રાજકોટ, જસદણ અને ગોંડલના ગ્રામ્ય વિસ્તારોમાં 46 ટીમોએ 3179 વીજ કનેક્શનો ચેક કરતા 690માંથી ગેરરીતી ઝડપાઇ
રાજકોટ જીલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં છેલ્લા કેટલાક સમયથી વીજચોરોએ માથું ઉચક્યું હોવાના અહેવાલો મળી રહ્યા છે. આમાટે પીજીવીસીએલ તંત્ર દ્વારા પણ વીજચોરીને ડામવા માટે સતત વીજ ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે. જેમાં તબક્કાવાર તેમજ આયોજનબધ્ધ સૌરાષ્ટ્રના હાર્દ સમા વિસ્તારોમાં તેમજ નિગમિત કચેરીની વિવિધ ટીમો દ્વારા ગ્રામ્ય વિસ્તારોમાં જેવા કે જસદણ, ગોંડલ અને રાજકોટ તાલુકા હેઠળના વિસ્તારોમાં તા: 24-04-2023 થી તા: 29-04-2023 દરમિયાન સઘન વીજ ચેકિંગ કરવામાં આવેલ હતું.
જેમાંથી તા: 24-04-2023 અને તા: 25-04-2023ના રોજ ગોંડલના વિવિધ વિસ્તારોમાં, તા: 26-04-2023 થી તા: 27-04-2023ના રોજ જસદણ તાલુકાના વિસ્તારોમાં અને તા: 28-04-2023 થી તા: 29-04-2023ના રોજ રાજકોટ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં એસ.આર.પી. સ્ટાફ તથા પોલીસ સ્ટાફના ચુસ્ત બંદોબસ્ત હેઠળ પીજીવીસીએલના કાર્યક્ષમ ઈજનેરોની કુલ 46 જેટલી વીજચેકિંગ ટીમો દ્વારા વીજચેકિંગની કામગીરી કરવામાં આવી હતી.
જેમાં રહેણાંક, વાણિજ્યિક, ખેતીવાડી વગેરે મળીને કુલ 3179જેટલા વીજજોડાણો ચકાસવામાં આવ્યાં હતા, જે પૈકી 690 વીજ જોડાણોમાં જુદાજુદા પ્રકારની ગેરરીતિ માલૂમ પડતાં 05 દિવસમાં કુલ રૂ. 175.12લાખની માતબર રકમની દંડનીય આકારણીના બીલો ફટકારવામાં આવ્યાં હતા.
ગુજરાત ઉર્જા વિકાસ નિગમ લી. હેઠળની પીજીવીસીએલ કંપની કે જેના સૌરાષ્ટ્ર કચ્છ વિસ્તારોમાં તમામ પ્રકારના વીજ ગ્રાહકોને અવિરત અને સાતત્યપૂર્ણ વીજળી પહોચાડવામાં આવી રહ્યો છે તેમજ સાચા / પ્રમાણિક ગ્રાહકોને ન્યાય મળી રહે તે માટે વીજ લોસ ઘટાડવા અને વીજ ચોરીના સામાજિક દુષણને ડામવા માટે વિજીલન્સ વિભાગ દ્વારા તેમજ સ્થાનિક પેટા વિભાગીય કચેરીઓ અને વિભાગીય કચેરીઓના અધિકારીઓ દિવસ-રાત કામગીરી કરીને કરોડો રૂપિયાની પાવર ચોરી પકડી પાડે છે.
જેથી પીજીવીસીએલ દ્વારા પણ તેમના માનવંતા ગ્રાહકોને વિનમ્ર અપીલ કરવામાં આવી છે કે ઉપરોક્ત કામગીરીને વધુ પરિણામલક્ષી બનાવવા માટે તંત્ર સાથે હાથથી હાથ મિલાવીને ધંધારોજગારની આસપાસ અથવા તો નજીકના રહેણાક વિસ્તારોમાં જ્યાં પણ વીજ ચોરી થતી હોય તેની માહિતી વીજ કચેરીમાં ખાનગી રાહે પહોચાડવી અને આવા વીજચોરોને પકડવા માટે તંત્રની મદદ કરવી.
વીજચોરી અંગેની માહિતી આપવા માટે મોબાઈલ નં: 9925214022 (રાજકોટ) અને 0265-2356825 (વડોદરા) પર જાણ કરી શકાય છે. ઉપરાંત પીજીવીસીએલની પેટા વિભાગીય, વિભાગીય કે વર્તુળ કચેરીમાં પણ વીજ ચોરી કરનારની માહિતી આપી શકાય છે. માહિતી કે બાતમી આપનારની વિગતો ગુપ્ત રાખવામાં આવશે.