- જાન્યુઆરીમાં રાજકોટ ગ્રામ્ય વર્તુળ કચેરીમાં 2 કરોડથી વધુની વીજ ચોરી પકડાઈ
રાજકોટ સહીત સૌરાષ્ટ્ર કચ્છના ગ્રામ્ય વિસ્તારોમાં સતત વીજ ચેકિંગ ચાલુ છે અને કાયદાનો ડર ન હોય તેમ બેફામ બનેલા વીજચોરો સામે તંત્ર દ્વારા તવાઈ હાથ ધરતા ફફડાટ વ્યાપી જવા પામેલ છે. વીજ ચોરીના દુષણથી પીજીવીસીએલને વર્ષે દહાડે કરોડો રૂપિયાનું નુકસાન ભોગવવાનો વારો આવે છે. નિયમિત ગ્રાહકોને ગુણવત્તાયુક્ત અને સાતત્યપૂર્ણ વીજપુરવઠો પૂરી પાડવાની કટિબદ્ધતા આડે આવા વીજચોરો અંતરાય બનીને ઊભા રહી જાય છે.
પરિણામે વીજતંત્રને તેની રોજિંદી કામગીરી ઉપરાંત આવા તત્વો સામે ઝઝૂમવામાં સમય આપવો પડે છે. સરવાળે, નિયમિત ગ્રાહકોને પણ ક્યારેક તેમના કામોમાં સમયનો વિલંબ થતો હોવાનું અનુભવાયા વગર રહેતું નથી. વીજચોરીના આ સામાજિક દૂષણને ડામવા પીજીવીસીએલ દ્વારા સતત આકરી કામગીરી કરવામાં આવી રહી છે. એટલું જ નહિ, વધુ વીજલોસ ધરાવતા ફીડરો પર આયોજનબદ્ધ ચેકિંગ કરવામાં આવી રહ્યું છે.
મળતા પ્રાથમિક અહેવાલો મુજબ પીજીવીસીએલ તંત્ર દ્વારા રાજકોટ જીલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં સતત ચેકિંગ કરીને વીજ ચોરીઓ પકડી પાડવામાં આવી રહી છે. જેના ભાગરૂપે ગોંડલ અને કોટડાસાંગાણી પંથકના ગ્રામ્ય વિસ્તારોમાં તા: 29ના રોજ સઘન વીજ ચેકિંગ કરી વીજ ચોરોને રંગેહાથો પકડી લેવામાં આવેલ હતા. એસ.આર.પી. સ્ટાફ તથા પોલીસ સ્ટાફના ચુસ્ત બંદોબસ્ત હેઠળ પીજીવીસીએલના કાર્યક્ષમ ઈજનેરોની કુલ 41 જેટલી વીજચેકિંગની ટુકડીઓ ત્રાટકી હતી.
જેમાં રહેણાંક, વાણિજ્યિક, ખેતીવાડી વગેરે મળીને કુલ 725 જેટલા વીજજોડાણો ચકાસવામાં આવ્યાં હતા, જે પૈકી 93 વીજજોડાણોમાં જુદાજુદા પ્રકારની ગેરરીતિ માલૂમ પડતાં એક જ દિવસમાં કુલ રૂ. 24.65 લાખ રકમની વીજ ચોરી પકડી પાડવામાં સફળતા પ્રાપ્ત થયેલ છે. તદુપરાંત, રાજકોટ ગ્રામ્ય વર્તુળ કચેરી હેઠળના વિસ્તારોમાં જાન્યુઆરી-2024માં હાલ સુધીમાં અંદાજે રૂ. 2 કરોડ 17 લાખ ની વીજચોરી પકડી પાડવામાં તંત્રને સફળતા હાંસલ થયેલ છે. તંત્ર દ્વારા પણ કાર્યક્ષમ ઈજનેરોને બિરદાવેલ છે. હવે પકડાયેલ વિજચોરીઓના અંદાજીત દંડનીય આકારણીના બીલો ફટકારવામાં આવશે.