પ્રિ-મોન્સુન કામગીરી પૂર્ણતાના આરે: વીજલાઈન, ટ્રાન્સફોર્મર અને સબ સ્ટેશનોની મેઇન્ટેનન્સની કામગીરી કરાઈ: ૨૫૦ પેટા વિભાગીય કેન્દ્રોને માત્ર ઈનકમીંગ કોલ વાળા મોબાઈલ અપાયા: ફરિયાદ મળતા તાત્કાલિક એકશન લેવાશે
ચોમાસુ નજીક આવી રહ્યું છે ત્યારે પશ્ર્ચિમ ગુજરાત વીજ કંપની લી.દ્વારા હાથ ધરાયેલી પ્રિ-મોનસુન કામગીરી પૂર્ણતાના આરે છે. પીજીવીસીએલ દ્વારા વીજલાઈન, પોલ, ટ્રાન્સફોર્મર અને સબ સ્ટેશનોનું મેઈન્ટેનન્સ કામ હાથ ધરી ચોમાસામાં ગ્રાહકોને મુશ્કેલી ન સર્જાય તે માટે ખાસ તકેદારી રાખવામાં આવી છે. ઉપરાંત ગઈકાલથી રાઉન્ડ ધ કલોક કંટ્રોલરૂમ પણ શરૂ કરવામાં આવ્યા છે.
પીજીવીસીએલનાં મુખ્ય એન્જીનીયર (ટેકનીકલ) જે.જે.ગાંધીએ ‘અબતક’ સાથેની ખાસ વાતચીતમાં જણાવ્યું કે, પીજીવીસીએલનાં ૫૦ લાખથી વધુ ગ્રાહકોની ચોમાસા દરમિયાન મહદઅંશે મુશ્કેલી નિવારી શકાય તે માટે અમે જે જુદા-જુદા ફિડર્સ થકી વીજળી પુરી પાડી રહ્યા છીએ તે ફિડર્સની મેઈન્ટેનન્સની કામગીરી કરી છે. આ મેઈન્ટેનન્સની કામગીરી તાંત્રિક અને ભૌતિક એમ બે વિભાગમાં કરવામાં આવે છે. વધુ વીજ પ્રવાહ પસાર થવાના કારણે ક્ધડકટરો તુટી જતા હોય છે ત્યારે ચોમાસાનાં પવનને ધ્યાને રાખી આ ક્ધડકટરો બદલવાની કામગીરી કરવામાં આવી છે.
આ કામગીરીનો તાંત્રિકમાં સમાવેશ થાય છે. ઉપરાંત ખેતીવાડી વિસ્તારોમાં વૃક્ષ લાઈનને અડી જતા હોય છે ત્યારે વૃક્ષોને ટ્રીમીંગ કરવાનું કામ કરવામાં આવે છે ઉપરાંત વધુ નડતરરૂપ થતા વૃક્ષોને કાપવાને બદલે તેના એરીયર બંચ કેબલીંગનું કામ કરવામાં આવે છે ઉપરાંત ગ્રામ્ય વિસ્તારોમાં નિચાણવાળા વિસ્તારોમાં જે ટ્રાન્સફર્મરો આવેલા છે. અથવા તો ટ્રાન્સફોર્મરો જે જમીનથી થોડે જ અંતરે ફીટ કરવામાં આવ્યા છે તેના નીચેના ભાગે કચરો જામી જવાના બનાવો બને છે. તેમાં ટ્રાન્સફોર્મરોની મરામતની કામગીરી કરી છે.
જમીનથી માત્ર થોડે જ અંતરે ફીટ કરેલા ટ્રાન્સફોર્મરોને યોગ્ય ઉંચાઈએ ફીટ કર્યા છે તેમજ ટ્રાન્સફોર્મરોની સાફ સફાઈ કરી છે. વધુમાં જે.જે.ગાંધીએ જણાવ્યું કે, જયાં પણ સ્પાર્ક થતા હોય, તાર તુટયા હોય અથવા તો વીજળીને લગતી કોઈપણ સમસ્યા હોય તો નજીકની સબ ડિવીઝન ઓફિસના ફરિયાદ કેન્દ્રમાં જાણ કરી દે તો અકસ્માત થતો નિવારી શકાય છે. જેથી લોકોને અપીલ છેકે આ પ્રકારની કોઈપણ સમસ્યા હોય તો તાત્કાલિક વીજ તંત્રને જાણ કરે.