સૌરાષ્ટ્ર-કચ્છના વિસ્તારોમાં મોટાપાયે વીજ જોડાણોના ચેકિંગની કામગીરી હાથ ધરવામાં આવતા ઈમાનદાર ગ્રાહકોનો ઉત્સાહ વધ્યો અને વીજ ચેકિંગ ઝુંબેશને વધાવી
અબતક, રાજકોટ
પીજીવીસીએલ દ્વારા સૌરાષ્ટ્ર – કચ્છના વિસ્તારોમાં મોટાપાયે વીજ જોડાણોના ચેકિંગની કામગીરી હાથ ધરવામાં આવતા ઈમાનદાર ગ્રાહકોના ઉત્સાહમાં વધારો થયો તેમજ વીજ ચેકિંગ ઝુંબેશને વધાવી લીધી છે.
પીજીવીસીએલ દ્વારા ઇન હાઉસ મીટર રીડીંગ શરૂ કરવામાં આવતા અનેક ગ્રાહકોના મીટર રીડીંગ પેન્ડિંગ હોવાનું ધ્યાનમાં આવ્યુ: અમુક ગ્રાહકો દ્વારા મીટર રીડીંગ પેન્ડિંગ હોય તે છુપાવવા માટે મીટરના ડિસ્પ્લે તેમજ મીટર બાળી નાખવા સુધીના કૃત્યો કર્યાનું ધ્યાને આવ્યું
પીજીવીસીએલ હેઠળના સૌરાષ્ટ્ર – કચ્છના વિસ્તારોમાં ઘણા સમયથી વ્યાપક પ્રમાણમાં જીયુવીએનએલ , પીજીવીસીએલ વિજીલન્સ સ્કવોડ અને સબ ડીવીઝનના અધકારીઓ , કર્મચારીઓ દ્વારા વીજ ચેકિંગ હાથ ધરતા અંદાજીત રૂ . 145 કરોડના વીજ બીલો જુદી જુદી કેટેગરીમાં એપ્રિલ માસથી અત્યાર સુધીમાં અપાતા વિજીલન્સ અધિકારીઓ અને કર્મચારીઓમાં પણ ઉત્સાહ વધતા વધુ વેગથી વીજ ચેકિંગ ની કામગીરી કરવા પ્રેરાયા છે.
મીટરના રીડીંગ પેન્ડિંગ હોય તો તેના યોગ્ય નિરાકરણ માટે તેમની સબ ડિવિઝન કચેરીનો સંપર્ક કરી યોગ્ય રજૂઆત કરવા પીજીવીસીએલની અપીલ: મીટર સાથે ચેડા કરનાર ગ્રાહકો પર કંપનીના નિયમોનુસાર આકરા પગલાં ભરવામાં આવશે
પીજીવીસીએલ હેઠળ ઇન હાઉસ મીટર રીડીંગ શરુ થતાં મીટરમાં રીડીંગ પેન્ડીંગ હોવાનું ઘણા કિસ્સામાં માલુમ પડેલ છે . મીટરમાં રીડીંગ પેન્ડીંગ હોવાના કારણે મીટર સાથે ચેડા કરી મીટર ડિસ્પ્લે બાળી નાખવાનાં તેમજ આખું મીટર બાળી નાખવાનાં કિસ્સાઓ સામે આવી રહ્યા છે . ગ્રાહકોને ભરમાવીને ચોક્કસ ટોળકી મ વ્યક્તિઓ દ્વારા આવા પ્રકારની કામગીરી થતી હોવાની માહિતી પીજીવીસીએલને મળેલ છે . તાજેતરમાં રાજકોટના આજી ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં તથા રણછોડનગર વિસ્તારમાં મીટર ડિસ્પ્લે બાળી નાખવાના તથા મીટર બાળી નાખવાના કિસ્સાઓ બહાર આવ્યા છે જેમાં પીજીવીસીએલ દ્વારા નિયમોનુસાર લાખો રૂપિયાના બીલો આપી વીજ જોડાણ કાપીને પાવરચોરીના બીલની લાખો રૂપિયાની રકમ વસુલ કરેલ છે .
વીજચોરી ના ડેટાનું એનાલીસીસ કરતાં ટ્રાન્સફોર્મર પરથી સીધુંજ કેબલ નાખી મીટર બાયપાસ કરી , લોડ સાથે કેબલ જોડી દેવો , મીટર સાથે ચેડા કરી મીટર ફરતું બંધ કરી દેવું અથવા ધીમું ફરે તેવી વ્યવસ્થા કાયમી રીતે કરવી , ખાનગી કંપનીના મીટર રીડરો સાથે સબંધ રાખી મીટરમાં રીડીંગ પેન્ડીંગ રાખી બીલો બનાવવા અને પેન્ડીંગ રીડીંગ વધી જાય ત્યારે મીટરનો ડિસ્પ્લે બાળી નાખવો અથવા મીટર જ બાળી નાખવું આવી વિવિધ પ્રકારની ગેરરીતિઓ સામે આવે છે.
પીજીવીસીએલ દ્વારા ગ્રાહકોને નમ્ર અપીલ છે કે કોઈ કારણસર આપના વીજ મીટરમાં પેન્ડીંગ યુનિટ હોય અથવા કોઈપણ પ્રકારની તકલીફ કે ફરિયાદ હોય તો રૂબરૂ સબ ડીવીઝન / ડીવીઝન ઓફિસમાં યોગ્ય ઉકેલ લાવવા માટે સંપર્ક કરી જાણ કરવી .્ર
જે વીજ ગ્રાહકો દ્વારા પેન્ડીંગ યુનિટો છુપાવવા માટે મીટરનો ડિસ્પ્લે અથવા મીટર બાળી નાખવામાં આવશે અથવા અન્ય કોઈ ગેરરીતી આચરવામાં આવશે તો તેમના પર ઈલેક્ટ્રીસીટી એક્ટ મુજબ કાર્યવાહી કરી આકરા પગલાઓ લેવામાં આવશે . જેના દંડની રકમ પેન્ડીંગ યુનિટ કરતા અનેક ગણી વધુ હોઈ શકે છે .
પીજીવીસીએલ ની તમામ લોકોને – વીજ ગ્રાહકોને નમ્ર અપીલ છે કે રાજ્યના વિશાળ હિતને તથા સમગ્ર સમાજના હિતોને ધ્યાને લઈને વીજ વપરાશમાં નિયંત્રણ કરી વીજ ચોરી ના કરવી તેમજ અન્ય લોકોને પણ વીજ ચોરી કરતા અટકાવવા ઉત્તમ ઉદાહરણ પૂરું પાડીએ.