી ક્રાંતિ સર્જવા પીજીવીસીએલ સજ્જ છે. પ્રથમ તબક્કામાં રાજકોટ જિલ્લાના ગોંડલ-જસદણનો સમાવેશ કરવામાં આવ્યો છે. જ્યાં પીજીવીસીએલના જ ટ્રાન્સફોર્મરમાં સ્માર્ટ મીટર લગાવાશે. આ સ્માર્ટ મીટર મોબાઈલ એપ્લિકેશન મારફત ઓપરેટ કરી શકાશે. અને તેમાં મોબાઈલની જેમ રિચાર્જ કરી શકાશે.