જીયુવીએનએલનાં માર્ગદર્શન હેઠળ સૌરાષ્ટ્ર કચ્છમાં પીજીવીસીએલ દ્વારા એપ્રિલ-2023 થી ડિસેમ્બર-2023 એમ 9 માસમાં આશરે કુલ રૂ. 205.21 કરોડની પાવર ચોરી પકડવામાં આવેલ છે.

એપ્રિલ-2023થી ડિસેમ્બર -2023 સુધીમાં સૌરાષ્ટ્ર-કચ્છમાં વીજ ચેકિંગ દરમિયાન કુલ 385062 વીજ જોડાણોની ચકાસણી કરવામાં આવી, જેમાંથી કુલ 64715 કનેક્શનમાં ગેરરીતિ પકડાઈ

વીજચોરી અંગે માહિતી આપવા લોકોને મોબાઈલ નં. 99252 14022 તથા 0265-2356825નો સંપર્ક કરવા અપીલ

Screenshot 2 1

ગુજરાત ઉર્જા વિકાસ નિગમ લી. હેઠળની પશ્ચિમ ગુજરાત વીજ કંપની લી. કંપની હેઠળ તેના વીજ ગ્રાહકોને સાતત્યપૂર્ણ અને ગુણવત્તાસભર વીજ પુરવઠો પૂરો પાડી શકાય તે હેતુથી છેલ્લા નવ માસમાં ઇન્સ્ટોલેશન ચેકિંગની સઘન કામગીરી કરી સૌરાષ્ટ્ર-કચ્છ વિસ્તાર હેઠળ કોર્પોરેટ ઓફિસની સૂચના અને માર્ગદર્શન હેઠળ તથા વર્તુળ કચેરીના અધિક્ષક ઇજનેરો અને વિભાગીય કચેરીના કાર્યપાલક ઇજનેરોની રાહબરી અને સીધી દેખરેખ હેઠળ એપ્રિલ-2023 થી ડિસેમ્બર -2023 દરમ્યાન કુલ 385062 વીજ જોડાણો ચેક કરવામાં આવેલ જેમાંથી કુલ 64715 વીજ જોડાણોમાં વીજ ચોરીના પુરવણી બીલો આપવામાં આવેલ જેની અંદાજીત રકમ રૂ. 205.21 કરોડ થવા પામેલ છે.

જીયુવીએનએલનાં વડપણ હેઠળ પીજીવીસીએલનાં વિજીલન્સ વિભાગ તથા સબ ડીવીઝન / ડીવીઝન ના અધિકારીઓ / કર્મચારીઓ દ્વારા વીજ ચોરી ડામવા માટે સતત કામગીરીઓ કરવામાં આવેલ. કરોડો રૂપિયાની વીજ ચોરી ઝડપાતા પ્રામાણિક ગ્રાહકોએ પણ કંપનીની કામગીરીને બિરદાવેલ છે. વીજચોરીને કારણે રાજ્ય અને રાષ્ટ્રને મોટું નુકશાન થાય છે અને વીજળીનો વેડફાટ પણ વધે છે.

ક્યારેક વીજ ચોરી કરતા સમયે વીજ અકસ્માત થતા વ્યક્તિનો જીવ ગુમાવવાના કિસ્સાઓ પણ બને છે.  વીજ ચોરી અંગેની માહિતી આપવા માટે મોબાઈલ નં. 99252 14022 (રાજકોટ) તથા 0265-2356825 (વડોદરા) પર જાણ કરી શકાય છે. ઉપરાંત પીજીવીસીએલની સબ ડીવીઝન, ડીવીઝન તેમજ સર્કલ ઓફીસમાં પણ વીજ ચોરી કરનારની માહિતી આપી શકાય છે. માહિતી આપનારની વિગત ગુપ્ત રાખવામાં આવે છે. પીજીવીસીએલ લોકોને વીજ ચોરી ચાલતી હોય તો તે અંગે જાણકારી આપવા નમ્ર અપીલ કરે છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.