દુધની ડેરી, એસ.ટી.વર્કશોપ, કામદાર વિમા યોજનાની હોસ્પિટલોમાંથી મચ્છરોના બિડીંગ મળી આવ્યા
શહેરના દુધસાગર રોડ પર આવેલી પીજીવીસીએલની કચેરી અરજદારો માટે જાણે રોગચાળાનું ઘર હોય તેવું લાગી રહ્યું છે. આજે કોર્પોરેશનની આરોગ્ય શાખા દ્વારા હાથ ધરવામાં આવેલા ચેકિંગ દરમિયાન વીજ કચેરીમાંથી અલગ-અલગ ૪૯ સ્થળોએથી મચ્છરોના લારવા મળી આવતા આરોગ્ય શાખાના અધિકારીઓ ચોંકી ઉઠયા હતા. દુધની ડેરી, એસ.ટી.વર્કશોપ, કામદાર વિમા યોજનાની હોસ્પિટલ સહિતના સ્થળોએથી મચ્છરોના બિડીંગ મળી આવ્યા હતા.આ અંગે વધુ માહિતી આપતા આરોગ્ય અધિકારી ડો.પંકજ રાઠોડે જણાવ્યું હતું કે, આજે આરોગ્ય શાખા દ્વારા અલગ-અલગ સરકારી કચેરીમાં મચ્છરોના ઉપદ્રવ અંગે ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. તે અંતર્ગત દુધસાગર રોડ પર આવેલી દુધની ડેરીમાં ઉત્પાદન મશીનના વેસ્ટેઝ ભંગાર, બેલર, હોઝ અને ટાયર સહિત ૨૮ સ્થળેથી, પીજીવીસીએલ કચેરીમાં પાણીની નાંદ, તુટેલી સિન્ટેક્ષની ટાંકી, ટાયર, મીટર બોકસ, પક્ષીકુંજ, પશુને પીવડાવવાની કુંડી સહિત ૪૯ સ્થળોએથી મચ્છરોના લારવા મળી આવ્યા હતા.
એસ.ટી.વર્કશોપમાં ટાયરો, ખુલ્લી સીન્ટેક્ષની ટાંકી, બેરલ, પક્ષીકુંજ તથા ખુલ્લી ડ્રેનેજ સહિત ૬ સ્થળેથી, કામદાર વિમા યોજનાની હોસ્પિટલમાં સિન્ટેક્ષની ટાંકી, અગાસી પર જમા થયેલું પાણી અને પક્ષીકુંજ સહિત કુલ ૭ સ્થળોએથી મચ્છરોના લારવા મળી આવ્યા હતા.