પી.એમ. કુસુમ-સી યોજના હેઠળ 921 મેગાવોટ ક્ષમતાના સોલાર પ્લાન્ટ માટે ટેન્ડર પ્રસિધ્ધ
પીજીવીસીએલ વિસ્તાર હેઠળ આવતા 376 સબ સ્ટેશનોના ખેતીવાડી વીજ જોડાણોને આધારે 0.5 થી 12 મેગાવોટ ની ક્ષમતાનાં અલગ અલગ સોલાર પ્લાન્ટ
પીજીવીસીએલ દ્વારા કુસુમ યોજના હેઠળ 921 મેગાવોટ ક્ષમતાના સોલાર પ્લાન્ટ સ્થાપવા માટે ટેન્ડર બહાર પાડવામાં આવેલ છે. કેન્દ્ર સરકારના MNRE વિભાગ હેઠળ PM-KUSUM (પ્રધાનમંત્રી કિસાન ઉર્જા સુરક્ષા એવમ ઉત્થાન મહાઅભિયાન) યોજનાના કમ્પોનન્ટ – ઈ હેઠળ ફીડર લેવલ સોલરાઈઝેશન સ્કીમ હેઠળ ખેતીવાડી વીજ ગ્રાહકોનાં ફિડરોમાં સોલરાઈઝેશન માટે સબ સ્ટેશન લેવલે સોલાર પ્લાન્ટ સ્થાપવા માટેનું ટેન્ડર તાજેતરમાં બહાર પાડવામાં આવેલ છે.
આ ટેન્ડર હેઠળ પીજીવીસીએલ વિસ્તારનાં અલગ-અલગ 376 સબ સ્ટેશનો હેઠળ કુલ 921 મેગાવોટ ની ક્ષમતાના સોલાર પ્લાન્ટ સ્થાપવાનું આયોજન કરવામાં આવેલ છે. ટેન્ડર દરમ્યાન સ્થાપવાના થતાં સોલાર પ્લાન્ટોની કુલ અંદાજીત કિંમત આશરે 4300 કરોડ થવા પામે છે. 376 સબ સ્ટેશનોના ખેતીવાડી વીજ જોડાણોની ગણતરીને આધીન રહીને 0.5 થી 12 મેગાવોટની ક્ષમતાનાં અલગ અલગ સોલાર પ્લાન્ટ સ્થાપવા માટે આ ટેન્ડર અંતર્ગત ભાવ મંગાવવામાં આવેલ છે.
આ ટેન્ડરમાં કોઇપણ વ્યક્તિ, પ્રોપરાઈટરી કંપની, કકઙ, પાર્ટનરશીપ કંપની, પબ્લિક/પ્રાઇવેટ લીમીટેડ કંપની, એશોસિએશન, કોઓપરેટીવ, એફપીઓખેડૂત મંડળી, વોટર યુઝર એશોસિએશન, જોઈન્ટ વેન્ચર વગેરે ટેન્ડરની શરતોને આધીન રહીને ઓનલાઈન ટેન્ડર પ્રક્રિયા દ્વારા ભાગ લઇ શકે છે. યુનિટ દિઠ 25 વર્ષના કરાર આધારિત ઓછામાં ઓછા ભાવ ભરનારને ઈ-રીવર્સ ઓક્સન કરીને ટેન્ડરની શરતોને આધીન સોલાર પ્લાન્ટ સ્થાપવા માટેની મંજુરી આપવામાં આવશે. સોલાર પ્લાન્ટ સ્થાપનારને દર મેગા વોટ સોલાર પ્લાન્ટની ક્ષમતાના સ્થાપન દિઠ પ્લાન્ટની કામગીરી પૂર્ણ થયે મેગા વોટ દિઠ આશરે રૂ. 1.05 કરોડ સીએફએ સ્વરૂપે એમએનઆરઈ દ્વારા શરતોને આધીન રહીને આપવામાં આવશે.
સોલાર પ્લાન્ટ સ્થાપવાનું કામ આશરે 9 માસમાં ટેન્ડરની શરતો મુજબ પૂર્ણ કરવાનું રહેશે તથા આ કામગીરી થયે સૌર-ઉર્જાનો મહતમ ઉપયોગ ખેતીવાડીના વીજ ગ્રાહકો માટે કરી, ગ્રીન એનર્જીના ઉત્પાદન થકી ખેતીવાડીની વીજ જરૂરિયાત અર્થે સૌર-ઉર્જાનો ઉપયોગ કરી ગ્રીન એનર્જીનું ઉત્પાદન તથા ઉપયોગ માટેનું આયોજન પીજીવીસીએલ દ્વારા કરવામાં આવેલ છે.
સોલાર ટેન્ડરની પ્રક્રિયા અંતર્ગત પ્રી-બીડ મીટીંગનું આયોજન આગામી તા. 04/03/2023 ના રોજ સમય 11:30 કલાકે પીજીવીસીએલ, કોર્પોરેટ ઓફીસ, રાજકોટ ખાતે રાખવામાં આવેલ છે.