છેલ્લાં કેટલાંક સમયથી સૌરાષ્ટ્ર-કચ્છમાં વીજચોરીનું દૂષણ એટલું વ્યાપક બની ગયું છે કે પીજીવીસીએલને વર્ષે દહાડે કરોડો રૂપિયાનું નુકસાન ભોગવવાનો વારો આવે છે. નિયમિત ગ્રાહકોને ગુણવત્તાયુક્ત અને સાતત્યપૂર્ણ વીજપુરવઠો પૂરી પાડવાની કટિબદ્ધતા આડે આવા વીજચોરો અંતરાય બનીને ઊભા રહી જાય છે. પરિણામે વીજતંત્રને તેની રોજિંદી કામગીરી ઉપરાંત આવા તત્વો સામે ઝઝૂમવામાં સમય આપવો પડે છે. સરવાળે, નિયમિત ગ્રાહકોને પણ ક્યારેક તેમના કામોમાં સમયનો વિલંબ થતો હોવાનું અનુભવાયા વગર રહેતું નથી. વીજચોરીના આ સામાજિક દૂષણને ડામવા પીજીવીસીએલ દ્વારા સતત આકરી કામગીરી કરવામાં આવી રહી છે. એટલું જ નહિ, વધુ વીજલોસ ધરાવતા ફીડરો પર આયોજનબદ્ધ ચેકિંગ કરવામાં આવી રહ્યું છે.
પીજીવીસીએલને કરોડોનો ચૂનો લગાવતા આવા વીજચોરો સામે વીજતંત્રે હવે લાલ આંખ કરી છે અને વિવિધ વર્તુળ કચેરીઓના અધિક્ષક ઈજનેરો તેમજ વિભાગીય કચેરીઓના કાર્યપાલક ઈજનેરોની સીધી દેખરેખ હેઠળ સૌરાષ્ટ્ર-કચ્છના અનેક વિસ્તારો-જિલ્લાઓમાં ઈજનેરોની સંખ્યાબંધ ટુકડીઓ દ્વારા સામૂહિક વીજ ચેકિંગ ડ્રાઈવનું આયોજન કરીને આવા તત્વોને સબક શીખવવામાં આવે છે.
ગઈકાલે આવી જ ઇન્સ્ટોલેશન ચેકિંગ ડ્રાઈવના અનુસંધાને રાજકોટ જિલ્લાની રાજકોટ શહેર-1 વિભાગીય કચેરી હેઠળની કોઠારીયા, રણછોડ નગર પેટાવિભાગીય કચેરીઓ હેઠળના વિવિધ વિસ્તારોમાં એસ.આર.પી. સ્ટાફ તથા પોલીસ સ્ટાફના ચુસ્ત બંદોબસ્ત હેઠળ ઈજનેરોની કુલ 44 જેટલી વીજચેકિંગ ટીમો દ્વારા વીજચેકિંગની કામગીરી કરવામાં આવી હતી.આ દરમિયાન રહેણાંક, વાણિજ્યિક, ખેતીવાડી વગેરે મળીને કુલ 1083 જેટલા વીજજોડાણો ચકાસવામાં આવ્યાં હતા, જે પૈકી 121 વીજજોડાણોમાં જુદાજુદા પ્રકારની ગેરરીતિ માલૂમ પડતાં કુલ રૂ. 28.46 લાખની દંડનીય આકારણીના બિલ ફટકારવામાં આવ્યાં હતા.નોંધનીય છે કે એપ્રિલ-22થી ડિસેમ્બર-22ના સમયગાળા દરમિયાન રાજકોટ શહેર વર્તુળ કચેરી હેઠળ કુલ 66290 વીજજોડાણો ચકાસવામાં આવ્યાં છે, જેમાંથી કુલ 5461 વીજ જોડાણોમાં વિવિધ ગેરરીતિ સબબ કુલ રૂ. 1762.37 લાખની દંડનીય આકારણીના બિલ આપવામાં આવ્યાં છે. જ્યારે સમગ્ર પીજીવીસીએલ હેઠળ ઉપરોક્ત સમયગાળા દરમિયાન કુલ490358વીજ જોડાણો ચકાસીને કુલ57815 વીજજોડાણોમાંથી ગેરરીતિ પકડી પાડી કુલ રૂ.148.29 કરોડના બિલ આપવામાં આવ્યાં છે.
આ ઉપરાંત આજરોજ પીજીવીસીએલની 46 ટીમો દ્વારા બેડીનાકા અને માધાપર સબ ડીવીઝન હેઠળના વિસ્તારોમાં ચેકીંગ હાથ ધર્યુ છે.
ઉલ્લેખનીય છે કે પીજીવીસીએલ દ્વારા તાજેતરમાં જ ભુજ અને અંજાર ઉપરાંત સૌરાષ્ટ્ર-કચ્છના અનેક સ્થળોએથી ખાનગી ટ્રાન્સફોર્મર દ્વારા થતી વીજચોરી પકડી પાડવામાં આવેલ છે અને સુરેન્દ્રનગર પંથકમાં આવેલી લાઈમસ્ટોન્સની અનેક ખાણોમાં ઓચિંતું ચેકિંગ કરીને કરોડો રૂપિયાની વીજચોરી પકડી પાડવામાં આવેલ છે. ઉપરાંત, મીઠાના અગરિયાઓ દ્વારા પણ મોટાપાયે વીજચોરી થતું હોવાનું ધ્યાને આવતા આવા તત્વો પર પણ લગામ કસવામાં આવી છે.
આગામી દિવસોમાં ચેકિંગની આ ઝુંબેશને વધુ વ્યાપક અને ગતિશીલ બનાવાશે તેવું વીજતંત્રના સૂત્રોએ જણાવ્યું છે. પીજીવીસીએલની આ કામગીરીને લીધે વીજચોરોમાં ફફડાટ વ્યાપી ગયો છે.