ડેન્ટલની 17મી અને મેડીકલની 25મી જુલાઇથી પરીક્ષાનો પ્રારંભ થશે

વિદ્યાર્થીઓને પરીક્ષા દેવા દૂર સુધી લંબાવુ ના પડે તે માટે 50થી વધુ કેન્દ્ર પર પરીક્ષા લેવામાં આવશે

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની 25મી જૂનથી લેવાનારી પરીક્ષા મોકૂફ રાખવામાં આવી હતી અને આજે નવી તારીખો સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ બહાર પાડી છે ત્યારે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની પીજીની અને ફાર્મસીની પરીક્ષા 15મી જુલાઈથી લેવાનું નક્કી કર્યું છે. આ ઉપરાંત ડેન્ટલની 17મી અને મેડીકલની 25મી જુલાઇથી પરીક્ષાનો પ્રારંભ થશે.
ઉલ્લેખનીય છે કે કોરોનાની મહામારીને લઈને દેશભરની કોલેજોમાં પરીક્ષા લેવાનો વિલંબ થયો હતો ત્યારે યુજીસીની ગાઈડ લાઇન મુજબ અને રાજ્ય સરકારના પરિપત્ર બાદ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની પીજીની પરીક્ષા 25 જૂને લેવાનો નિર્ણય કર્યો હતો જો કે એન.એસ.યુ.આઈએ કરેલી રજુઆત બાદ રાજ્યભરની યુનિવર્સિટીઓ દ્વારા પરીક્ષા મોકૂફ રાખવામાં આવી હતી.
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ઉપકુલપતિ ડો.વિજય દેસાણીના જણાવ્યા મુજબ આગામી તારીખ 15મી જુલાઇથી પીજીના વિદ્યાર્થીઓની પરીક્ષા લેવામાં આવશે સાથોસાથ ફાર્મસીની પરીક્ષાનો પણ ત્યારથી જ પ્રારંભ થનાર છે જો કે ડેન્ટલની પરીક્ષા 17મીથી અને મેડીકલની પરીક્ષા 25મી જુલાઇથી લેવામાં આવશે. વિદ્યાર્થીઓ પોતાના જ ગામડામાં કે શહેરમાં પરીક્ષા આપી શકે તે માટે યુનિવર્સિટી દ્વારા ખાસ 50 કેન્દ્રો ફાળવવામાં આવ્યા છે અને પુરા સોશ્યલ ડિસ્ટન્સ સાથે પરીક્ષા લેવામાં આવશે. આગામી દિવસોમાં તમામ પરીક્ષાનું ટાઈમ ટેબલ પણ જાહેર કરવામાં આવશે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.