હળવદ પીજીવીસીએલ ડિવીઝન હેઠળના ચાર સબડિવિઝનના ૩૨ જેટલા કોન્ટ્રાક્ટરો પોતાના વિવિધ ૨૦ જેટલા પ્રશ્નોને લઇ છેલ્લા બે દિવસથી હડતાલ પર ઉતરી ગયા હતા જેને લઇ ખાસ કરીને ખેડૂતો ભારે મુશ્કેલીમાં મુકાયા હતા જોકે આજે સાંજના પીજીવીસીએલ ના અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરો વચ્ચે થયેલ બેઠક બાદ કોન્ટ્રાક્ટરોના વિવિધ પ્રશ્નોનું વહેલી તકે નિરાકરણ કરી દેવાની ખાત્રી આપ્યા બાદ હડતાલ સમેટાઈ હોવાનું કોન્ટ્રાક્ટર એસોસિએશનના પ્રમુખે જણાવ્યું હતું.

હળવદ પીજીવીસીએલના ડિવિઝન હેઠળ આવતા હળવદ શહેર,ગ્રામ્ય, ચરાડવા અને સરા મળી કુલ ચાર સબડિવિઝનના ૩૨ જેટલા કોન્ટ્રાક્ટરો પોતાના પડતર વિવિધ ૨૦ જેટલા પ્રશ્નોને લઇ છેલ્લા બે દિવસથી હડતાલ પર ઉતરી ગયા હતા જેને કારણે શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારમાં વીજળીના પ્રશ્નો,મીટરના પ્રશ્નો તેમજ ટ્રાન્સફોર્મર ના પ્રશ્નોની હારમાળા સર્જાઇ હતી જોકે આજે ઘણા બધા ખેડૂતો અગાઉ પડેલા વરસાદને લઈ ટ્રાન્સફોર્મર માં ખામી સર્જાઈ હોય અથવાતો બળી ગયા હોય જેથી  નવા  ટ્રાન્સફોર્મર લેવા માટે પોતાના સ્વખર્ચે વાહનો લઇ પીજીવીસીએલ કચેરી ખાતે ટ્રાન્સફોર્મર લેવા માટે દોડીઆવ્યા હતા. ત્યારે છેલ્લા બે દિવસથી કોન્ટ્રાક્ટરો પોતાના ૨૦ પ્રશ્નોને લઇ હડતાલ પર હતા તેમાંના ૧૪ જેટલા પ્રશ્નો સ્વીકારવામાં આવ્યા છે જ્યારે બાકીના છ પ્રશ્નોનું પણ વહેલી તકે નિરાકરણ કરી આપવાની ખાત્રી આપ્યા બાદ કોન્ટ્રાક્ટરોએ આજે પોતાની હડતાલ સમેટી હતી. આ અંગે હળવદ પીજીવીસીએલ કોન્ટ્રાક્ટર એસોસિએશનના પ્રમુખ પૃથ્વીરાજસિંહ ઝાલાએ જણાવ્યું હતું કે પહેલા તો અમે ખેડૂતોની માફી માંગીએ છીએ કે તેઓએ બે દિવસ તકલીફ ભોગવવી પડી છે અધિકારીઓ દ્વારા અમારી મોટાભાગની માંગો સ્વીકારી લેવામા આવી છે જેથી અમારી હડતાલ સમેટી લિધી છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.