એક કિલો સીએનજીના ભાવ રૂ. 64.74ને આંબ્યો: વાહન ચાલકોને બધી બાજુથી ભાવવધારાનો કોરડો વીંઝતી સરકાર
અબતક,રાજકોટ
દિવાળીના તહેવાર સમયે જ સરકાર દ્વારા વાહન ચાલકોને ચોતરફથી ભાવ વધારાની ભીંસમાં લઈ લેવામાં આવ્યા છે. ગઈકાલે ગુજરાત ગેસ દ્વારા સીએનજીનાં ભાવમાં વધારો કરવામાં આવ્યો છે. રાજકોટમાં સીએનજી પ્રતિકીલો પાંચ રૂપીયા મોંઘુ થઈ ગયું છે. દરમિયાન આજે પણ પેટ્રોલના ભાવમાં વધારો ઝીંકવામાં આવ્યો છે. અને ડીઝલની કિમંત સ્થીર રહી છે. સીએનજીના ભાવ પ્રતિ કિલો 65.74 રૂપીયાએ પહોચી જવા પામ્યા છે.
ઓઈલ કંપનીઓ દ્વારા આજે પેટ્રોલના ભાવમાં 36 પૈસાનો વધારો ઝીકવામાં આવ્યો છે. જયારે ડીઝલની કિંમતમાં કોઈ વધારો કરવામાં આવ્યો નથી. રાજકોટમાં આજે એક લીટર પેટ્રોલનો ભાવ 106.37 રૂપીયાએ પહોચી ગયો છે. જયારે ડીઝલની કિંમત પ્રતિ લીટર 105.84 રહેવા પામી છે. ગુજરાત ગેસ દ્વારા ગઈકાલે સીએનજીનાં ભાવમાં વધારો ઝીંકવામાં આવ્યો છે. જેની અમલવારી શરૂ થઈ જવા પામી છે. રાજકોટમાં પ્રતીકિલો સીએનજીનાં ભાવ 60.78 રૂપીયા હતા જે 4.96 રૂપીયાના વધારા સાથે હવે પ્રતિકિલો 65.74 રૂપીયાએ પહોચી જવા પામ્યો છે.પેટ્રોલીયમ પેદાશોમાં છેલ્લા ઘણા સમયથી સતત ભાવ વધારો થઈ રહ્યો છે. જેના કારણે વાહન ચાલકો ત્રાહીમામ પોકારી ગયા છે. સતત ભાવ વધારાના કારણે મોંઘવારીએ પણ માઝા મૂકી છે.