સતત બીજા દિવસે બેડીનાકા, માધાપર અને રૈયારોડ સબ ડિવીઝન હેઠળના વિસ્તારોમાં ચેકીંગ ઝુંબેશ યથાવત
પીજીવીસીએલ દ્વારા આજે બેડીનાકા, માધાપર અને રૈયા રોડ સબ ડિવીઝન હેઠળનાં વિસ્તારોમાં ચેકિંગ ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. વીજતંત્રએ સતત બીજા દિવસે દરોડા યથાવત રાખતા વીજચોરોમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો છે. ગઈકાલે કરાયેલા ચેકિંગમાં રૂ.૨૧.૭૧ લાખની વીજચોરી પકડી પાડવામાં આવી હતી.
પીજીવીસીએલ દ્વારા આજરોજ બેડીનાકા, માધાપર અને રૈયા રોડ સબ ડિવીઝન હેઠળના ૯ ફિડરમાં આવતા વીજ કનેકશનોનું ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે. કુલ ૫૧ ટીમ દ્વારા આ ચેકિંગ કરવામાં આવી રહ્યું છે જોકે ગઈકાલે પણ પીજીવીસીએલે ચેકિંગ ઝુંબેશ હાથધરી હતી.
ત્યારે આજે બીજા દિવસે આ ચેકિંગ ઝુંબેશને યથાવત રાખવામાં આવી છે. ગઈકાલે હાથ ધરેલી ચેકિંગ ઝુંબેશમાં આજી-૧, આજી-૨, પ્રહલાદ પ્લોટ, કોઠારીયા રોડ, સબ ડિવીઝન હેઠળના ૮ ફિડરમાં આવતા વિજ કનેકશનો ચેક કરવામાં આવ્યા હતા. કુલ ૧૫૫૧ જેટલા વીજ કનેકશનો ચેક કરાતા ૧૩૧ વીજ કનેકશનોમાં ચોરી થતી હોવાનું માલુમ પડયું હતું. વીજ ચોરી કરતા આ કનેકશનોને કુલ રૂ.૨૧.૭૧ લાખનો દંડ ફટકારવામાં આવ્યો હતો.
પીજીવીસીએલ દ્વારા સતત બીજા દિવસે દરોડાનો દોર શરૂ રાખવામાં આવતા વીજચોરોમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો છે. ગઈકાલે વીજ ચેકિંગમાં રૂ.૨૧.૭૧ લાખની વીજ ચોરી પકડી પાડવામાં આવી હતી ત્યારે આજે હાથ ધરાયેલા ચેકિંગમાં પણ લાખોની વીજ ચોરી સામે આવનાર છે.